નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2026 : દેશ આજે ‘સેના દિવસ‘ની ઉજવણી કરી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભારતીય સેના નિઃસ્વાર્થ સેવા અને અપ્રતિમ સાહસનું પ્રતીક છે. સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ આપણી સેના અતૂટ સંકલ્પ સાથે દેશની સુરક્ષા કરે છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા ‘એક્સ’ પર પોસ્ટ દ્વારા જણાવ્યું કે, રાષ્ટ્ર આપણા સૈનિકોની વીરતા અને દ્રઢ પ્રતિબદ્ધતાને નમન કરે છે. કર્તવ્ય પ્રત્યેની તેમની ભાવના દેશમાં વિશ્વાસ અને કૃતજ્ઞતા જગાડે છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સેના દિવસ પર શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, ભારતીય સેના દેશની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતાની રક્ષામાં હંમેશા અડિગ રહી છે. સૈનિકો માત્ર સરહદની સુરક્ષા જ નથી કરતા, પરંતુ આપત્તિ અને માનવીય સહાયના સમયે પણ મહત્વની ભૂમિકા ભજવે છે. બીજી તરફ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને સેનાના અધિકારીઓ, જવાનો અને ભૂતપૂર્વ સૈનિકોને નમન કરતા જણાવ્યું કે, દેશની સુરક્ષામાં તેમનું બલિદાન દરેક નાગરિક માટે પ્રેરણારૂપ છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારતીય સેનાના જવાનો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, આપણી સરકાર એક આધુનિક અને ભવિષ્ય માટે તૈયાર સેનાના નિર્માણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. સેનાએ પોતાના વ્યાવસાયિક કૌશલ્ય અને શિસ્ત દ્વારા વૈશ્વિક સ્તરે માન-સન્માન મેળવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે પણ જવાનોની શૌર્યગાથાને યાદ કરતા કહ્યું કે, સેનાના પરાક્રમની ગૂંજ આપણા ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલી છે, જે દરેક પેઢીમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરે છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ જણાવ્યું કે, ભારતીય સેના રાષ્ટ્રની અજેય ઢાલ સમાન છે. ભલે ગમે તેવી કઠિન ભૌગોલિક પરિસ્થિતિ હોય કે આંતરિક સુરક્ષાના પડકારો, સેના હંમેશા અડિગ રહી છે. નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ પણ વીર જવાનોના અદમ્ય સાહસ અને સર્વોચ્ચ બલિદાન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
દર વર્ષે 15 જાન્યુઆરીએ ‘સેના દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસે વર્ષ 1949માં ફિલ્ડ માર્શલ કે.એમ. કરિઅપ્પાએ બ્રિટિશ જનરલ સર એફ.આર.આર. બુચર પાસેથી ભારતીય સેનાના પ્રથમ ભારતીય કમાન્ડર-ઇન-ચીફ તરીકે પદભાર સંભાળ્યો હતો. તેમની આ ઐતિહાસિક સિદ્ધિની યાદમાં દર વર્ષે આ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

