Site icon Revoi.in

ગુજરાતનું ગૌરવઃ આણંદની દીકરીએ છ નવી ગેલેક્સી શોધી કાઢી ભારતીય નામો આપ્યાં

Anand's daughter discovers six new galaxies and gives them Indian names

Anand's daughter discovers six new galaxies and gives them Indian names

Social Share

આણંદ, 27 ફેબ્રુઆરી, 2026 – Pride of Gujarat આણંદ શહેરમાં ૧૩ બાય ૧૩ની એક સામાન્ય ઓરડીમાં વસવાટ કરતા માતા-પિતાની સાથે રહી અભ્યાસ કરનારી એક યુવતીએ તેમની આર્થિક સંકડામણને હાર આપી સફળ ખગોળ વૈજ્ઞાનિક બની બતાવ્યું છે. આ યુવતીએ દેશની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કર્યા બાદ અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસમાં નાસા અનુદાનિત ફેલોશીપ મેળવી અંતરીક્ષમાં છ નવી આકાશગંગાઓના સમુહને શોધી કાઢ્યા છે. આટલું જ નહી, આ નવા સમુહને ભારતીય નામોથી નવાજ્યા છે. માત્ર ૩૨ વર્ષની ઉંમરે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે.

આણંદ નગર હવે માત્ર શ્વેતક્રાંતિના જનક માટે જાણીતી ભૂમિ રહી એવું નથી. અહીં વિસ્તરેલી શૈક્ષણિક પ્રવૃત્તિના પરિણામે અનેક યુવાનો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત દેશનું નામ રોશન કરી રહ્યા છે. તેમાંથી એક નામ છે એકતા શાહ. તેમની ઉક્ત સિદ્ધિ વિશે જાણવું હોય તો પહેલા તેમના સંઘર્ષ વિશે પણ માહિતી મેળવવી જોઇએ.

સામાન્ય પરિવારમાં ઝળક્યો હીરો

અર્જુનભાઇ અને લત્તાબેનની એક માત્ર પુત્રી. આ પરિવાર આણંદના એક એનઆરઆઇ પરિવારના બંગલાના સર્વન્ટ ક્વાર્ટરમાં રહે છે. અર્જુનભાઇ એક ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરે છે અને લત્તાબેન સીવણ કાર્ય કરે છે. બન્ને કામ કરે ત્યારે ઘરના બન્ને છેડા ભેગા થાય, એવી સ્થિતિ. પણ તેમણે પોતાની દીકરી એકતાને અભ્યાસ કરાવવામાં કોઇ કમી રાખી નહી.

બાળપણથી જ એકતા બહુ જિજ્ઞાસુ. પોતાની આસપાસ પ્રકૃતિ, પ્રવૃત્તિ અને ઘટનાઓ વિશે તેમના માતા-પિતાને સતત પ્રશ્નો પૂછ્યા કરે. આ આવું કે આવી જ રીતે કેમ? આવા પ્રશ્નોએ એકતાની વિચારશક્તિ વિકસાવી. અર્જુનભાઇએ પણ તેમને જ્ઞાન હોય એવા પ્રશ્નોના ઉત્તર આપ્યા પણ એકતાને પ્રશ્નો પૂછતા રોકી નહી.

ગુજરાતી માધ્યમમાં અભ્યાસ અને ઊંચી ઉડાન

એકતાને ગુજરાતી માધ્યમની શાળામાં દાખલ કરવામાં આવી. કારણ કે, પરિવાર સાથે વાતો કરવામાં માતૃભાષા જ અસરકારક હતી અને અર્જુનભાઇ એવું ઇચ્છતા નહોતા કે એકતાની પ્રશ્નો પૂછવાની વૃત્તિમાં ભાષા અવરોધ બને. અંગ્રેજી માધ્યમમાં બાળકને ભણાવવાની ઘેલછા રાખનારા વાલીઓએ આ વાત યાદ રાખવા જેવી છે.

કે. જે. ઠક્કર પ્રાથમિક શાળા, આણંદ હાઇસ્કૂલમાં માધ્યમિક અને બાદમાં ડી. ઝેડ. પટેલ હાઇસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહમાં ગણિત સાથે ઉચ્ચસ્તર માધ્યમિકમાં અભ્યાસ કર્યો. તેમણે ધાર્યું હોત તો રાજ્યની સારી ઇજનેરી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોત પણ, તેમણે ફિઝીક્સના ક્ષેત્રમાં આગળ વધવાનો નિર્ણય કર્યો. સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરનારાઓને માલૂમ હશે કે ભૌતિકશાસ્ત્રનું નામ પડે એટલે હાજા ગગડી જાય. કારણ કે, ફિઝીક્સના સમીકરણોને ઉકલેવા માટે ગણીતમાં પણ વિદ્વતા જરૂરી છે. આ બાબતમાં એકતાને તેમના ધોરણ-૧૨ના અભ્યાસ દરમિયાનના શિક્ષક શ્રી જલદીપભાઇ વ્યાસનું માર્ગદર્શન બહુ જ ઉપયોગી નિવડ્યું. આ શિક્ષકે એકતાની જિજ્ઞાસાને યોગ્ય દિશા આપી.

વડોદરામાં ગ્રેજ્યુએશન

એકતાએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં ગ્રેજ્યુએશન કર્યું. આ અભ્યાસ દરમિયાન જામ (JAM), નેશનલ ગ્રેજ્યુએટ ફિઝીક્સ એક્ઝામિનશનમાં પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી. એમ. એસ. યુનિવર્સિટી દરમિયાન તેમના પિતાએ લોન લઇ લેપટોપ લઇ આપ્યું. એના આધારે દેશમાં થતી સ્પર્ધાઓમાં ભાગ લેવા એકતા પહોંચી જતી હતી. બાદમાં આઇઆઇટી – મુંબઇમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. ત્યાં તો તે ગણ્યાગાંઠ્યા ગુજરાતીઓ પૈકી એક હતી.

મુંબઇમાં અભ્યાસ પૂર્ણ થયા બાદ એકતાએ રોચસ્ટર યુનિવર્સિટીમાં એસ્ટ્રોફિઝીક્સમાં પીએચડી કરવાનું નક્કી કર્યું. ત્યાં આ પીએચડી ડિગ્રી માટે એકતા આખી દુનિયામાંથી પસંદ થયેલા ત્રણ વિદ્યાર્થીઓ પૈકી એક હતી. હવે પ્રશ્ન હતો રોચસ્ટર જવા માટે પૈસાનો. આવા સમયે તેમના મહોલ્લાના લોકો, જ્ઞાતિજનો, જે બંગલાના સર્વન્ટ ક્વાર્ટરમાં રહે છે એ એનઆરઆઇ માલિક સહિતના લોકોએ આ પરિવારને આર્થિક મદદ કરી અને પરદેશ જવા માટે જરૂરી નાણાની સમસ્યા ઉકેલાઇ.

વર્ષ ૨૦૧૫માં અર્જુનભાઇ અને લત્તાબેન એરપોર્ટ ઉપર વળાવવા માટે આવ્યા તે પ્રસંગ એકતા ભૂલી શકે એમ નહોતી. અર્જુનભાઇના આંખમાં આંસૂ હતા. આ આંસુ એકતા માટે લાગણીનો પ્રવાહ તો હતો જ પણ સાથે કશું કરવાની પ્રેરણા શક્તિ પણ હતી.

નાસાના પ્રોજેક્ટમાં કામની તક

રોચસ્ટર યુનિવર્સિટીમાં એકતાને પ્રસિદ્ધ અમેરિકન સંસ્થા નાસા દ્વારા અનુદાનિત પ્રોજેક્ટમાં કામ કરવાની તક સાંપડી. હવે તેમના રસપ્રદ સંશોધનની વાત શરૂ થાય છે. તેમણે હવાઇ લગાવવામાં આવેલા મસમોટા ટેલિસ્કોપ સેન્ટરમાં કામ કરવાની તક મળી. આવા ટેલિસ્કોપમાં કામ કરવા માટે તેનું એક રાતનું ભાડું જ એક કરોડ રૂપિયા જેટલું થઇ જાય છે !

તેમનું એક સંશોધન બે ગેલેક્સી અથડાયા બાદ તેની અસરો ઉપર આધારિત હતું. તેમના સંશોધનના અંતે એ ફલિત થયું કે, હાલના બ્રહ્માંડમાં જ્યારે બે ગેલેક્સીઓ અથડાય છે, ત્યારે નવા તારાઓનું સર્જન લગભગ બે ગણું વધી જાય છે. પરંતુ બ્રહ્માંડના બાળપણમાં, આવી અથડામણો થતી હતી ત્યારે તારાઓના સર્જનમાં ખાસ વધારો જોવા મળતો નહોતો.

આ પણ વાંચોઃ મોડાસામાં ખેડૂત અરવિંદભાઈ પટેલે હોળી માટે ખાસ કુદરતી રંગો બનાવ્યાઃ જુઓ વીડિયો

છ વર્ષના સંશોધનને અંતે પીએચડીની ડિગ્રી મેળવ્યા પછી તેઓ અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસમાં પોસ્ટ ડોક્ટરર્સ રિસર્ચ ફેલોશીપ મેળવી ત્રણ સંશોધન કર્યું.

એ સંશોધન દરમિયાન તેમણે આકાશમાં બ્રહ્માંડના બાળપણ માં રહેલા ગેલેક્સીના છ નવા સમુહો પણ શોધી કાઢ્યા. હવે અહીં સામાન્ય લોકોને પ્રશ્ન થાય કે, આકાશમાં એટલા તારામંડળો છે તો એમાં આ મંડળ નવું છે ? એ કેવી રીતે ખબર પડે. એ માટે એમિશન સ્પેક્ટ્રા અને એક્ઝર્બોશન સ્પેક્ટ્રાના આધારે તે નિયત કરવામાં આવે છે. સરળ ભાષા કહીએ તો એ ગેલેક્સીમાં રહેલા હાઇડ્રોઝન, હિલીયમ જેવા વાયુના સ્તરને માપીને નિયત કરાય છે. આ વાયુના સ્તરને દર્જ કરવામાં આવે છે અને એ તેની ઓળખ બની જાય છે. આ છ નવા ગેલેક્સી સમુહ સુધી પહોંચું અત્યારે અશક્ય છે. તેમ છતાં પ્રકાશવર્ષની ગતિએ પ્રવાસ કરવામાં આવે તો ત્યાં સુધી પહોંચતા કરોડો વર્ષ થઇ જાય !

Anand’s daughter discovers six new galaxies and gives them Indian names

પૃથ્વી પરથી ટેલિસ્કોપ મારફત આ માત્ર ડિસેમ્બરથી જાન્યુઆરી માસ દરમિયાન જોવા મળે છે. વિશાળ ટેલિસ્કોપ ઉપર એલ્યુમિશનની ચોક્કસ પ્રકારની જાડાઇ ધરાવતું પડ ચઢાવી એ ગેલેક્સીનું નિરીક્ષણ કરવું પડે છે. જેથી અન્ય ગેલેક્સીનો પ્રકાશ બાધા ઉત્પન્ન ના કરે.

આ નવા છ સમુહને તેમણે કર્મેન્દ્રીય મુજબ નામ આપ્યા છે. જેમાં દ્રષ્ટિ, શ્રવણ, સુરભિ, રુચિ, સ્પર્શ, સ્મૃતિ એવા નામો આપી ભારતનું ગૌરવ આકાશમાં સ્થાપિત કર્યું છે. તેમના આ સંશોધનને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. લગલગાટ ૯ વર્ષ સુધી અમેરિકામાં સંશોધન કાર્ય કરી એકતા હવે સ્વદેશ પરત ફરી છે. તેમને ત્યાં સારી નોકરીની ઓફર હતી. પણ તે ભારત માટે કશું કરવાની મહેચ્છા ધરાવે છે. એટલે ભારત પરત ફરી છે. તેઓનો નાસાની સબજેક્ટ એક્સપર્ટ પેનલમાં સમાવેશ થયેલ છે. હાલમાં પણ તેમનું એસ્ટ્રો ફિઝિક્સમાં રિસર્ચ આણંદ થી ચાલુ છે.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે એકતાની આ વાતનો સાર એટલો છે કે, તેજસ્વી-ઓજસ્વી છાત્રોને કોઇ આર્થિક અડચણ નથી આવતી. સારુ શિક્ષણ મેળવવા માટે અંગ્રેજી માધ્યમમાં જ બાળકને ભણાવવું આવશ્યક નથી, સૌથી મહત્વનું કે, બાળકની જિજ્ઞાસાને ઠારવાને બદલે માતા-પિતાએ તેના ઉદ્દીપક બનવું જોઇએ.

Exit mobile version