કોલકાતા, 9 મે, 2026 – પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ પ્રથમ ભાજપ સરકારે આજે શનિવારે શપથ લીધા છે. પશ્ચિમ બંગાળમાં પણ આજથી ભાજપ સરકારનો પ્રારંભ થયો છે. શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરી લીધા છે. તેમનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં શનિવારે સવારે 11:30 વાગ્યે યોજાયો હતો.
પાંચ મંત્રીઓએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા, જેમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પૉલ, અશોક કીર્તનીયા, ખુદીરામ ટુડુ અને નિસિથ પ્રમાણિક સામેલ છે. શુભેન્દુ ‘દાદા’ ના શપથ ગ્રહણ સમારોહમાં PM મોદી અને અમિત શાહ સહિત ભાજપના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચોઃ સોમનાથ અમૃત મહોત્સવ, ભારત સરકારની નીતિમાં આમુલ પરિવર્તન
બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર બની છે. શુભેન્દુ જ્યારે મંચ પર CM પદના શપથ લઈ રહ્યા હતા ત્યારે 20 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ ક્ષણના સાક્ષી બન્યા હતા. ભાજપ અને NDA શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા.
ભાજપે આ શપથ ગ્રહણ માટે 9 મે, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતીનો ખાસ દિવસ પસંદ કર્યો. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં બંગાળમાં ભાજપે મમતા બેનર્જીની TMC ને 207 બેઠકો જીતીને હરાવી દીધી છે. TMC ને માત્ર 80 બેઠકો જ મળી શકી.

