નવી દિલ્હી, 27 જુલાઈ 2026: સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું છે કે નીટ પરીક્ષાને ભવિષ્યમાં ઓનલાઈન (કમ્પ્યુટર આધારિત) મોડમાં યોજવા અંગે કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી નંદન નીલેકણીની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સના સૂચનો અને ભલામણોનો અભ્યાસ કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે પરંપરાગત ફિઝિકલ પરીક્ષા પદ્ધતિમાંથી ડિજિટલ કે ઓનલાઈન મોડમાં તબદીલ થતી વખતે સાયબર સુરક્ષા અને ડેટાબેઝ પ્રોટેક્શન માટે અત્યંત આધુનિક અને સુરક્ષિત વ્યવસ્થાઓ ઊભી કરવી અનિવાર્ય બનશે.
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશો અનુસાર આ ગંભીર મુદ્દાના કાયમી ઉકેલ માટે એક હાઈ પાવર કમિટી બનાવવામાં આવી છે. આ સમિતિના અધ્યક્ષ પ્રખ્યાત ટેકનોલોજી નિષ્ણાત નંદન નીલેકણી છે, જ્યારે અન્ય સભ્યોમાં એસ. સોમનાથ (ઇસરોના પૂર્વ અધ્યક્ષ), તપન ડેકા (ઇન્ટેલિજન્સ બ્યુરોના પૂર્વ નિર્દેશક), વી. કામકોટી (ડાયરેક્ટર, આઈઆઈટી ચેન્નાઈ), અનીતા કરવાલ (પૂર્વ શિક્ષણ સચિવ) અને અમૃત લાલ મીણા (લોજિસ્ટિક્સ નિષ્ણાત)નો સમાવેશ થાય છે.
આ સુનાવણી આરજેડી સાંસદ સુધાકર સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં થઈ છે. અગાઉ 3 મેના રોજ યોજાયેલી નીટ-યુજી પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિઓના ગંભીર આક્ષેપો બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તે પરીક્ષા રદ કરીને સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ 21 જૂને કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં પુનઃપરીક્ષા લેવામાં આવી હતી. આ સમગ્ર મામલે હવે સુપ્રીમ કોર્ટ આગામી 3 ઓગસ્ટે વિસ્તૃત સુનાવણી હાથ ધરશે.

