Site icon Revoi.in

કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર આ 5 હળવા સ્નેક્સ, જે પેટ રાખશે ફૂલ અને વજન રહેશે કંટ્રોલમાં

Social Share

ઓફિસમાં કામ દરમિયાન અવારનવાર બ્રેકફાસ્ટ, લંચ કે ડિનરની વચ્ચેના સમયમાં નાની-મોટી ભૂખ લાગવી બહુ સામાન્ય છે. આવા સમયે મોટાભાગના લોકો વેફર્સ, નમકીન કે બિસ્કિટ જેવા અનહેલ્ધી ઓપ્શન્સ પસંદ કરી લેતા હોય છે. આ ખોરાકમાં પોષણ બિલકુલ હોતું નથી અને તેલ, મીઠું તથા ખાંડનું પ્રમાણ વધારે હોવાથી તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. જો તમે પણ ઓફિસ ક્રેવિંગથી પરેશાન છો, તો અહીં એવા 5 લાઈટ અને હેલ્ધી સ્નેક્સ જણાવ્યા છે, જે કેલ્શિયમ-પ્રોટીનથી ભરપૂર છે. આ સ્નેક્સ ખાવામાં એકદમ હલકા છે, પણ તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખશે.

મલ્ટીગ્રેન ચીલા

ઓફિસમાં મિડ-સ્નેક્સ માટે તમે ઘરેથી મલ્ટીગ્રેન ચીલા બનાવીને ટિફિનમાં પેક કરી શકો છો. આ ચીલા બનાવવા માટે રાગી, જુવાર અને ચણાના લોટનો ઉપયોગ કરો. રાગી અને જુવારમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન મળી રહે છે. જો તમે તેમાં ઝીણા સમારેલા શાકભાજી ઉમેરશો, તો સ્વાદની સાથે શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પણ મળી જશે.

રોસ્ટેડ મખાના

મખાના એ ઓફિસ માટે સૌથી હલકો, ક્રંચી અને બેસ્ટ સ્નેક ઓપ્શન છે. એક નાની ચમચી દેશી ઘીમાં મખાનાને ધીમા તાપે શેકી લો. તમે ઇચ્છો તો સ્વાદ માટે તેમાં સહેજ હળદર અને સંચળ ઉમેરી શકો છો. આ બાળકો અને મોટાઓ બંને માટે ઉત્તમ છે. મખાના કેલ્શિયમ ઉપરાંત પ્રોટીન અને ફાઈબરનો બહુ મોટો સ્ત્રોત છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

ડ્રાય રોસ્ટેડ સિંગદાણા

ભૂખ લાગવા પર સિંગદાણા ખાવા એ પૌષ્ટિક અને સસ્તો ઉપાય છે, જેને ટિફિનમાં લઈ જવું પણ એકદમ સરળ છે. સિંગદાણાને તમે ડ્રાય રોસ્ટ (તેલ-ઘી વગર) પણ કરી શકો છો અથવા સહેજ ઘીમાં શેકી શકો છો. માર્કેટમાં મળતા તૈયાર સોલ્ટેડ સિંગદાણા ખાવાનું ટાળો, કારણ કે તેમાં સોડિયમ (મીઠું) બહુ વધારે હોય છે. ઘરે જ ઓછા મીઠા સાથે મસાલા પીનટ્સ તૈયાર કરવા વધુ હિતાવહ છે.

પનીર અથવા દહીં સાથે મિક્સ વેજ સલાડ

જો તમને ઓફિસમાં કશુંક ઠંડુ અને ફ્રેશ ખાવાની ઈચ્છા થાય, તો કલરફુલ મિક્સ વેજ સલાડ બેસ્ટ ચોઈસ છે. કાકડી, ટમેટા, ગાજર અને કેપ્સિકમ જેવા શાકભાજી સુધારી તેમાં ઉપરથી પનીર ક્રમ્બલ કરીને (ભૂકો કરીને) ઉમેરો. જો પનીર ન ભાવતું હોય તો તેની જગ્યાએ ફીણેલું ઘટ્ટ દહીં મિક્સ કરી શકો છો. ઉપરથી ચપટી કાળું મીઠું (સંચળ) અને મરી પાવડર ભભરાવીને એન્જોય કરો. પનીર અને દહીં સલાડને પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર બનાવે છે.

શેકેલા ચણા

ઓફિસની ડેસ્ક પર રાખવા માટે શેકેલા ચણા એક પરફેક્ટ સ્નેક છે. ચણા એ પ્લાન્ટ-બેઝ્ડ (વેજ) પ્રોટીનનો સૌથી શ્રેષ્ઠ સોર્સ છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, આયર્ન અને ઘણા જરૂરી મિનરલ્સ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. આ સ્નેક શરીરને એનર્જી આપે છે અને ખાસ કરીને ઉનાળાની સિઝનમાં શરીરને અંદરથી ઠંડુ રાખવામાં પણ મદદરૂપ થાય છે.

Exit mobile version