જયપુર, 6 ઓગસ્ટ, 2026 – રાજસ્થાનની હોસ્પિટલમાં છતના એક મોટા હિસ્સાનું પ્લાસ્ટર તૂટી પડતાં ત્યાંથી પસાર થઈ રહેલી મહિલા ગાંભીર રીતે ઘાયલ થઈ હોવાનું જાણવા મળે છે.
મીડિયા અહેવાલ અનુસાર, રાજસ્થાનમાં ચુરુના સુજાનગઢ ખાતે આવેલી સરકારી ફતેહપુરિયા માતૃ અને શિશુ હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પર છતનું પ્લાસ્ટર અચાનક ધસી પડ્યું હતું. આ સમગ્ર દુર્ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. છતનો કાટમાળ પડવાથી એક મહિલાના માથામાં ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સરકારી બગડિયા સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
હોસ્પિટલનું મકાન જર્જરિત
પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં મહિલા હોસ્પિટલ (જનાના હોસ્પિટલ) જૂના ટ્રોમા સેન્ટરના મકાનમાં કાર્યરત છે. મકાનની જર્જરિત હાલત અંગે અગાઉ પણ સવાલો ઊભા થયા છે અને દર્દીઓને વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવામાં છતનું પ્લાસ્ટર પડવાની આ ઘટનાથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, તેમના સંબંધીઓ અને હોસ્પિટલના સ્ટાફમાં ફાળ પડી છે.
જુઓ વીડિયોઃ
હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ
ઘટનાને નજરે જોનારાઓનું કહેવું છે કે જો અકસ્માત સમયે ત્યાં વધુ ભીડ હોત તો મોટું નુકસાન થઈ શકત. ઘટના બાદ હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ અકસ્માત બાદ આરોગ્ય વિભાગ જર્જરિત મકાનની સ્થિતિની ગંભીરતાથી નોંધ લઈને જરૂરી કાર્યવાહી કરશે, કે પછી દર્દીઓની સુરક્ષાને આવી જ રીતે નજરઅંદાજ કરવામાં આવશે.
વ્યવસ્થામાં સુધારો કરવાનું આશ્વાસન
સ્થાનિક લોકોએ હોસ્પિટલના મકાનની તાત્કાલિક ટેકનિકલ તપાસ કરાવીને જરૂરી સમારકામ અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય. ઘટના બાદ હોસ્પિટલના ઈન્ચાર્જ ડૉ. બંશીધરે આ મામલે જણાવ્યું હતું કે, “અમારા દ્વારા અગાઉ પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે, ટૂંક સમયમાં જ વ્યવસ્થામાં સુધારો કરવામાં આવશે.”

