ઝાલમુડી મેં ખાધી પણ તીખું ટીએમસીને લાગ્યું, પીએમ મોદીએ TMC ઉપર કર્યાં આકરા પ્રહાર
કોલકાતા, 23 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના 152 બેઠકો પરના મતદાન વચ્ચે રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. બીજા તબક્કાની 142 બેઠકો માટે પ્રચાર કરવા કૃષ્ણનગર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, “ઝાલમુડી મેં ખાધી છે પણ તેની તીખાશ (ઝાલ) ટીએમસીને લાગી છે.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 4 મેના રોજ બંગાળમાં ભાજપ-એનડીએની જીતનો જશ્ન મનાવવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ ચૂંટણી પંચની કામગીરીના ભારોભાર વખાણ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 50 વર્ષમાં આ પ્રથમ એવી ચૂંટણી છે જેમાં હિંસાનું પ્રમાણ સૌથી ઓછું છે. અગાઉ દર અઠવાડિયે હિંસાની ઘટનાઓ બનતી હતી જેને આત્મહત્યાનું નામ આપી દેવાતું હતું. પરંતુ આ વખતે ચૂંટણી પંચે બંગાળની ધરતી પર લોકશાહીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરી છે અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કર્યું છે.
કૃષ્ણનગરની જનમેદનીને સંબોધતા પીએમએ કહ્યું કે, “અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ મતદાનના જૂના તમામ રેકોર્ડ તૂટી રહ્યા છે. લોકોમાં હવે ભય ખતમ થઈ રહ્યો છે અને ભરોસો વધી રહ્યો છે. જેમનો અવાજ વર્ષો સુધી દબાવવામાં આવ્યો હતો તે લોકો હવે પરિવર્તન માટે ખુલીને બોલી રહ્યા છે. આ ચૂંટણી મોદી કે ભાજપના કાર્યકરો નહીં, પણ બંગાળની જનતા પોતે લડી રહી છે.”
પીએમ મોદીએ ટીએમસી પર પ્રહાર કરતા કહ્યું કે, 15 વર્ષ પહેલા જનતાએ ડાબેરીઓના શાસન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને હવે જનતા ટીએમસીના ‘જંગલરાજ’ વિરુદ્ધ ઉભી થઈ છે. ટીએમસીએ 10 લાખ MSME અને હજારો ઉદ્યોગો સ્થાપવાનું વચન આપ્યું હતું, પરંતુ હકીકતમાં રાજ્યમાં ફેક્ટરીઓ અને મિલો બંધ થઈ ગઈ છે. હોસ્પિટલોની હાલત પણ કથળી છે અને એમ્સ કલ્યાણીના નિર્માણમાં પણ મમતા સરકારે અવરોધો ઉભા કર્યા હતા.
-
ટીએમસી સરકાર ઘૂસણખોરોને રક્ષણ આપે છે: મોદી
વડાપ્રધાને આરોપ લગાવ્યો કે ટીએમસી સરકાર ઘૂસણખોરોને રક્ષણ આપે છે, જ્યારે ભાજપ ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્ર પર ચાલે છે. તેમણે માતુઆ અને નામશુદ્ર સમુદાયના લોકોને આશ્વાસન આપ્યું હતું કે તેમને ડરવાની જરૂર નથી, કોઈ તેમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે ભાજપની સરકાર બન્યા બાદ નાગરિકતા સંશોધન કાયદા હેઠળ નાગરિકતા આપવાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવામાં આવશે.
પીએમ મોદીએ મહિલા મતદારોને રીઝવતા કહ્યું હતું કે ટીએમસીએ મહિલાઓને અનામત આપતા અધિનિયમને પસાર થવા દીધો નથી. હવે બંગાળનો દરેક વર્ગ પછી તે ખેડૂત હોય, શિક્ષક હોય, ડૉક્ટર હોય કે ટેક્સી ચાલક તમામ ભયમુક્ત વાતાવરણ માટે ભાજપની તરફેણમાં મતદાન કરી રહ્યા છે. 4 મે પછી પશ્ચિમ બંગાળમાં સુશાસનના નવા યુગની શરૂઆત થશે.


