જેન્ડર પે ગૈપ: નિયમિત નોકરીમાં મહિલાઓની કમાણી પુરુષો કરતા 24 ટકા ઓછી
નવી દિલ્હી, 6 ઓગસ્ટ 2026: ભારતમાં મહિલાઓ કામકાજના વિવિધ ક્ષેત્રોમાં સક્રિયપણે યોગદાન આપી રહી છે, પરંતુ પુરુષો અને મહિલાઓની કમાણી વચ્ચેનો તફાવત હજુ પણ મોટો પડકાર છે. લોકસભામાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ અનુસાર, દેશમાં મહિલાઓની સરેરાશ કમાણી હજુ પણ પુરુષો કરતા પાછળ છે. સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના પિરીઓડિક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ 2025) મુજબ, દેશમાં પુરુષોની સરખામણીએ મહિલાઓના વેતન અને દૈડીમાં મોટો તફાવત જોવા મળ્યો છે.
નિયમિત વેતનવાળી નોકરીમાં પુરુષોની સરેરાશ માસિક કમાણી રૂ. 24217 જ્યારે મહિલાઓની માસિક કમાણી 18353 જેટલી છે. આમ પુરુષોની સરખામણીએ મહિલાઓની મંથલી ઈન્કમ રૂ. 5864 એટલે કે 24 ટકા જેટલી ઓછી છે. આવી જ રીતે અસ્થાયી અથવા દૈનિક કામમાં પુરુષોની સરેરાશ કમાણી રૂ. 480 પ્રતિદિન જ્યારે મહિલાઓની દૈનિક કમાણી રૂ. 324 જેટલી છે. આમ અહીં પણ મહિલાઓની દૈનિક આવક પુરુષોની સરખામણીએ રૂ. 165 એટલે કે 34 ટકા જેટલી ઓછી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ આંકડાઓ વિવિધ ક્ષેત્રોના કામદારોની સરેરાશ કમાણી દર્શાવે છે, તેનો અર્થ એ નથી કે સમાન કામ માટે દરેક મહિલાને હંમેશા ઓછું વેતન મળે છે, પરંતુ તે એક વ્યાપક વેતન અસમાનતા તરફ ઈશારો કરે છે.
- બેવડી જવાબદારી અને વેટર વગરનું કામ
મહિલાઓનું યોગદાન માત્ર નોકરી કે વેતન પૂરતું સીમિત નથી. તેઓ ઘરની જવાબદારીઓ સંભાળવા ઉપરાંત બાળકો અને વડીલોની સંભાળ રાખે છે અને પરિવારના ખેતર કે વ્યવસાયમાં વિનામૂલ્યે મદદ કરે છે. સરકાર દ્વારા આ બાબતોને સમજવા માટે ‘ટાઈમ યુઝ સર્વે’ પણ કરવામાં આવે છે. દેશમાં અત્યાર સુધીમાં બે વખત ટાઈમ યુઝ સર્વે હાથ ધરવામાં આવ્યો છે; પ્રથમ સર્વે જાન્યુઆરીથી ડિસેમ્બર 2019 દરમિયાન અને બીજો સર્વે જાન્યુઆરીથી ડિસેમ્બર 2024 દરમિયાન યોજાયો હતો. આ સર્વેનો હેતુ લોકો દિવસનો સમય કયા કાર્યોમાં વિતાવે છે તેનો તાગ મેળવવાનો છે.
આ આંકડાઓ સાબિત કરે છે કે મહિલાઓ નોકરી કે મજૂરીની સાથેસાથે ઘરકામની બેવડી જવાબદારીઓ પણ નિભાવે છે, છતાં આર્થિક વળતરની દૃષ્ટિએ તેઓ પુરુષો કરતા પાછળ રહી જાય છે.


