રાંચી, 3 ઓગસ્ટ, 2026: ઝારખંડ લોક સેવા આયોગ (JPSC) અને ઝારખંડ કર્મચારી ચયન આયોગ (JSSC) ની ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમ ખાતે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા યુવા છાત્ર નેતા દેવેન્દ્ર નાથ મહાતોએ અચોક્કસ મુદતની ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે.
રાજ્યના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી સત્યાગ્રહ ધરણાં ચાલી રહ્યા છે અને રવિવારે રાત્રે મશાલ સરઘસ કાઢ્યા બાદ દેવેન્દ્ર નાથ મહાતોએ ભૂખ હડતાળ પર બેસવાની જાહેરાત કરી હતી.
શું છે ઝારખંડના વિદ્યાર્થીઓની મુખ્ય માંગણીઓ?
14મી JPSC પ્રિલિમિનરી પરીક્ષા રદ્દ કરવી: વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે પરીક્ષાના પરિણામોમાં ભારે ગડબડ થઈ છે, તેથી આ પ્રિલિમ્સ પરીક્ષા તાત્કાલિક રદ્દ કરવામાં આવે.
CBI તપાસની માંગ: પરીક્ષા યોજતી એજન્સીઓ (TDPL સહિત) અને આયોગના અધિકારીઓની ભૂમિકાની નિષ્પક્ષ CBI તપાસ કરાવવામાં આવે.
દોષિતો સામે કડક કાર્યવાહી: પરીક્ષાના પેપર લીક અને ભ્રષ્ટાચારમાં સંકળાયેલા તમામ ગુનેગારો સામે આકરા પગલાં ભરવામાં આવે.
“ન્યાય ન મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે”ભૂખ હડતાળ પર બેસતા દેવેન્દ્ર નાથ મહાતોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે લાંબા સમયથી લડત આપી રહ્યા છે. તેમણે મુખ્યમંત્રી હેમંત સોરેન અને રાજ્ય સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે, સીઆઈડી (CID) ને બદલે સીબીઆઈ (CBI) તપાસની માંગણી છતાં સરકાર તરફથી યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, જેનાથી રાજ્યના લાખો ઉમેદવારોમાં ભારે રોષ છે.
તેમણે ઉમેર્યું કે, “વિદ્યાર્થીઓનો ઉત્સાહ જાળવી રાખવા અને ન્યાય મેળવવા માટે હું આ ભૂખ હડતાળ પર બેઠો છું. જ્યાં સુધી અમારી વાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે”. હાલ રાંચીમાં સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઈ રહ્યા છે અને આંદોલન વધુ વ્યાપક બની રહ્યું છે.

