Site icon Revoi.in

એક વ્યક્તિ ખોટી હોઈ શકે, પણ સાત નહીં: રાઘવ ચઢ્ઢા

Social Share

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: આમ આદમી પાર્ટી (આપ) સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સોમવારે પોતાના આ મોટા નિર્ણય પાછળનું મૌન તોડ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને ચઢ્ઢાએ ભાવુક અંદાજમાં જણાવ્યું કે, તેમણે કેમ પોતાના જીવનના ૧૫ વર્ષ જે પાર્ટીને આપ્યા તેને છોડવી પડી. તેમણે સ્પષ્ટ કર્યું કે, “એક માણસ ખોટો હોઈ શકે, પણ સાત ભણેલા-ગણેલા સાંસદો એકસાથે ખોટા ન હોઈ શકે.”

રાઘવ ચઢ્ઢાએ વીડિયોમાં જણાવ્યું હતું કે તેઓ રાજકારણમાં આવ્યા તે પહેલા એક સફળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. કરિયર છોડીને તેઓ ‘આપ’ ના સ્થાપક સભ્ય બન્યા હતા. પરંતુ હવે પાર્ટીનું વાતાવરણ ‘ટોક્સિક’ (ઝેરી) બની ગયું છે. તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, “આજે આમ આદમી પાર્ટીમાં કામ કરતા રોકવામાં આવે છે, સંસદમાં બોલતા અટકાવવામાં આવે છે. આખી પાર્ટી હવે કેટલાક ભ્રષ્ટ અને સમજૂતીવાદી લોકોના હાથમાં ફસાઈ ગઈ છે, જેઓ દેશ માટે નહીં પણ પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરી રહ્યા છે.”

આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના આતંકીને અજાણ્યા લોકોએ ઠાર માર્યો

પોતાના નિર્ણયનો બચાવ કરતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે તેમની પાસે ત્રણ વિકલ્પો હતા. રાજકારણ છોડી દેવું, પાર્ટીમાં રહીને સુધારાનો નિષ્ફળ પ્રયાસ કરવો અથવા કોઈ અન્ય મજબૂત પ્લેટફોર્મ પર જઈને રચનાત્મક રાજકારણ કરવું. તેમણે ત્રીજો રસ્તો પસંદ કર્યો. તેમણે ઉમેર્યું કે, “કદાચ હું સાચો માણસ હતો, પણ ખોટી પાર્ટીમાં હતો. જ્યારે ઓફિસનું વાતાવરણ કામ કરવા જેવું ન રહે, ત્યારે વ્યક્તિએ તે જગ્યા છોડવી જ પડે છે.”

માત્ર પોતે જ નહીં, પરંતુ અન્ય 6 સાંસદોએ પણ પક્ષ છોડ્યો તે બાબતે ચઢ્ઢાએ કહ્યું કે આટલા બધા ભણેલા-ગણેલા લોકો જ્યારે એકસાથે પક્ષ છોડે ત્યારે સમજવું જોઈએ કે ખામી પાર્ટીની અંદર છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે હવે તેઓ ભાજપના માધ્યમથી લોકોની સમસ્યાઓનો વધુ સારી રીતે ઉકેલ લાવી શકશે. રાઘવ ચઢ્ઢાના આ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઈ છે. કેટલાક લોકો તેમના નિર્ણયને આવકારી રહ્યા છે, તો કેટલાક તેને રાજકીય તકવાદ ગણાવી રહ્યા છે. જોકે, રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ વધતા હવે કેન્દ્ર સરકાર વધુ મજબૂત બની છે.

Exit mobile version