- દુર્ગમ ક્ષેત્રોમાં જવાનોને ઓછામાં ઓછી તકલીફ થાય અને મહત્તમ સુવિધાઓ મળે તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રાલય કામ કરી રહ્યા હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ
- દુર્ગમ વિસ્તાર અને વિષમ આબોહવામાં પણ બીએસએફએ “ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સનું” દાયિત્વ ખૂબ જ મજબૂતાઈથી નિભાવ્યું
ભુજ, 29 મે 2026 – કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે આજે શુક્રવારે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો. કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે ત્યારબાદ ઓપી ટાવર-1170 કંટ્રોલ રૂમ અને હરામીનાળા વિસ્તારની સમીક્ષા કરી જેટી પોઈન્ટ પર વૃક્ષારોપણ પણ કર્યું હતું.
શ્રી શાહે જવાનો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે બીએસએફના જવાનો વચ્ચે આવીને તમામ થાક ઉતરી જાય છે. ચોકી પર અહીં સુધી પહોંચતા પહોંચતા જ ખબર પડી જાય છે કે અહીં રહેવું કેટલું કઠિન છે. તેમ છતાં આવી વિષમ પરિસ્થિતિમાં પણ જવાનો હસતાં મોંએ ભારતની સુરક્ષા કરી રહ્યા છે તે જોઈને અનુભવાય કે આની સાપેક્ષમાં આપણો થાક તો કંઈ જ નથી. તેઓએ કહ્યું કે બીએસએફની 1966 માં સ્થાપનાથી લઈને 2026 સુધીમાં બે બાંગ્લાદેશ અને પાકિસ્તાન એમ બે સૌથી કઠિન સીમાઓની સુરક્ષાની જવાબદારી ઉપાડી છે.
આ પણ વાંચોઃ બંધમાં પાણી ઘટ્યું અને પાંડવકાળના પ્રાચીન મંદિરના દર્શન થયા
આ બંને સીમાઓમાં ખૂબ ભોગોલિક વિષમતા રહેલી છે એક જગ્યાએ માઇનસ 45 તો બીજી જગ્યાએ 45 ડિગ્રી ઊંચા તાપમાનનો સામનો કરવો પડે છે. એક બાજુ કાશ્મીરમાં બરફ આચ્છાદિત પર્વતો તો બીજી બાજુ હરામીનાળામાં કાદવ કિચન વાળી જમીન તો ક્યાંક રાજસ્થાનમાં રેતીના ઢુવા, સુંદરવબનમાં મેનગૃવ, મેઘાલય, આસામના પહાડી વન ક્ષેત્રોમાં પણ બીએસએફએ ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સનું દાયિત્વ ખૂબ જ મજબૂતાઈથી નિભાવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ દેશ માટે બલિદાન આપનાર બીએસએફના બે હજાર જવાનોને વંદન સાથે કહ્યું હતું કે બીએસએફના આ જવાનોના બલિદાન માટે ન કેવળ ભારત સરકાર પરંતુ સમગ્ર દેશ તેમનો ઋણી છે અને તેના માટે સન્માન સાથે ગૌરવ અનુભવે છે. બીએસએફના જવાનો કેવી કપરી પરિસ્થિતિમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે તેનાથી દેશના નાગરિકો પણ અવગત થાય તે માટે બનાસકાંઠામાં એક સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેમાં છેલ્લા એક જ મહિનામાં 2.5 લાખથી વધુ લોકોએ ત્યાં મુલાકાત લીધી છે. તેઓએ કહ્યું કે થોડા સમય પહેલાં બીએસએફ માટે કરાવેલા એક જનમત સંગ્રહમાં ઘણી બધી માતાઓએ પોતાના સંતાનો બીએસએફમાં જઈને દેશ માટે ફરજ નિભાવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. નાગરિકોના મનમાં આ અહોભાવ જવાનોના ભાવ, કર્તવ્યનિષ્ઠા અને બલિદાનનું જ પરિણામ છે.
આ પણ વાંચોઃ પાલનપુરની ૮ વર્ષની નિક્ષા બારોટે ૭ દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચીને પ્રેરણાદાયક સિદ્ધિ નોંધાવી
અમિતભાઈ શાહે ઉમેર્યું હતું કે તેઓ દેશના ગૃહમંત્રી બન્યા ત્યારબાદની બીએસએફની પ્રથમ રિવ્યુ મીટીંગમાં જ હરામીનાળા અને સિરક્રીક સુરક્ષાની દ્રષ્ટિએ થોડા પાછળ જણાયા હતા અને ત્યારબાદ એક ચોક્કસ કાર્ય યોજનાના આધારે આ ક્ષેત્રમાં વોચ ટાવર, મેડિકલ સુવિધાઓ, પીવાનું પાણી, નવી ફેન્સીંગ સહિત એક લીક પ્રૂફ સુરક્ષા ગ્રીડ માટે યોજના બનાવાઈ હતી. અને આ યોજના લગભગ 70% પૂર્ણ થવાના આરે છે અને આગામી બે વર્ષમાં આ ક્ષેત્ર દુશ્મનોથી સંપૂર્ણ સુરક્ષિત થશે. તેઓએ કહ્યું કે આવા દુર્ગમ ક્ષેત્રોમાં જવાનોની મુશ્કેલીઓ ઓછી નથી કરી શકાતી પણ એને ઓછામાં ઓછી તકલીફ થાય અને મહત્તમ સુવિધાઓ મળે તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રાલય કામ કરી રહ્યા છે.
વોચ ટાવર લગાવવામાં પડકારો
તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં વોચ ટાવર લગાવવામાં ટેકનિકલી અનેક પડકારો રહેલા હતા. પરંતુ બીએસએફએ આ કાર્ય ખૂબ બખૂબીથી પાર પાડ્યું છે. બી.ઓ.પી.ને ગ્રાઉન્ડ લેવલથી પોણા ચાર મીટર ઉપર લઈને અને કનેક્ટિંગ રોડની બંને બાજુ દીવાલો બનાવીને રોડને પણ પાણીથી બચાવી શકાય તે રીતે આયોજન કરાયું છે. તેઓએ કહ્યું કે આ કામ માટેનો સર્વે થઈ રહ્યો હતો ત્યારે આ સમગ્ર વિસ્તાર દોઢ મીટર જેટલા પાણીમાં ડૂબેલો હતો અને ત્યારે આ મુશ્કેલીના લીધે સર્વે રોકાવો ન જોઈએ તે માટે તેઓએ સતત ત્રણ મહિના સુધી ફોલોઅપ લીધું હતું.
બીએસએફના 60 માં વર્ષે બીએસએફના સીમા સુરક્ષાના સમગ્ર કન્સેપ્ટને બદલવામાં આવી રહ્યો છે તેમ પણ શ્રી શાહે જણાવ્યું હતું. ચતુષ્કોણીય કન્સેપ્ટ સાથે એક સુરક્ષા ગ્રીડ બનાવવામાં આવશે. જેમાં બોર્ડર સુરક્ષાની જગ્યાએ ટેરેટોરિયલ સુરક્ષાનો નવો આયામ નિર્મિત કરવામાં આવશે. આ કન્સેપ્ટમાં સિવિલ પ્રશાસન, નાગરિકો, જવાનો, પોલીસ જવાનો સામેલ થશે તેમજ બીએસએફનું પણ પ્રમુખ દાયિત્વ રહેશે. તેઓ કહ્યું કે બાંગ્લાદેશ અને પાકિસ્તાન બોર્ડર પર સ્માર્ટ બોર્ડર સુરક્ષા પ્રોજેક્ટ આયોજન હેઠળ છે. જેમાં હજારો કરોડો રૂપિયાની લાગત થવાની છે. આ આયોજનમાં ડ્રોન, રડાર, પોસ્ટ ટાવર અને આધુનિક થી આધુનિક ટેકનોલોજી અને જવાનોને સાથે રાખીને મજબૂત સુરક્ષા ગ્રીડ બનાવવામાં આવશે.
પશ્ચિમ બંગાળની સરહદો પર ફેન્સીંગ એ ખૂબ જ મોટો પડકાર હતો તે વાતનો ઉલ્લેખ કરી તેમણે ઉમેર્યું કે આ સંદર્ભમાં જમીનોના અધિગ્રહણમાં ખૂબ સમસ્યા આવી રહી હતી. પરંતુ કેટલાક દિવસો પહેલા જ પશ્ચિમ બંગાળમાં ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બન્યા બાદ મુખ્યમંત્રીશ્રીએ ફેન્સીંગ માટે ભૂમિ આપવાનો એક અઠવાડિયામાં જ સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે અને તે પૈકી અમુક ભૂમિ આપી પણ દેવામાં આવી છે. આ ફેન્સીંગના નિર્માણ બાદ ઘૂસણખોરી મહદ અંશે રોકી શકાશે. ટેકનોલોજી અને બીએસએફ ના સમન્વય સાથે દેશની તમામ બોર્ડર સુરક્ષિત થવા જઈ રહી છે.
આ પણ વાંચોઃ કોકરોચ પાર્ટીને હાઈકોર્ટે “હિટ” મારી દીધું, X એકાઉન્ટ તત્કાળ પુનઃસ્થાપિત નહીં થાય
જવાનો માટે શક્ય તેટલી વ્યવસ્થા ઊભી કરવા પ્રતિબદ્ધ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપા સરકાર જવાનો માટે શક્ય તેટલી વ્યવસ્થાઓ ઉભી કરવા અને તેમની મુશ્કેલીઓ ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે. બીએસએફના લીધે જ એક જમાનામાં ખૂબ જ થતું આ ક્ષેત્ર એકદમ સુરક્ષિત અને સુરત બન્યું છે તેને રોકવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે અંતમાં શ્રી શાહે તમામ જવાનોને તેમના ધૈર્ય, વીરતા અને બલિદાન માટે અનંત શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ સચિવશ્રી ગોવિંદ મોહનજી, સૂચના બ્યુરોના વડાશ્રી તપનકુમારજી, સીમા પ્રબંધન સચિવશ્રી ડૉ. રાજેન્દ્રકુમાર, બીએસએફ મહાનિર્દેશકશ્રી પ્રવીણકુમારજી તેમજ બીએસએફ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

