- ડૉલરની ગરમી, તેલની રમત અને સત્તાના સોદા: શું ભારત પણ ઈરાનની જેમ વિદેશી કાવતરાના નિશાના પર છે?
હેમંત પરમાર દ્વારા
શું લોકશાહી ખરેખર લોકશાહી હોય છે, કે પછી તે વિદેશી તિજોરીઓમાંથી નીકળતા ડૉલરોના ઈશારે નાચતી કઠપૂતળી છે? આજે જ્યારે આપણે વૈશ્વિક રાજકારણની ધરી પર નજર કરીએ છીએ, ત્યારે સવાલ થાય છે કે શું ખરેખર ઇતિહાસ પોતાનું પુનરાવર્તન કરી રહ્યો છે? કે પછી આપણી આસપાસ રમાઈ રહેલી રમત એટલી સૂક્ષ્મ છે કે સામાન્ય નાગરિક તરીકે આપણી નજર ત્યાં પહોંચી શકતી નથી? આવો જ એક ચિંતાજનક કિસ્સો ઈરાનનો છે, જેની સમાંતરે આજનું ભારત પણ ક્યાંક ને ક્યાંક ઊભેલું દેખાય છે.
જ્યારે દેશભક્તિ ગુનો બની ગઈ, ૧૯૫૧ના ઈરાનની એ રક્તરંજિત ગાથા
એ સમય હતો ૧૯૫૧નો, જ્યારે બ્રિટિશ સામ્રાજ્ય ઈરાનના તેલ પર કુંડળી મારીને બેઠું હતું. તેલમાંથી થતી કમાણીનો ૮૪ ટકા હિસ્સો અંગ્રેજો હડપી જતા અને જેમના ઘરનું આ તેલ હતું તેવા ઈરાનીઓને માત્ર ૧૬ ટકા ભીખ મળતી હતી. આવા કપરા સમયે વડાપ્રધાન બન્યા મોહમ્મદ મોસાદેગ, એક એવો કટ્ટર દેશભક્ત જેણે વિદેશી કંપનીઓના આ દબદબા સામે બંડ પોકાર્યો. તેમણે ૧૫ માર્ચ, ૧૯૫૧ના રોજ સંસદમાં તેલ ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ બિલ પસાર કરાવ્યું.
આ નિર્ણયથી ઈરાની પ્રજા ખુશ થઈ ગઈ, ટાઈમ્સ પત્રિકાએ તેમને ૧૯૫૧માં “મેન ઓફ ધ યર” જાહેર કર્યા. પણ શું સામ્રાજ્યવાદી તાકાતો આ સહન કરી શકે? બિલકુલ નહીં. અંગ્રેજોએ મોસાદેગને હટાવવા લશ્કરી તખ્તાપલટ, લાંચ અને હત્યાના પ્રયાસો પણ કર્યા, પણ મોસાદેગની લોકપ્રિયતા એટલી સજ્જડ હતી કે તમામ કાવાદાવા નિષ્ફળ રહ્યા. તો પછી તેમણે શું કર્યું? તેમણે અમેરિકાની મદદ માંગી.
ડૉલરમાં ફંડ અને ભાડૂતી દેશભક્તોનો સસ્તો સોદો
અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ એ મોસાદેગની લોકપ્રિયતા તોડવા માટે ૧ મિલિયન ડૉલરનું ફંડ મંજૂર કર્યું, જે તે સમયના ઈરાની ચલણમાં આશરે ૪૨૫૦ કરોડ રિયાલ જેટલું થતું હતું. આટલા મોટા ફંડનો ઉપયોગ ક્યાં થયો? સરહદ પર લડવા માટે? ના, ઈરાનની અંદર જ બેઠેલા ભ્રષ્ટ સાંસદો, પત્રકારો, સંપાદકો અને મુસ્લિમ મૌલવીઓને ખરીદવા માટે.
અમેરિકાના ડૉલર લઈને સ્થાનિક મીડિયાએ મોસાદેગને સરમુખત્યાર અને સમલૈંગિક ચીતરવાનું શરૂ કર્યું. ખોટા આંદોલનો અને નકલી રમખાણો ઊભા કરવા માટે હજારો લોકોને ભાડે રાખવામાં આવ્યા. આખરે, લોકશાહી માર્ગે ચૂંટાયેલી સરકારને નકલી રમખાણો અને લશ્કરી દબાણ હેઠળ ઉખેડી ફેંકવામાં આવી. આ બધું માત્ર ૧ મિલિયન ડૉલરમાં વેચાઈ ગયેલા પત્રકારો અને કાર્યકરોના કારણે શક્ય બન્યું. પરિણામ? ઈરાન દાયકાઓ સુધી સરમુખત્યારશાહી હેઠળ કચડાયું અને તેલ પર વિદેશી કંપનીઓનો ફરી કબ્જો થઈ ગયો.
શું ભારત પણ આ જ માર્ગે ચાલી રહ્યું છે?
હવે જરા આજના ભારત તરફ નજર કરીએ. શું તમને આ ઈરાની સ્ક્રિપ્ટ અને ભારતીય રાજકારણમાં કોઈ સમાનતા દેખાય છે? મોસાદેગની જેમ જ આજના ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ એ જ પ્રકારના પ્રહારો થઈ રહ્યા છે. મોસાદેગના અંગત જીવનને ટાર્ગેટ કરાયું હતું, તો અહીં મોદીજીના દામ્પત્ય જીવન પર નિશાન સાધવામાં આવે છે. પશ્ચિમી મીડિયા દ્વારા મોસાદેગને સરમુખત્યાર કહેવાયા હતા, તો આજે ટાઈમ મેગેઝિન મોદીજીને “ડિવાઈડર ઈન ચીફ” તરીકે ઓળખાવે છે અને દેશની અંદર લોકતંત્ર ખતરામાં હોવાનો કાગારોળ મચાવવામાં આવે છે. શું આ બધું માત્ર એક સંયોગ છે? કે પછી ભારતની આર્થિક અને સામાજિક સાર્વભૌમત્વને તોડવા પાછળ વિદેશી ફંડિંગ મેળવતી ચોક્કસ લોબીઓ કામ કરી રહી છે?
નકલી આંદોલનો અને ટૂલકીટ ગેંગનો નવો ખેલ
શા માટે ભારતમાં અચાનક નકલી ખેડૂત આંદોલનો, નકલી આંકડાઓ અને લઘુમતી સમુદાયને ઉશ્કેરવાના વ્યવસ્થિત પ્રયાસો થાય છે? સામ્યવાદી લોબી અને પશ્ચિમી મીડિયા ભારતની છબી ખરાબ કરવા માટે કેમ રાત-દિવસ એક કરી રહ્યા છે? સવાલ એ થાય છે કે, શું વિદેશી શક્તિઓ આપણા જ દેશના કેટલાક નેતાઓ, પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓને પોતાના હથિયાર તરીકે વાપરી રહી છે? જો આપણે આજે પણ સચેત નહીં થઈએ, તો શું આપણે પણ ઈરાન જેવી જ ભૂલનું પુનરાવર્તન નથી કરી રહ્યા? દેશભક્ત વર્તમાન નેતૃત્વ પર ભરોસો રાખવાને બદલે શું આપણે વિદેશી દુષ્પ્રચારના શિકાર બની રહ્યા છીએ?
વિશ્વ મંચ પર સન્માન અને ઘરઆંગણે આર્થિક બરબાદીનો વિલાપ
એક બાજુ ભારત ૨૦૨૬ થી ૨૦૨૮ ના ગાળા માટે સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ (ECOSOC) માં ૧૮૧ મતોના પ્રચંડ બહુમત સાથે ચૂંટાયું છે, જે ભારતના આંતરરાષ્ટ્રીય આર્થિક અને સામાજિક નેતૃત્વનો મજબૂત પુરાવો છે. બીજી તરફ, આપણા જ દેશના કેટલાક કથિત બુદ્ધિજીવીઓ અને નેતાઓને ભારતમાં માત્ર માનવાધિકારનું ઉલ્લંઘન અને આર્થિક બરબાદીનું તોફાન જ દેખાય છે.
જ્યારે આખી દુનિયા ભારત તરફ આશાની નજરે જોઈ રહી છે, ત્યારે ઘરના જ કેટલાક તત્વો શા માટે દેશને નીચો બતાવવા માટે મથી રહ્યા છે? શું તેમનો આ અસંતોષ આપોઆપ જન્મેલો છે, કે પછી તેની પાછળ પણ કોઈ વૈશ્વિક શક્તિઓનો વ્યવસ્થિત ટેકો છે?
ઇતિહાસમાંથી બોધપાઠ લેવાનો સમય
ઈરાનની પ્રજાએ જ્યારે મોસાદેગને ગુમાવ્યા અને તે પછી સરમુખત્યારશાહી અને કટ્ટરપંથનો સામનો કરવો પડ્યો, ત્યારે તેમને મોડું સમજાયું કે મીડિયાના દુષ્પ્રચાર પાછળ કોણ હતું. આજે આપણે એ જ ભૂલ ન કરવી જોઈએ. વિદેશી ફંડ પર નભતી પ્રોપગેન્ડા ઈન્ડસ્ટ્રી આપણા દેશની લોકશાહી અને આર્થિક સ્વાયત્તતાને નુકસાન પહોંચાડી રહી છે.
આપણે સમજવું પડશે કે જો રાષ્ટ્રની અંદર બેઠેલા મોહરાઓ સક્રિય રહેશે અને પ્રજા સચેત નહીં બને, તો સ્વતંત્રતા ગુમાવવામાં વાર નહીં લાગે. સમય આવી ગયો છે કે આપણે પ્રોપગેન્ડા મીડિયાના દુષ્પ્રચારને ઓળખીએ અને સંગઠિત થઈને આપણા દેશના સાર્વભૌમત્વનું રક્ષણ કરીએ. શું આપણે ઈરાનની બરબાદીમાંથી બોધપાઠ લઈશું, કે પછી ફરી એકવાર ઇતિહાસને પોતાની જીત નોંધાવવા દઈશું? નિર્ણય આપણા હાથમાં છે.

