1. Home
  2. ગુજરાતી
  3. વિધાનસભા ચૂંટણીઃ પશ્ચિમ બંગાળમાં 90 ટકા અને તમિલનાડુમાં 84 ટકાથી વધુ જંગી મતદાન
વિધાનસભા ચૂંટણીઃ પશ્ચિમ બંગાળમાં 90 ટકા અને તમિલનાડુમાં 84 ટકાથી વધુ જંગી મતદાન

વિધાનસભા ચૂંટણીઃ પશ્ચિમ બંગાળમાં 90 ટકા અને તમિલનાડુમાં 84 ટકાથી વધુ જંગી મતદાન

0
Social Share

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભાની 152 બેઠકો અને તમિલનાડુની 234 બેઠકો ઉપર આજે મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળમાં કેટલીક જગ્યાએ હિંસક અથડામણના બનાવો બન્યાં હતા. દરમિયાન સાંજે પાંચ વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં 89.93 અને તમિલનાડુમાં 82.24 ટકા જેટલુ મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કાની 152 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. બંને રાજ્યમાં સવારથી મતદાન માટે મતદારોની લાંબી લાઈનો લાગી હતી. મતદાનનો આંકડો હજુ વધવાની શકયતા છે. પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં 142 બેઠકો ઉપર આગામી 29 એપ્રિલે મતદાન યોજાશે.

પશ્ચિમ બંગાળના કુચબિહાર જિલ્લામાં 92.07 ટકા, અલીપુરદૂરમાં 88.74, ઉત્તર દીનાજપુરમાં 89.74, દક્ષિણ દીનાજપુરમાં 93.12 ટકા, માલદામાં 89.56, મૂર્શીદાબાદમાં 91.36 ટકા જેટલુ જંગી મતદાન થયું હતું. દરમિયાન બીરભૂમ જિલ્લાના દુબરાજપુર વિધાનસભા વિસ્તારમાં તોફાનીતત્વોએ સીઆરપીએફ જવાનો ઉપર હુમલો કર્યો હતો. તોફાનીઓએ સીઆરપીએફ જવાનો ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. આસનસોલ દક્ષિણ વિધાનસભાના ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલ દ્વારા પોતાની કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો.

ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલે આક્ષેપ કર્યો છે કે જ્યારે તેઓ વિવિધ બૂથની મુલાકાતે હતા, ત્યારે તેમની ગાડી પર પથરાવ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેમની ગાડીનો પાછળનો કાચ તૂટી ગયો હતો અને તેમના સુરક્ષાકર્મી તથા પર્સનલ આસિસ્ટન્ટને સામાન્ય ઈજાઓ પહોંચી છે. અગ્નિમિત્રા પોલે આ ઘટનાને સુનિયોજિત કાવતરું ગણાવી ચૂંટણી પંચ પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે.

પશ્ચિમ બંગાળમાં જ્યાં ટીએમસી અને ભાજપ વચ્ચે કડક મુકાબલો છે, તો તમિલનાડુમાં પણ ડીએમકેની આગેવાની હેઠળના ઈન્ડિ ગઠબંધન અને એઆઈએડીએમકે-ભાજપના એનડીએ વચ્ચે સીધી ટક્કર છે. બંને રાજ્યોમાં સવારથી જ મતદાન મથકોની બહાર મતદારોની લાંબી કતારો જોવા મળી અને મહિલાઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code