મુંબઈ, 22 જૂન 2026: જો તમે અત્યાર સુધી સાઉથ અને બોલિવૂડના સુપરસ્ટાર્સને જ સૌથી વધુ ફી લેતા જોયા હોય, તો હવે કમાણીના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા છે. તાજેતરના અહેવાલો મુજબ, બોલિવૂડ અભિનેતા રણવીર સિંહે એક જ પ્રોજેક્ટમાંથી અંદાજે 325 કરોડ રૂપિયાની બમ્પર કમાણી કરીને નવો ઈતિહાસ રચી દીધો છે. કોઈપણ ભારતીય અભિનેતા માટે આ અત્યાર સુધીની સૌથી મોટી રકમ માનવામાં આવી રહી છે. રણવીર સિંહને આ અધધધ કમાણી તેની ફિલ્મ ‘ધુરંધર’થી થઈ છે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થઈ હતી અને બંને ભાગે બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. આ બંને ફિલ્મોએ મળીને વિશ્વભરમાં અંદાજે 3200 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું છે, જેમાંથી માત્ર ભારતમાં જ 1900 કરોડ રૂપિયાથી વધુની જંગી કમાણી થઈ છે.
બોલિવૂડમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, રણવીર સિંહે આ મેગા પ્રોજેક્ટ માટે પોતાની સામાન્ય ફી વસૂલ કરી ન હતી. તેણે આ ફિલ્મ માટે ખાસ ‘પ્રોફિટ શેરિંગ મોડલ’ અપનાવ્યું હતું, એટલે કે તેણે ફિલ્મની નક્કી કરેલી ફી લેવાના બદલે તેના નફામાં ભાગીદારી રાખી હતી. આટલું જ નહીં, જ્યારે ફિલ્મનું બજેટ વધવા લાગ્યું ત્યારે રણવીરે પોતે પણ આ પ્રોજેક્ટમાં પૈસા રોક્યા હતા, જેના કારણે નફામાં તેનો હિસ્સો ઘણો વધી ગયો હતો. તેના આ સ્માર્ટ બિઝનેસ મૂવને કારણે જ તે આજે ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારો સુપરસ્ટાર બની ગયો છે.
-
રજનીકાંત, પ્રભાસ અને શાહરૂખ ખાનના રેકોર્ડ તૂટ્યા
રણવીર સિંહની આ કમાણીએ સાઉથ અને બોલિવૂડના અન્ય તમામ દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. આ પહેલા સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના નામે હતો, જેમણે વર્ષ 2024માં આવેલી ફિલ્મ ‘જેલર’ થી 250 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ ઉપરાંત અલ્લુ અર્જુન અને પ્રભાસ પણ પોતાની ફિલ્મો અનુક્રમે ‘પુષ્પા 2’ અને ‘કલ્કી 2898 એડી’ થી 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂક્યા છે. જો બોલિવૂડની વાત કરીએ તો, આ અગાઉ આ રેકોર્ડ કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનના નામે હતો, જેણે વર્ષ 2023માં ‘પઠાન’ અને ‘જવાન’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોથી પ્રતિ ફિલ્મ અંદાજે 200 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ભારતીય સિનેમાના ઇતિહાસ પર નજર કરીએ તો એક સમય એવો હતો જ્યારે કોઈ કલાકાર માટે 10 કરોડ રૂપિયા ફી લેવી પણ બહુ મોટી વાત ગણાતી હતી. 90ના દાયકામાં ચિરંજીવી, કમલ હાસન અને શ્રીદેવી એવા સ્ટાર્સ હતા જેમણે ભારતીય સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર 1 કરોડ રૂપિયા ફી લેવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધીમે-ધીમે ખાન સુપરસ્ટાર્સે આ ફીના આંકડાને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો હતો. પરંતુ હવે, વર્ષ 2026માં રણવીર સિંહે એક જ ઝાટકે 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને ભારતીય સિનેમાના ઇતિહાસમાં સોનેરી અક્ષરે પોતાનું નામ નોંધાવી દીધું છે.

