જયપુર, 7 મે 2026: ‘ઓપરેશન સિંદૂર’ના આજે (7 મે) એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય સેનાએ જયપુરમાં એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રસંગે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ દુશ્મન દેશને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “ઓપરેશન સિંદૂર એ અંત નથી, પણ આતંકવાદ વિરુદ્ધની લડાઈની માત્ર શરૂઆત છે.” તેમણે ઉમેર્યું કે આ ઓપરેશન દ્વારા ભારતે તેના નિર્ધારિત લક્ષ્યો હાંસલ કર્યા છે અને દુશ્મનને પાઠ ભણાવ્યો છે.
લેફ્ટનન્ટ જનરલ ઘઈએ ઓપરેશનની સફળતામાં ‘આત્મનિર્ભર ભારત’ના ફાળા પર ભાર મૂકતા કહ્યું કે, આ ઓપરેશન સાબિત કરે છે કે આત્મનિર્ભરતા માત્ર નારો નથી પરંતુ આપણી વાસ્તવિક શક્તિ છે. હાલમાં ભારતીય સેનાના 65% થી વધુ સંરક્ષણ સાધનો સ્વદેશી છે. આ ઓપરેશનમાં બ્રહ્મોસ, આકાશ મિશાઈલ સિસ્ટમ અને સ્વદેશી સેન્સર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતમાં બનેલા દારૂગોળા, રોકેટ અને ઈલેક્ટ્રોનિક વોરફેર સ્યુટ્સે દુશ્મનનો ગઢ તોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
જનરલે ઘટસ્ફોટ કર્યો હતો કે જ્યારે ભારતે આકરો પ્રહાર કર્યો અને દુશ્મનના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરોને ધ્વસ્ત કરી દીધા, ત્યારે પાકિસ્તાન વાતચીત કરવા માટે મજબૂર બન્યું હતું. તેમણે કહ્યું, “અમે દુશ્મન પર એટલો સચોટ પ્રહાર કર્યો કે પાકિસ્તાને સામેથી ઓપરેશન રોકવા માટે વિનંતી કરવી પડી હતી. અમે કોઈ લાંબા સંઘર્ષમાં ઉતર્યા વગર અમારા ઉદ્દેશ્યો પ્રાપ્ત કરી લીધા હતા.”
સેનાએ જણાવ્યું કે આ ઓપરેશનની સફળતા પાછળ ત્રણ મુખ્ય પાસાઓ હતા. પ્રથમ તો ગુપ્તચર એજન્સીઓએ આતંકી ઠેકાણાઓની સચોટ વિગતો પૂરી પાડી હતી. જ્યારે ઈલેક્ટ્રોનિક વોરફેર યુનિટોએ માહિતી ક્ષેત્રે ભારતનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. તેમજ સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી મોરચે અને આંતરિક સુરક્ષામાં જનતાનો વિશ્વાસ જાળવી રાખ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલ, 2025 ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનને પાઠ ભણાવવા ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. ભારતે સીમા પાર જઈને અનેક આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા હતા, જેનાથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું હતું અને અંતે શાંતિની અપીલ કરી હતી.
.

