Site icon Revoi.in

ઉનાળામાં શરીરને અંદરથી રાખવું છે ક્લીન? ડિટોક્સ વોટર પીવાના આ 6 અદ્ભુત ફાયદા જાણો

Social Share

આજના સમયમાં હેલ્થ અને ફિટનેસ પ્રત્યે લોકોની જાગૃતિ પહેલા કરતા ઘણી વધી ગઈ છે. ખાસ કરીને ગરમીની સિઝનમાં શરીરને હાઈડ્રેટેડ અને અંદરથી સાફ રાખવા માટે લોકો અવનવા નુસખા અપનાવતા હોય છે. આમાંનો એક લોકપ્રિય પ્રકાર છે ‘ડિટોક્સ વોટર’. પાણીમાં લીંબુ, કાકડી, ફુદીનો, આદુ કે ફળોના ટુકડા ઉમેરીને તૈયાર કરવામાં આવતું આ ડ્રિંક માત્ર તાજગી જ નથી આપતું, પરંતુ શરીરને કુદરતી રીતે ક્લીન કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

નિષ્ણાતોના મતે, નિયમિત રીતે ડિટોક્સ વોટર પીવાથી શરીરમાં અનેક હકારાત્મક ફેરફારો જોવા મળે છે. તે શરીરમાં જમા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢવાની પ્રક્રિયાને વેગ આપે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે.

ડિટોક્સ વોટર શરીરમાં પાણીની ઉણપ પૂરી કરે છે. લીંબુ, કાકડી કે ફુદીનાને લીધે પાણી સ્વાદિષ્ટ લાગે છે, જેના કારણે લોકો વધુ પાણી પીવા પ્રેરાય છે. પરિણામે શરીર લાંબા સમય સુધી હાઈડ્રેટેડ રહે છે અને થાકનો અનુભવ ઓછો થાય છે.

આ ડ્રિંક પાચનતંત્રને સક્રિય રાખવામાં મદદ કરે છે. તેમાં રહેલા કુદરતી તત્વો પેટને હળવું રાખે છે અને ગેસ, અપચો કે પેટમાં ભારેપણું જેવી સમસ્યાઓ ઘટાડવામાં સહાયક બને છે.

પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી કિડની અને લિવર વધુ સારી રીતે કાર્ય કરે છે. ડિટોક્સ વોટર શરીરમાં જમા થયેલા હાનિકારક તત્વોને બહાર કાઢવામાં સપોર્ટ કરે છે, જેથી આંતરિક શુદ્ધિ થાય છે.

જો તમને પેટ ફૂલવાની કે શરીરમાં પાણી જમા થવાની સમસ્યા રહેતી હોય તો ડિટોક્સ વોટર રામબાણ ઈલાજ છે. તે શરીરમાં ફ્લૂઈડ બેલેન્સ જાળવી રાખે છે અને સોજાની સમસ્યા ઘટાડે છે.

ડિટોક્સ વોટર પીવાથી પેટ ભરેલું લાગે છે, જેના કારણે વારંવાર ભૂખ લાગતી નથી. આનાથી બિનઆરોગ્યપ્રદ નાસ્તો કે ગળી વસ્તુઓ ખાવાની ઈચ્છા નિયંત્રિત થાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

જ્યારે શરીર અંદરથી સાફ અને હાઈડ્રેટેડ હોય ત્યારે તેની સીધી અસર ચહેરા પર દેખાય છે. નિયમિત ડિટોક્સ વોટર પીવાથી ત્વચા સ્વસ્થ રહે છે અને કુદરતી ગ્લો જળવાઈ રહે છે.

ઉનાળામાં તમે પણ જો તમારી દિનચર્યામાં ડિટોક્સ વોટર ઉમેરવાનું વિચારી રહ્યા હોવ, તો તાજા ફળો અને શાકભાજીનો જ ઉપયોગ કરવો હિતાવહ છે.

આ પણ વાંચોઃ ભારત ઈરાન સાથે સીધો અને નિર્ણાયક સંવાદ કરી રહ્યું છે: એસ.જયશંકર

Exit mobile version