નવી દિલ્હી, 14 મે, 2026 – જથ્થાબંધ મોંઘવારીમાં ભારે ઉછાળો આવ્યો છે. એપ્રિલ 2026માં આઠ ટકા કરતાં વધુ ઉછાળા સાથે મોંઘવારીનો દર 42 મહિનાની ટોચે પહોંચ્યો છે. ભારતમાં મોંઘવારીને લઈને ચિંતા ફરી વધી ગઈ છે. ભારતના જથ્થાબંધ મોંઘવારી દરમાં એપ્રિલ મહિનામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.
ગુરુવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, એપ્રિલ 2026 માં જથ્થાબંધ મોંઘવારી દર (WPI Inflation) વાર્ષિક ધોરણે ઉછળીને 8.3% ઉપર પહોંચી ગયો છે, જે લગભગ 42 મહિનાની સૌથી ઊંચી સપાટી છે. આનું સૌથી મોટું કારણ પેટ્રોલ-ડીઝલ, LPG, કાચું તેલ (ક્રૂડ ઓઈલ) અને વીજળીના ભાવમાં થયેલો તીવ્ર વધારો છે. મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) કટોકટી અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સપ્લાય ખોરવાઈ જવાની અસર હવે ભારતની અર્થવ્યવસ્થા પર સ્પષ્ટપણે દેખાવા લાગી છે.
આ પણ વાંચોઃ રસોઈ ગેસ બાબતે 1000 આદિવાસી પરિવારો હવે આત્મનિર્ભર બન્યા
એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દરમાં મોટો ઉછાળો
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, એપ્રિલ 2026 માં જથ્થાબંધ મોંઘવારી દર 8.30% રહ્યો હતો, જ્યારે અગાઉના મહિનામાં એટલે કે માર્ચમાં તે 3.88% પર હતો. એટલે કે માત્ર એક જ મહિનામાં હોલસેલ ઇન્ફ્લેશનમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ તેજી મુખ્યત્વે ઇંધણ, વીજળી અને કાચા તેલના ભાવમાં વધારાને કારણે આવી છે.
જથ્થાબંધ મોંઘવારીની ‘ફ્યુઅલ એન્ડ પાવર’ કેટેગરીમાં એપ્રિલ દરમિયાન ભારે ઉછાળો નોંધાયો હતો. ફ્યુઅલ એન્ડ પાવર ઇન્ફ્લેશન એપ્રિલમાં વધીને 24.71% થઈ ગયું, જ્યારે માર્ચમાં તે માત્ર 1.05% હતું. એટલે કે એક મહિનામાં આ કેટેગરીમાં ખૂબ જ ઝડપી વધારો જોવા મળ્યો.
ક્રુડ ઓઈલ ફુગાવો 88% ને પાર
કાચા તેલ એટલે કે ક્રૂડ પેટ્રોલિયમ (Crude Petroleum) માં મોંઘવારી એપ્રિલમાં 88.06% સુધી પહોંચી ગઈ છે, જ્યારે માર્ચમાં તે 51.5% હતી. મિડલ ઈસ્ટ કટોકટી અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અવરોધના કારણે ભારત માટે આયાત થતા તેલનો ખર્ચ ઝડપથી વધ્યો છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે, તેથી વૈશ્વિક તેલના ભાવોની સીધી અસર સ્થાનિક મોંઘવારી પર પડી રહી છે.
Petrol-Diesel અને LPG ના ભાવની શું અસર
ઇંધણ સાથે જોડાયેલી ઘણી પ્રોડક્ટ્સમાં પણ મોંઘવારી વધી છે:
LPG Inflation એપ્રિલમાં 10.92% રહ્યું, જે માર્ચમાં -1.54% હતું.
પેટ્રોલમાં મોંઘવારી 32.40% પર પહોંચી ગઈ, જે માર્ચમાં 2.50% હતી.
હાઈ-સ્પીડ ડીઝલ (HSD) માં મોંઘવારી 25.19% રહી, જે માર્ચમાં 3.26% હતી.
જોકે, સરકારે હજુ સુધી ઘરેલું LPG અને પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવોમાં મોટો વધારો કર્યો નથી.
છતાં સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ન વધાર્યા
અહેવાલ મુજબ, વૈશ્વિક કાચા તેલના ભાવમાં લગભગ 50% નો ઉછાળો આવ્યો હોવા છતાં સરકારે અત્યાર સુધી પેટ્રોલ, ડીઝલ અને ઘરેલું LPG ના રેટ સ્થિર રાખ્યા છે જેથી સામાન્ય લોકો પર બોજ ઓછો પડે. જોકે, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
ખાદ્યાન્ન ફુગાવામાં સામાન્ય વધારો
ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારીમાં પણ સામાન્ય વધારો નોંધાયો છે. ફૂડ ઇન્ફ્લેશન એપ્રિલમાં 1.98% રહ્યું, જે માર્ચમાં 1.90% હતું. તો વળી, નોન-ફૂડ આર્ટિકલ ઇન્ફ્લેશન વધીને 12.18% પર પહોંચી ગયું છે, જે માર્ચમાં 11.5% હતું.
વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે એપ્રિલ 2026 માં ઇન્ફ્લેશન રેટ મુખ્યત્વે આ કારણો લીધે વધ્યો છે: મિનરલ ઓઈલના ભાવ વધવા. ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મોંઘા થવા. મેટલ (ધાતુઓ) ના ભાવમાં તેજી. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો. નોન-ફૂડ આર્ટિકલ્સની કિંમતોમાં વધારો.
પશ્ચિમ એશિયા કટોકટીની અસર
પશ્ચિમ એશિયાની કટોકટી અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તેલના સપ્લાય પર પડેલી અસરના કારણે ભારત જેવા આયાત-આધારિત દેશો પર દબાણ વધી ગયું છે. ભારત પોતાના કાચા તેલનો મોટો હિસ્સો આ જ પ્રદેશમાંથી આયાત કરે છે. ઊંચા તેલના ભાવોની અસર ટ્રાન્સપોર્ટ, વીજળી, મેન્યુફેક્ચરિંગ અને રોજિંદી ઘણી વસ્તુઓના ખર્ચ પર પડે છે, જેનાથી મોંઘવારી વધવાનો ખતરો સતત રહે છે.
જથ્થાબંધ મોંઘવારી વધવાની અસર આગામી દિવસોમાં છૂટક મોંઘવારી (Retail Inflation) પર પણ પડી શકે છે. જો ઇંધણ અને કાચા તેલના ભાવ ઊંચા રહેશે તો ટ્રાન્સપોર્ટ, ખાવા-પીવાની વસ્તુઓ, ગેસ અને રોજિંદી જરૂરિયાતની ચીજો વધુ મોંઘી થઈ શકે છે.

