નવી દિલ્હી, 2 માર્ચ 2026: ચાર સપ્તાહના રોમાંચક ક્રિકેટ બાદ હવે T20 વર્લ્ડ કપ 2026 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. દુનિયાની શ્રેષ્ઠ ચાર ટીમો ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ હવે ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે. તમામ નોકઆઉટ મેચો ભારતના પ્રતિષ્ઠિત સ્ટેડિયમોમાં રમાશે, જેમાં પ્રથમ સેમીફાઇનલ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે થશે, જ્યારે બીજી સેમીફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ આમને-સામને ટકરાશે.
ICCએ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને બંને સેમીફાઇનલ મેચો માટે ‘રિઝર્વ ડે’ રાખવાની જાહેરાત કરી છે. બંને સેમીફાઇનલ ભારતીય સમય અનુસાર સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. જો મેચ બીજા દિવસે (રિઝર્વ ડે) ખેંચાય છે, તો રમત વહેલી એટલે કે બપોરે 3:00 વાગ્યે શરૂ કરી દેવામાં આવશે.
વરસાદ અથવા અન્ય અવરોધોને પહોંચી વળવા માટે ICCએ કેટલાક મહત્વના ફેરફારો કર્યા છે. મેચ નિર્ધારિત દિવસે પૂરી થાય તે માટે 90 મિનિટ અને રિઝર્વ ડે પર 120 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે. પરિણામ જાહેર કરવા માટે બંને ટીમોએ ઓછામાં ઓછી 10-10 ઓવર રમવી ફરજિયાત છે. જો મેચ રિઝર્વ ડે પર જાય છે, તો રમત ત્યાંથી જ શરૂ થશે જ્યાંથી પહેલા દિવસે અટકી હતી. જો પહેલા દિવસે ઓવરો ઘટાડવામાં આવી હોય, તો રિઝર્વ ડે પર પણ એટલી જ ઓવરોની રમત રમાશે. જો રિઝર્વ ડે પર પણ રમત શક્ય ન બને, તો ગ્રુપ સ્ટેજમાં જે ટીમ પોઈન્ટ ટેબલમાં ઉપરના સ્થાને હશે, તેને વિજેતા જાહેર કરી ફાઇનલમાં મોકલવામાં આવશે.
ભારતીય ચાહકોની નજર બીજા સેમીફાઇનલ પર છે, જ્યાં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડના પડકારને હરાવી સતત બીજી વાર ફાઇનલમાં પહોંચવા પ્રયાસ કરશે. ભારત અત્યારે શાનદાર ફોર્મમાં છે અને ઘરઆંગણે રમવાનો ફાયદો ટીમને મળી શકે છે.
આ પણ વાંચોઃ પશ્ચિમી એશિયામાં યુદ્ધના વાદળો વચ્ચે PM મોદીની શાંતિની અપીલ

