Site icon Revoi.in

Lok Sabha Elections: AAP-કૉંગ્રેસની વચ્ચે પાંચ રાજ્યોમાં બેઠક વહેંચણીની ઘોષણા, ભરૂચ-ભાવનગર બેઠક પર આપ લડશે ચૂંટણી

Social Share

નવી દિલ્હી: કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બંને પાર્ટીઓ વચ્ચે બેઠક વહેંચણીની ઘોષણા થઈ છે. બંને પક્ષોએ લોકસભા ચૂંટણીને લઈને સીટ શેયરિંગના મામલે સધાયેલી સંમતિ અનુસાર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આનું એલાન કર્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના મુકુલ વાસનિક અને આમ આદમી પાર્ટીના સંદીપ પાઠક, આતિશી અને સૌરભ ભારદ્વાજ હાજર હતા. મુકુલ વાસનિકે કહ્યુ છે કે બેઠક વહેંચણી પર લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી અને તેના પર સંમતિ પણ બની છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે પાંચ રાજ્યોમાં બેઠક વહેંચણીની સમજૂતી થઈ છે.

આમ આદમી પાર્ટી દિલ્હીમાં ચાર બેઠકો પર ચૂંટણી લડશે અને કોંગ્રેસ ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે. કોંગ્રેસ દિલ્હીમાં નોર્થ-વેસ્ટ અને નોર્થ-ઈસ્ટ દિલ્હી, ચાંદની ચોક લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે. તો બાકી બચેલી ચાર બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. ગુજરાતમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને બે બેઠકો ફાળવી છે. ભરૂચ અને ભાવનગર બેઠકો  પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડશે. જ્યારે બાકીની 24 બેઠકો પર કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડશે.

પંજાબને લઈને કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને અલગ-અલગ ચૂંટણી લડશે. જ્યારે ગોવામાં બંને બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે. કેન્દ્રશાસિત ચંદીગઢની એક બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડશે. હરિયાણામાં આમ આદમી પાર્ટી એક બેઠક પર અને કોંગ્રેસ બાકી બચેલી 9 બેઠકો પર ચૂંટણી લડશે.

પ્રેસ કોન્ફરન્સ બાદ સૌરભ ભારદ્વાજે કહ્યુ છે કે કોંગ્રેસ સાથે આસામમાં પણ બેઠક વહેંચણીને લઈને ચર્ચા ચાલુ છે. ત્યારે કોંગ્રેસના ઘણાં નેતાઓ આમ આદમી પાર્ટી સાથે ગુજરાતમાં સીટ શેયરિંગને લઈને નાખુશ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રહેલા દિવંગત અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ટ્વિટ કરીને ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને આપીને નારાજગી વ્યક્ત કરી છે.

મુમતાઝ પટેલે સોશયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે હું ભરૂચ લોકસભા બેઠક પોતાના ગઠબંધનમાં કોંગ્રેસને નહીં અપાવવી શકવા બદલ માફી માંગુ છું. તેમણે કહ્યું છે કે અમે એકસાથે મળીને કોંગ્રેસને મજબૂત બનાવીશું. અમે અહમદ પટેલની 45 વર્ષની મહેનતને બરબાદ નહીં થવા દઈએ.