- “સ્થાનિક અને વૈશ્વિક નૅરેટિવ સેટિંગની મથામણો પર એક વિહંગાવલોકન”
“વૈશ્વિક પહોંચ અને હિતો ધરાવતી વૈશ્વિક શક્તિએ તેની વાત સતત સંભળાવવાની જરૂર છે. અને તે કંઈક એવી હોવી જોઈએ જે સતત સુશોભિત હોય અને સુસંગત હોય. જે રાષ્ટ્રો લોકોની નજરમાં રહેવા માંગે છે અને તેમની વાત કહેવા માંગે છે તેમણે તેના માટે કામ કરવું પડશે અને તેની કિંમત ચૂકવવી પડશે “. (વિક્રમ સૂદ, રૉના ભૂતપૂર્વ વડા, તેમના પુસ્તક “ધ અનએન્ડિંગ ગેમ”ના પ્રકરણ કંટ્રોલિંગ ધ નૅરેટિવમાં)
‘ભારતીય જેમ્સ બોન્ડ્સ’ ના ‘પિતાજી’એ લખેલી આ વાત વર્તમાન સમયમાં ચાલી રહેલી સ્થાનિક અને વૈશ્વિક નેરેટિવ સ્થાપિત કરવાની હોડ માટે બિલકુલ સુસંગત છે. અમેરિકા અને રશિયા જેવા દેશો રાતોરાત એમના ‘દુશ્મન દેશો’ પર હુમલો શરૂ પણ કરી દે અને પછી પોતાનાં પગલાંને વાજબી ઠેરવવા નેરેટિવના એવા એવાં પડીકા વિકાસશીલ દેશો તરફ સરકાવે છે કે બધા એમની વાતને માની લે.
પણ હવે આ ખેલ માત્ર કથિત વિકસિત દેશો પૂરતો સીમિત નથી. આજે વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત તરીકે આપણે (એટલે કે ભારત) પણ હવે વિશ્વમાં પોતાના નેરેટિવની તાકાત અજમાવવા થનગની રહ્યા છીએ અને આજના સમયમાં તેના માટેનું સૌથી મોટું સાધન છે ડિજિટલ ટેકનોલોજી અને નેરેટિવ સ્થાપિત કરી શકે એવો વિચાર. આ બંને સાથે એક અત્યંત મહત્ત્વનું પાસું છે વિશ્વસનીય વ્યક્તિત્વ જે આ નેરેટિવને પ્રસરાવવામાં અને સ્થાપિત કરવામાં ‘ફેવિકોલ’નું કામ કરે. ભારતીયો પાસે આવું ‘ફેવિકોલ’ છે આપણા પ્રધાનસેવક નરેન્દ્રભાઈ મોદી.
10 રૂપિયાની ઝાલમૂરીએ લગાડી આગ
પહેલા વાત ઘરઆંગણાના નેરેટિવની કરીએ તો હમણાં જ સંપન્ન થયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ભાજપના અધ્યક્ષ નીતિન નબીન સહિતના દિગ્ગજોએ પાંચેય રાજ્યોને ધમરોળ્યા. પણ સ્વાભાવિક રીતે ભાજપનું મહત્ત્વનું લક્ષ્ય આ વખતે પશ્ચિમ બંગાળ હતું. પાંચ વર્ષ પહેલાં મમતા દીદીએ પાટો બાંધેલા પગે ફૂટબોલ ખેલીને “ખેલા હોબે” કરેલું એ ભાજપ ભૂલ્યો ન હતો એટલે ટીએમસીની બધી રાજકીય રીતરસમો એની સામે જ અપનાવીને ભાજપે કમર કસી. પણ હજુ અહીં એક સમસ્યા હતી.
ભાજપ પાસે પશ્ચિમ બંગાળમાં મમતા દીદી જેવો કોઈ સ્થાનિક, લોકપ્રિય ચહેરો ન હોવાથી દીદી ભાજપને બહારના લોકો કહીને હંમેશા આ નબળાઈનો લાભ લેતા હતા. ભાજપની ટીમે આ નબળાઈને માત્ર દસ રૂપિયાની ઝાલમૂરીથી એક રાજકીય શક્તિમાં બદલી નાખી. નરેન્દ્રભાઈનું દુકાન પર જઈને ઝાલમૂરી ખાવું એ બંગાળના સામાન્યતમ નાગરિકો અને ભદ્રલોક બંનેને અસર કરી ગયું. જે કામ લોકસભાની ચૂંટણીમાં “ચાય પે ચર્ચા” અને “મૈં ભી ચૌકીદાર” જેવાં સૂત્રોએ કર્યું એ કામ પશ્ચિમ બંગાળમાં ઝાલમુરીએ કર્યું.
અહીં ઝાલમુરી મહત્ત્વની નથી પણ એ કોણે ખાધી? કયા હેતુથી ખાધી અને તેના દ્વારા શું સંકેત ગયો એ મહત્ત્વનું છે. આજની તારીખમાં દેશમાં સૌથી લોકપ્રિય ગણાતા વ્યક્તિત્વએ અત્યંત સરળતાથી તેના મતદારોને તેઓ તેમના પૈકીના જ એક છે એવો સંદેશ આપી દીધો અને બંગાળના મતદારોને તીખી તમતમતી ઝાલમુરી રસગુલ્લાની ચાસણીની જેમ સરળતાથી ગળે ઉતરી ગઈ. પરિણામ? આપણે સહુ જાણીએ છીએ.
મેલોડીની ધૂમ અને નૅરેટિવ ધ્વસ્ત
હવે “મેલોડી”ની વાત. પાંચ રાજ્યો પછી પાંચ દેશોની નરેન્દ્રભાઈની મુલાકાતનો એક મહત્ત્વનો પડાવ હતો ઈટલી. થોડાં વર્ષ પહેલા ઇટલીનાં પ્રધાનસેવિકા જ્યોર્જિયા મેલોની અને નરેન્દ્રભાઈની રાજકીય કેમેસ્ટ્રીએ આંતરરાષ્ટ્રીય રાજકારણના તખ્તા પર ધૂમ મચાવેલી અને મેલોનીએ ખુદ એમની દોસ્તીને “મેલોડી” એવું નામ આપ્યું હતું.
આ વખતની મુલાકાતમાં નરેન્દ્રભાઈએ દોસ્તીની ઉષ્માને વધારવા સત્તાવાર ભેટોની સાથે મેલોડી ચોકલેટનું પેકેટ મિત્રને ભેટમાં આપ્યું જેનો વીડિયો સ્વાભાવિકપણે વાયરલ થયો. વિશેષતઃ ભારતમાં તેના પર ખૂબ ચર્ચા થઈ. પરિણામે આગલા જ દિવસે એક નવીસવી પત્રકારે ભારતની પૂરી જાણકારી લીધા વગર પ્રેસબ્રિફિંગ પૂરું થયા પછી સવાલ પૂછીને વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરેલો તે ધોવાઈ ગયો.
ઈટલી સહિતના દેશો સાથે ભારતે નરેન્દ્રભાઈની આ યાત્રામાં અબજો રૂપિયાના વ્યાપારિક કરારો અને કૂટનીતિક સંબંધો મજબૂત કર્યા છે તેના પર હકારાત્મકતાની મહોર પણ લાગી ગઈ. અહીં ફરી એ જ વાત આવે છે કોણે, કોને ‘ચોકલેટ’ આપી! અહીં બંને વ્યક્તિઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતા રાજનીતિક વ્યક્તિત્વો છે. સ્વભાવિક રીતે બંને દેશો અને વ્યક્તિગત રીતે એ બન્નેને પણ લાભ થયો.
વાત વંદાપાર્ટીની
હવે અંતિમ વાત વંદાપાર્ટીની. ભારતના મુખ્ય ન્યાયાધીશ શ્રી સૂર્યકાંતની કોક્રોચવાળી ટિપ્પણીને મુદ્દો બનાવીને આમ આદમી પાર્ટીના ટેકેદારે અમેરિકાથી કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નામની ઓનલાઇન ચળવળ શરૂ કરી. ખૂબ થોડા સમયમાં તેના અધધ ફોલોવર્સ ઈન્સ્ટાગ્રામ પર થઈ ગયા. બેરોજગાર યુવાનોને કોક્રોચ કહ્યા એવા દાવા સાથે ઇન્ટરનેટ પર ચા ના કપમાં તોફાન થઈ પડ્યું. લાખો યુવાનો ભારતમાં અને ભારત બહારથી પણ તેમાં જોડાઈ રહ્યા હોવાના દાવા થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ કોકરોચ જનતા પાર્ટીનો જુવાળ ભારતમાં ડિજિટલ વૉરની ચેતવણી છેઃ લેફ. કર્નલ ત્યાગરાજન
કેટલાક વિશ્લેષકો તેને આગામી સમયમાં મુખ્યધારાના રાજકીય પક્ષો સામે સબળ રાજકીય પરિબળ ગણાવી રહ્યા છે પણ એક વાત યાદ રાખવી ઘટે કે સોશિયલ મીડિયા એવું “મીડિયા” છે જેની જમીનની વાસ્તવિકતા હંમેશા જુદી રહે છે. ખાસ કરીને ‘નીટ’ના પેપર લીક પ્રકરણ પછી અરવિંદ કેજરીવાલે જે પ્રકારે જેન-ઝીને શેરીમાં ઉતરવા આહ્વાન કર્યું હતું તેના પરથી જ અંદાજ હતો કે ભારતમાં નેપાળ- બાંગ્લાદેશ જેવી અરાજકતા જેન-ઝીના ખભે બંદૂક ફોડીને લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સીજેપી પણ તેના કન્ટેન્ટના આધારે આ શ્રેણીમાં આપોઆપ આવી જાય છે. તે કોઈ સમસ્યાના હાલની વાત નથી કરી રહ્યા, તે સિસ્ટમ સામેના તથાકથિત આક્રોશને પોતાના હેતુઓ માટે વટાવી રહ્યા છે એ સ્પષ્ટ છે.
હા, આ સમગ્ર ઘટનાક્રમને કટાક્ષ અને રમુજના ઓઠા હેઠળ એક ઑનલાઇન રાજકીય પ્રયોગ જરૂર કહી શકાય પણ તેનાથી મુખ્યધારાના રાજકીય પક્ષોને જમીની સ્તર પર એકદમ નુકસાન કરી શકાય એ શક્ય નથી. હા, એ જુદી વાત છે કે આ પ્રયોગથી કોંગ્રેસને ભારતીય રાજકારણના નેરેટિવમાંથી “રિપ્લેસ” કરવાની “આપ”ની મથામણ જરૂર દેખાય છે. આ લડાઈ ચાલતી જ રહેશે માત્ર “વંદાઓથી” સાવચેત રહો… જયહિન્દ.
પ્રો.(ડૉ) શિરીષ કાશીકર, નિયામક, NIMCJ, અમદાવાદ, રાજકીય વિશ્લેષક.

