Site icon Revoi.in

સુરત લિટરેચર ફેસ્ટિવલ 2026: ત્રણ દિવસમાં 30થી વધુ વક્તા 2047ના ભારતનું મંથન કરશે

Surat Literature Festival 2026 

Surat Literature Festival 2026 

Social Share

[અલકેશ પટેલ] સુરત, 5 જાન્યુઆરી, 2026 – Surat Literature Festival 2026 સાહિત્ય, પુસ્તકો અને કળા-સંસ્કૃતિના માધ્યમથી વર્તમાન ભારતનું ચિત્ર રજૂ કરીને દેશના ઉજ્જ્વળ ભવિષ્ય માટે ચિંતન-મનન કરવાનો ઉત્સવ આવતા શુક્રવારે 9મી જાન્યુઆરીએ સુરતમાં શરૂ થઈ રહ્યો છે.

2020માં સુરત લિટરરી ફાઉન્ડેશનની સ્થાપના કરનાર ગોપાલભાઈ ગોસ્વામીએ SLF-2026 સંદર્ભે રિવોઈ સાથે વિશેષ વાતચીત કરી હતી.  તેમણે જણાવ્યું કે, ત્રણ દિવસનો આ સમારંભ માત્ર સાહિત્યિક મેળાવડો નહીં પરંતુ વિચારો, નીતિ વિષયક ચર્ચા અને સાંસ્કૃતિક પરફોર્મન્સનું માધ્યમ પણ છે. શ્રી ગોપાલભાઈએ કહ્યું કે, સુરત લિટફેસ્ટના કદ અને મહત્વાકાંક્ષામાં સતત વધારો થઈ રહ્યો છે.

2025માં તેની ત્રીજી આવૃત્તિ Bharat@2047 ના વ્યાપક માળખા હેઠળ આયોજિત કરવામાં આવી હતી અને તેમાં ભારતની લાંબા ગાળાની રાષ્ટ્રીય યાત્રા પર વિચાર કરવા માટે નીતિ ઘડવૈયાઓ, વિદ્વાનો, સંરક્ષણ નિષ્ણાતો, વિજ્ઞાનીઓ અને સાંસ્કૃતિક ક્ષેત્રના અગ્રણીઓને એકસાથે લાવવામાં આવ્યા હતા. સરકાર- વહીવટીતંત્ર, રાષ્ટ્રીય સુરક્ષા, શિક્ષણ, મીડિયા, અર્થતંત્ર અને સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓ પરની ચર્ચાઓએ પરંપરાગત ફેસ્ટિવલ પ્રોગ્રામિંગથી આગળ વધવાનો સંકેત આપ્યો હતો.

તેમણે માહિતી આપી કે, 2025ની આવૃત્તિમાં ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. એ. એસ. કિરણ કુમાર, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, લેફ્ટનન્ટ જનરલ એન. એસ. આર. સુબ્રમણી અને અર્થશાસ્ત્રી ડૉ. શમિકા રવિ જેવાં વક્તાઓ સામેલ હતા. એક મજબૂત સાંસ્કૃતિક કાર્યક્રમે આ ચર્ચાઓમાં પૂરક ભૂમિકા ભજવી હતી, જેમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો જોડાયા હતા અને એક એવું ફોર્મેટ સ્થાપિત કર્યું હતું જે ત્યારથી આ ઉત્સવની ઓળખ બની ગયું છે.

શું છે ઉદ્દેશ?

તાજેતરના વર્ષોમાં સુરત લિટફેસ્ટે તેના દાયરાને ‘વિકસિત ભારત 2047‘ ના વિચાર સાથે જોડ્યો છે, જે એક રાષ્ટ્રીય વિઝન છે. 2047માં સ્વતંત્રતાની શતાબ્દી સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું તેના દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આ સંદર્ભમાં, ફેસ્ટિવલે શિક્ષણ સુધારણા, વ્યૂહાત્મક સ્વાયત્તતા અને સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓ પરની ચર્ચાઓને રાષ્ટ્રીય રોડમેપમાં વ્યવહારુ યોગદાન તરીકે સ્થાન આપ્યું છે. આયોજકો અને વક્તાઓએ દલીલ કરી છે કે આર્થિક અને તકનીકી પ્રગતિની સાથે લાંબા ગાળાના પરિવર્તન માટે બૌદ્ધિક આત્મનિર્ભરતા અને સાંસ્કૃતિક આત્મવિશ્વાસ આવશ્યક છે.

મુખ્ય કયા વિષયો ઉપર મંથન કરવામાં આવશે?

નીતિ અને આર્થિક વિષયોની સાથે ફેસ્ટિવલ દરમિયાન સમકાલીન ભારતમાં વ્યાપક સભ્યતાના પુનર્જાગરણને પ્રતિબિંબિત કરતું મંથન મુખ્ય સ્થાને છે. આ સત્રો શાસ્ત્રીય જ્ઞાન, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક સ્મૃતિને આધુનિક જાહેર ચર્ચામાં પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે, જે માત્ર ભૂતકાળની યાદો તરીકે નહીં પરંતુ સમાજ અને શાસનને આકાર આપતા જીવંત માળખા તરીકે રજૂ થાય છે.

2025ની આવૃત્તિમાં પેનલ ચર્ચા દ્વારા રાષ્ટ્ર નિર્માણ, શિક્ષણ અને જાહેર નૈતિકતાના સંબંધમાં ભારતીય જ્ઞાન પ્રણાલીઓ અને ધાર્મિક વારસાનાં પાસાં ઉજાગર કરવામાં આવ્યાં હતાં. નીતિવિષયક ચર્ચાઓ સાથે સભ્યતા વિશેનું મનોમંથન સુરત લિટફેસ્ટને અન્ય મેટ્રોપોલિટન સાહિત્યિક કાર્યક્રમોથી અલગ પાડે છે.

શું હશે 2026ના કાર્યક્રમમાં?

ચોથી આવૃત્તિ વધુ મોટી અને વધુ મહત્વાકાંક્ષી હશે તેમ જણાવી શ્રી ગોપાલભાઈએ માહિતી આપી કે, થીમેટિક સત્રોના વ્યવસ્થિત ત્રિ-દિવસીય કાર્યક્રમ છે. જે દરમિયાન, પ્રથમ દિવસે સ્વામી પરમાનંદ જી, ડૉ. ભાગ્યેશ ઝા, શ્રી કિશોર મકવાણા અને શ્રી રત્નાકર જીની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન સમારંભ યોજાશે. ત્યારબાદ સાંજે લોક અને શાસ્ત્રીય સાંસ્કૃતિક પ્રસ્તુતિ થશે.

બીજા દિવસે રાષ્ટ્રીય સુરક્ષા, ટેકનોલોજીકલ વોરફેર અને ભારત, મીડિયા, ધર્મ અને જનરેશન-ઝેડ (Gen Z), અને સિનેમા અને Bharat@2047 પર સત્રો યોજાશે, જેમાં મેજર જનરલ શશી અસ્થાના, વાઈસ એડમિરલ શેખર સિંહા, ડૉ. બી. કે. દાસ, ડૉ. જી. કે. ગોસ્વામી, દુષ્યંત શ્રીધર, વિષ્ણુ શંકર જૈન, પ્રતીક ગાંધી અને ફિલ્મ નિર્માતા સુદીપ્તો સેન જેવા વક્તાઓ સામેલ થશે.

ત્રીજા દિવસે મહિલા શક્તિ@2047, રાજનીતિ@2047, RSS@100, શિક્ષણ અને Bharat@2047, તેમજ સામ્યવાદ અને Bharat@2047 પર ધ્યાન કેન્દ્રિત કરાશે, જેમાં તહસીન પૂનાવાલા, અજીત ભારતી, પ્રદીપ ભંડારી, મેઘના પંત, પ્રો. એમ. જગદેશ કુમાર, શ્રી રામ લાલ જી અને ડૉ. દિલીપ મંડલ જેવા અગ્રણીઓ સંવાદ કરશે.

સાંસ્કૃતિક કાર્યક્રમો આ ઉત્સવની ઓળખના કેન્દ્રમાં છે. મુખ્ય આકર્ષણોમાં અભિનેતા પ્રતીક ગાંધી દ્વારા 10 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવનાર નાટક ‘હું ચંદ્રકાંત બક્ષી’ નો સમાવેશ થાય છે, જે આ ફેસ્ટિવલના મુખ્ય આકર્ષણ તરીકે જોવામાં આવે છે.

‘રિધમ્સ ઓફ ઇન્ડિયા’ (Rhythms of India) શીર્ષક હેઠળ એક મોટા લોક અને શાસ્ત્રીય પ્રદર્શનમાં દેશભરના કલાકારો દ્વારા કથક, ભરતનાટ્યમ, યક્ષગાન, કલરીપાયટ્ટુ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે, જેની સાથે ત્રણેય દિવસ સંગીત અને નૃત્યના કાર્યક્રમો ચાલશે.

વિચારોના શહેર તરીકે સુરત

ઐતિહાસિક બંદર શહેરથી ભારતના સૌથી ગતિશીલ વ્યાપારી કેન્દ્રોમાંના એક તરીકે સુરત લાંબા સમયથી સાહસ, કાપડ અને હીરા સાથે સંકળાયેલું છે. આ ઉત્સવ પરંપરાગત સાંસ્કૃતિક વંશવેલાની બહાર રાષ્ટ્રીય સંવાદનું કાયમી પ્લેટફોર્મ બનાવવા માટે સજ્જ થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ સુરતમાં દિશા ફાઉન્ડેશન દ્વારા ‘પબ્લિક લીડરશિપ કેમ્પ PLC 4.0’ નું આયોજન

Exit mobile version