Site icon Revoi.in

નવી પેઢી ‘થેરાપી’નો સ્વીકાર ઝડપથી કરી રહી છે

The new generation is rapidly embracing ‘therapy’

The new generation is rapidly embracing ‘therapy’

Social Share

એક યુવાન કે જેણે હમણાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને નોકરી મેળવીને આર્થિક રીતે સ્વાવલંબી બનવાની શરૂઆત કરી છે, તે જીવનના આ નવા તબક્કામાં ક્યારેક તણાવ, ચિંતા, ઉદાસીનતા અથવા અન્ય માનસિક પડકારોનો અનુભવ કરે છે. આવી પરિસ્થિતિમાં તે મનોવૈજ્ઞાનિક સહાય મેળવવા માટે થેરાપી લેવાનો નિર્ણય કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મનોચિકિત્સકો પાસે આવા કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. યુવક-યુવતીઓ જો રિલેશનશિપમાં હોય અથવા લગ્નજીવનમાં હોય અને પોતાના સંબંધોમાં એડજસ્ટમેન્ટ કરવામાં મુશ્કેલીઓ અનુભવી રહ્યા હોય, તો તેઓ કપલ થેરાપી અથવા પર્સનલ થેરાપી લેવાનું પસંદ કરી રહ્યા છે. આ રીતે સમાજમાં થેરાપી પ્રત્યેની જાગૃતિ ધીમે-ધીમે વધી રહી છે.

જે યુવાનો થેરાપી લેતા હોય તે યુવાનો પોતાના ઘરમાં માતા-પિતા સમક્ષ આ વાત રજૂ કરે, તો ઘણી વખત તેઓ તરત જ કહેતા હોય છે કે, “અમે પણ કામ કરતા હતા, અમે પણ ઘણી વખત ઝઘડ્યા છીએ, અમારી પાસે ઘણી સુવિધાઓ નહોતી, છતાં અમે તમને મોટા કર્યા. અમને તો ક્યારેય થેરાપીની જરૂર પડી નથી, તો તમને પણ તેની શું જરૂર?” આવો સંવાદ આજના ઘણા યુવાનો અને તેમના માતા-પિતા વચ્ચે થતો જોવા મળે છે. હા, એ વાત ચોક્કસ છે કે બંને પેઢીઓના કેટલાક સામાજિક અને વિકાસના તબક્કાઓમાં સામ્યતાઓ છે, પરંતુ છેલ્લા દસેક વર્ષોમાં સમાજમાં ઘણાં મોટા પરિવર્તનો આવ્યા છે. આ પરિવર્તનોના કારણે આજનો યુવાન થેરાપી તરફ વધુ આકર્ષાઈ રહ્યો છે.

અનેક પરિબળો વ્યક્તિના સામાજિક અને માનસિક સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે

ઉદાહરણ તરીકે, પરિવારની રચનામાં મોટો બદલાવ આવ્યો છે. લોકો સંયુક્ત પરિવારમાંથી એકલ પરિવારો તરફ આગળ વધી રહ્યા છે. માતા-પિતા બંને કામકાજી બન્યા છે, આર્થિક પડકારો વધ્યા છે, વ્યક્તિની આંતરિક અને બાહ્ય જરૂરિયાતોમાં ફેરફાર આવ્યો છે, ડિજિટલ દુનિયાનો પ્રભાવ વધ્યો છે અને લાગણીઓ વ્યક્ત કરવાની રીતોમાં પણ પરિવર્તન આવ્યું છે. આવા અનેક પરિબળો વ્યક્તિના સામાજિક અને માનસિક સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. પરિણામે, વ્યક્તિને ક્યારેક મનોવૈજ્ઞાનિક સહાય અને સપોર્ટની જરૂરિયાત અનુભવાય છે.

આજકાલ કેટલીક વેબ સિરીઝ અને ફિલ્મોમાં પણ થેરાપી સંબંધિત દૃશ્યો અને સંવાદો જોવા મળે છે, જેમાં માનસિક સ્વાસ્થ્ય અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ વિશે ખુલ્લી ચર્ચા કરવામાં આવે છે. એટલું જ નહીં, કેટલાક સેલિબ્રિટીઝ, રમતવીરો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પણ પોતાના ઇન્ટરવ્યૂ અથવા પોડકાસ્ટમાં ખુલ્લેઆમ સ્વીકારે છે કે તેમણે જીવનના કોઈ તબક્કે થેરાપી લીધી હતી. શક્ય છે કે આ બાબત પણ યુવાનોમાં થેરાપી પ્રત્યેની જાગૃતિ વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવી રહી હોય.

કારણ કોઈપણ હોય, પરંતુ યુવાનોમાં થેરાપી પ્રત્યેનો સ્વીકાર અને તેની જાગૃતિ વધવી એ એક સકારાત્મક પરિવર્તન છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અહેવાલો પણ દર્શાવે છે કે વિશ્વભરમાં ઉદાસીનતા, મૂડ ડિસઓર્ડર અને તીવ્ર માનસિક તણાવ જેવી સમસ્યાઓનું પ્રમાણ વધી રહ્યું છે. આવી સમસ્યાઓની શરૂઆતમાં જ જો વ્યક્તિને યોગ્ય મનોવૈજ્ઞાનિક સહાય અને સપોર્ટ મળી જાય, તો તે વધુ સારી મનોવૈજ્ઞાનિક કોપિંગ સ્કિલ્સ વિકસાવી શકે છે, જે તેને જીવનના પડકારોનો વધુ અસરકારક રીતે સામનો કરવામાં મદદરૂપ બને છે.

મન:મર્મ

થેરાપી એ માત્ર સંવાદ નથી પરંતુ તે અસીલને પોતાના સ્વને ઓળખવામાં, વિચારો, લાગણીઓના સંચાલનની સાથોસાથ પોતાની માનસિક સુખાકારી માટે કરવા માટે મદદરૂપ થાય છે.

ડૉ. ચિન્મય દેસાઈ, મનોવિજ્ઞાની

dr.chinmaypsychologist@gmail.com

Exit mobile version