મુંદ્રાઃ ગુજરાત સરકારે તા. ૧૫ જુલાઈ ૨૦૦૫ના રોજ નવીનાલ ગામમાં આવેલી ૯,૩૪,૮૨૯ હેક્ટર ગૌચર જમીન અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ (APSEZ)ને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) વિકાસ માટે સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ અવેજની ચુકવણી થયા બાદ ફાળવી હતી. આ જમીનને પછીથી ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા SEZ જમીન તરીકે સૂચિત કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૧માં PIL નં. ૧૭/૨૦૧૧ હેઠળ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકારના તા. ૨૭ જૂન ૨૦૦૫ના નોટિફિકેશનને પડકારવામાં આવ્યો હતો, આ અરજીમાં ૧૫ જુલાઈ ૨૦૦૫ના ફાળવણી આદેશને પણ પડકારવામાં આવ્યો હતો અને કંપનીને ફાળવેલ ગૌચર જમીન પરત લેવાની માંગ કરવામાં આવી હતી.
તા. ૫ જુલાઈ ૨૦૨૪ના રોજ આ PILની સુનાવણી દરમિયાન, રાજ્ય સરકારે APSEZને આશ્ચર્યમાં મૂકી દેતી રીતે એક એફિડેવિટ દાખલ કર્યું હતું, જેમાં તા. ૪ જુલાઈ ૨૦૨૪નો આદેશ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં લગભગ બે દાયકા પહેલાં એટલે કે ૨૦૦૫માં ફાળવેલી ૧,૦૮,૨૨૩૫ હેક્ટર જમીન પરત લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ જમીન પરત લેવાનો આદેશ કંપનીને કોઈ નોટિસ આપ્યા વિના, સુનાવણી આપ્યા વિના અને કારણ બતાવવાની તક આપ્યા વિના પસાર કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના આ એફિડેવિટ પર આધાર રાખીને ગુજરાત હાઈકોર્ટે તા. ૫ જુલાઈ ૨૦૨૪ના આદેશ દ્વારા રાજ્ય સરકારને આ પરત લેવાના આદેશ મુજબ જમીન પરત લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો. આ આદેશથી અસંતુષ્ટ થઈને અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડે ભારતની સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે તા. ૧૦ જુલાઈ ૨૦૨૪ના આદેશ દ્વારા હાઈકોર્ટના આદેશની અમલવારી પર સ્ટે મૂક્યો હતો.
પ્લીડિંગ્સ પૂર્ણ થયા બાદ, આ મામલાની વિગતવાર સુનાવણી તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કરવામાં આવી. તમામ પક્ષોની સુનાવણી બાદ, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના આદેશ દ્વારા ગુજરાત હાઈ કોર્ટના તા. ૫ જુલાઈ ૨૦૨૪ના ચુકાદા અને આદેશને રદ કરી દીધો છે અને ગુજરાત સરકારના તા. ૪ જુલાઈ ૨૦૨૪ના જમીન પરત લેવાના આદેશને પણ રદ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય થી સદર ગૌચર જમીન અંગેના તમામ હક્કો આજે પણ અદાણી કંપની પાસે અબાધિત છે. જે અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડને નોંધપાત્ર રાહત આપે છે.

