- ભાજપની સરખામણીમાં કોંગ્રેસને લોકસભામાં બોલવા માટે બે ગણો વધુ સમય આપવામાં આવ્યોઃ અમિત શાહ
નવી દિલ્હી, 11 માર્ચ, 2026 – Lok Sabha લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનો આજે રકાસ થયો હતો. બે દિવસ સુધી 13 કલાક કરતાં વધુ સમય ચાલેલી ચર્ચાનો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જવાબ આપ્યા બાદ વિપક્ષોએ ભારે હોબાળો કર્યો હતો. તે દરમિયાન અધ્યક્ષપદે બિરાજમાન સાંસદ જગદંબિકા પાલે પ્રસ્તવ મતદાન માટે મૂક્યો હતો અને તે કોંગ્રેસના પ્રસ્તાવની વિરુદ્ધમાં ધ્નનિમતથી પસાર થયો હતો.
આ અગાઉ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચાનો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, વાસ્તવમાં ભાજપની સરખામણીમાં કોંગ્રેસને લોકસભામાં બોલવા માટે બે ગણો વધુ સમય આપવામાં આવ્યો છે. તેમણે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધના એક-એક આક્ષેપના જવાબ આપ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રીએ વિપક્ષના અને ખાસ કરીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એ આક્ષેપના કે, રાહુલ ગાંધીને લોકસભામાં બોલવા દેવામાં આવતા નથી તેના વિગતવાર જવાબ આપ્યા હતા.
13 કલાક કરતાં વધુ સમય સુધી ચાલેલી ચર્ચા દરમિયાન વિપક્ષ દ્વારા કરવામાં આવેલા વિવિધ આક્ષેપના જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આ ગૃહની કાર્યવાહી બંધારણીય નિયમો મુજબ ચાલતું હોય છે.
આ પણ વાંચોઃ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસના પ્રસ્તાવ પર ચર્ચાઃ જાણો કોણે શું કહ્યું?
કેન્દ્રીય ગૃહમંત્રીએ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની લોકસભામાં હાજરી, ચર્ચામાં તેમની સામેલગીરી સહિત વિવિધ મુદ્દે જવાબ આપવાનું શરૂ કર્યું ત્યારે કોંગ્રેસના સભ્યો લોકસભામાં વેલમાં આવી ગયા હતા અને ત્યાં સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. તેમ છતાં જોકે અમિત શાહે તેમનો જવાબ આપવાનું ચાલુ રાખ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રીએ વિગતો આપતાં કહ્યું કે, રાહુલ ગાંધીની લોકસભામાં હાજરી રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછી રહી છે. તેમણે કહ્યું કે, 17મી લોકસભામાં રાહુલ ગાંધીની હાજરી 51 ટકા હતી, જે રાષ્ટ્રીય સરેરાશ 67 ટકા કરતાં ઓછી હતી. એ જ રીતે 16મી લોકસભામાં રાહુલ ગાંધીની હાજરી માંડ 52 ટકા, અને ત્યારે રાષ્ટ્રીય સરેરાશ 80 હતી. કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં હાજરીના રેકોર્ડને આધારે જણાવ્યું કે, 15મી ગૃહમાં રાહુલ ગાંધીની હાજરી માત્ર 43 ટકા જ હતી જ્યારે તે સમયે પણ રાષ્ટ્રીય સરેરાશ 76 ટકા હતી.
કોંગ્રેસ ઉપર આકરો પ્રહાર ચાલુ રાખતા અમિતભાઈ શાહે જણાવ્યું કે, રાહુલ ગાંધી એવું કહે છે કે તેમને ગૃહમાં બોલવા દેવામાં આવતા નથી, પરંતુ હકીકત એ છે કે, શ્રી રાહુલ ગાંધી લોકસભામાં બોલવા જ માગતા નથી. તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના ભાષણના ધન્યવાદ પ્રસ્તાવ ઉપર ચર્ચામાં ભાગ નથી લીધો. તેમણે એક પણ સરકારી ઠરાવ પરની ચર્ચામાં ભાગ નથી લીધો. 17મી લોકસભામાં 19, 20,21 એમ ત્રણ દિવસ રાષ્ટ્રપતિના ભાષણ ઉપર ધન્યવાદ પ્રસ્તાવ માટે ચર્ચા થઈ હતી પરંતુ રાહુલ ગાંધીએ તેમાં પણ ભાગ લીધો નહોતો. એ જ રીતે શ્રી ગાંધીએ કેન્દ્રીય બજેટ પરની ચર્ચામાં ભાગ નથી લીધો.
રાહુલ ગાંધીએ 18મી લોકસભામાં પણ બજેટ પરની ચર્ચામાં ભાગ નથી લીધો. એથી આગળ વધીને અધ્યક્ષ વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચામાં પણ રાહુલ ગાંધીએ ભાગ નથી લીધો.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, રાહુલ ગાંધી લોકસભામાં મોટાભાગની મહત્ત્વની ચર્ચા દરમિયાન મોટેભાગે વિદેશની મુલાકાતે હતા. કોઈ વિદેશમાં હોય તો અહીં લોકસભામાં કેવી રીતે બોલી શકે? તેવી હળવી ટકોર પણ કરી હતી.
અમિતભાઈ શાહે કહ્યું હતું કે, વર્તણૂક માત્ર અધ્યક્ષની વાત ન હોય, પણ તમામ સાંસદોની વર્તણૂકની પણ ચર્ચા થવી જોઈએ.

