નવી દિલ્હી, 1 જૂન 2026: ભારતના નવા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) તથા નૌકાદળના નવા વડાએ પદભાર સંભાળ્યો છે. જનરલ એનએસ રાજા સુબ્રમણીએ રવિવારે ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. તેમણે જનરલ અનિલ ચૌહાણનું સ્થાન લીધું છે. જનરલ અનિલ ચૌહાણ શનિવારે દેશના સર્વોચ્ચ સૈન્ય અધિકારી તરીકેનો પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. આ ઉપરાંત એડમિરલ ક્રિષ્ના સ્વામિનાથને પણ ભારતના નવા નૌસેના (Navy) વડા તરીકે પદભાર ગ્રહણ કર્યો છે. તેમણે એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીનું સ્થાન લીધું છે, જેઓ સેવામાંથી નિવૃત્ત થયા છે.
સશસ્ત્ર દળોનું આધુનિકીકરણ અને સંકલન ટોચની પ્રાથમિકતા
પદભાર સંભાળ્યા બાદ તરત જ જનરલ સુબ્રમણીએ જણાવ્યું હતું કે, સશસ્ત્ર દળોના પરિવર્તનને મજબૂત કરવું અને ત્રણેય સેનાઓ (આર્મી, નેવી અને એરફોર્સ) વચ્ચેના સંકલન અને જોડાણને વધુ સરળ બનાવવા માટે સંગઠનાત્મક સુધારા કરવા તે તેમની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાં રહેશે.
તેમણે મીડિયાને આપેલા ટૂંકા નિવેદનમાં જણાવ્યું કે, “આપણે આપણા સશસ્ત્ર દળોમાં સ્વદેશી શસ્ત્રોના વિકાસ, સમાવેશ અને સંકલનની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવીશું.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “આપણા સશસ્ત્ર દળોએ દેશના હિતોની રક્ષા કરવામાં હંમેશા વ્યાવસાયિકતા અને ઓપરેશનલ નિર્ણાયકતા દર્શાવી છે. અમે દેશની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. હું ભારતના નાગરિકોને આશ્વાસન આપું છું કે સશસ્ત્ર દળો સમર્પણ, હિંમત, સન્માન અને વ્યાવસાયિકતા સાથે દેશની સેવા કરવાનું ચાલુ રાખશે.”
નૌસેના હાઈ-એલર્ટ પર રહેશે: એડમિરલ સ્વામિનાથન
નૌસેના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા એડમિરલ સ્વામિનાથને જણાવ્યું કે, “ભારતીય નૌસેના દેશનાં હિતોનું રક્ષણ કરવા માટે હંમેશા સજાગ છે અને પ્રાદેશિક સુરક્ષાના વાતાવરણમાં સક્રિયપણે સુસજ્જ છે. ભારતીય નૌસેના ઓપરેશનલ સજ્જતા અને યુદ્ધ પ્રભાવશીલતાના સર્વોચ્ચ સ્તરને જાળવી રાખે તે સુનિશ્ચિત કરવું મારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે, જેથી તે દેશની સુરક્ષા અને આર્થિક હિતોનું રક્ષણ કરી શકે.”
જનરલ સુબ્રમણી: જનરલ બિપિન રાવત અને જનરલ ચૌહાણ પછી CDS તરીકે સેવા આપનારા ત્રીજા આર્મી ઓફિસર છે. ખડકવાસલા સ્થિત નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) અને દેહરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકેડેમી (IMA)ના સ્નાતક જનરલ સુબ્રમણી 14 ડિસેમ્બર 1985ના રોજ ગઢવાલ રાઇફલ્સની 8મી બટાલિયનમાં સામેલ થયા હતા. તેઓ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ કરતાં એક વર્ષ જુનિયર છે, જેઓ અનુક્રમે જૂન અને ઓક્ટોબરમાં નિવૃત્ત થવાના છે.
થિયેટરાઈઝેશન પર ભાર
નવા CDS પાસેથી સંયુક્ત સેવા કમાન્ડ્સ (Joint services commands) ની સ્થાપનાને ઝડપી બનાવવાની અપેક્ષા છે, જે થિયેટરાઈઝેશન પ્રોગ્રામના મુખ્ય લક્ષ્યોમાંનું એક છે. આ કમાન્ડ્સ આર્મી, નેવી અને એરફોર્સના જવાનો, શસ્ત્રસરંજામ અને ઓપરેશનલ સંસાધનોને એક જ કમાન્ડર-ઇન-ચીફ હેઠળ લાવવા માટે બનાવવામાં આવી રહ્યા છે.
એડમિરલ સ્વામિનાથન: નેશનલ ડિફેન્સ એકેડેમી, યુનાઇટેડ કિંગડમના શ્રિવેનહામ સ્થિત જોઈન્ટ સર્વિસીસ કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ, કરંજા સ્થિત કોલેજ ઓફ નેવલ વોરફેર અને યુએસ નેવલ વોર કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમનો કાર્યકાળ એવા સમયે શરૂ થઈ રહ્યો છે જ્યારે ભારત દેશની અંદર જ નેક્સ્ટ જનરેશનની પરંપરાગત સબમરીન બનાવવા માટે મલ્ટી-બિલિયન ડોલરના સંરક્ષણ સોદાને આખરી ઓપ આપવા તરફ આગળ વધી રહ્યું છે.

