Site icon Revoi.in

ગુજરાતના મતદારોનું યોગદાન હંમેશા મોખરે રહ્યું છે અને આ વખતે પણ ટોચના સ્થાને રહેશેઃ જે.પી.નડ્ડા

Social Share

ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મંગળવારે ગાંધીનગર ખાતે લોકસભા મતવિસ્તાર કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન નડ્ડાએ એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુજરાતની તમામ લોકસભા સીટોને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં 26માંથી તમામ 26 બેઠકો મેળવશે.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે મંગળવારે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. નડ્ડાએ મંગળવારે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે, “મને ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ચૂંટણી ક્ષેત્રના પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાની તક મળી છે.”

બીજેપી વડાએ કહ્યું કે 25 અન્ય પાર્ટી કાર્યાલયોનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને તેઓ રાજ્યમાં પાર્ટીના ટોચના નેતાઓ સાથે બેઠક કરશે.  તેમણે વધુમાં કહ્યું હતું કે, પાર્ટી માત્ર વિજયી બનશે જ નહીં પરંતુ તેના અગાઉના ચૂંટણી રેકોર્ડને પણ ઘણી મોટી બેઠકોથી તોડી નાખશે. સામાન્ય ચૂંટણીઓમાં ભાજપની ચૂંટણીલક્ષી સંભાવનાઓને આગળ વધારવામાં ગુજરાતના મતદારોના યોગદાન પર બોલતા નડ્ડાએ કહ્યું હતું કે, “ગુજરાત હંમેશા મોખરે રહ્યું છે અને આ વખતે પણ ટોચના સ્થાને રહેશે.”

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ભાજપા સહિત તમામ રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રાજ્યમાં ભાજપાએ લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠકો ઉપર જીતનો લક્ષ્યાંક રાખ્યો છે.