તહેલકા સામયિકનો ભૂતપૂર્વ તંત્રી તરુણ તેજપાલ દુષ્કર્મ કેસમાં દોષિત
મુંબઈ, 6 ઓગસ્ટ, 2026 – તહેલકા સામયિકના ભૂતપૂર્વ તંત્રી તરુણ તેજપાલ દુષ્કર્મ કેસમાં દોષિત ઠર્યા છે. બોમ્બે હાઈકોર્ટે સેસન્સ કોર્ટના ચુકાદાને ઊલટાવી દઈને તેજપાલને દોષિત જાહેર કર્યા છે.
પ્રારંભિક અહેવાલ અનુસાર બોમ્બે હાઈકોર્ટ તરફથી તરૂણ તેજપાલને મોટો આંચકો લાગ્યો છે. અદાલતે જાતીય સતામણીના એક કેસમાં તેજપાલને દોષી ઠેરવ્યા છે. બોમ્બે હાઈકોર્ટે 2021ના નીચલી અદાલતના ચુકાદાને પલટીને તેજપાલને દુષ્કર્મના કેસમાં દોષી ઠેરવ્યા છે.
અદાલતમાં તેમની સજાની જાહેરાત બપોરે 2 વાગ્યેને 30 મિનિટે થવાની છે. વર્ષો સુધી ચાલેલી સુનાવણી બાદ બોમ્બે હાઈકોર્ટે 2013ના દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલને દોષી ઠેરવતા ગોવા ટ્રાયલ કોર્ટના 2021ના વચગાળાના એ ચુકાદાને રદ કર્યો છે જેમાં તેને “શંકાનો લાભ” આપીને મુક્ત કરવામાં આવ્યા હતા. ગોવા સરકારે તરૂણ તેજપાલને કસ્ટડીમાં લેવાની માંગ કરી છે.
અદાલતમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે તેજપાલે પીડિત મહિલાના ઈનકાર છતાં તેની સાથે બળજબરી કરી હતી. જસ્ટિસ ગોખલેએ પૂછ્યું કે શું તેજપાલ વિરુદ્ધ કોઈ અન્ય મામલો છે? આના પર તેજપાલના વકીલે કહ્યું કે કોઈ FIR, ફરિયાદ કે અયોગ્ય વર્તનનો કેસ નથી.
શું છે સમગ્ર મામલો?
આ મામલો એક પૂર્વ જુનિયર મહિલા સહયોગીના આક્ષેપો સાથે જોડાયેલો છે, જેમાં તેણે દાવો કર્યો હતો કે નવેમ્બર 2013માં ગોવામાં ‘થિંકફેસ્ટ’ કાર્યક્રમ દરમિયાન એક હોટેલની લિફ્ટમાં તેજપાલે તેની જાતીય સતામણી કરી હતી. નીચલી અદાલત દ્વારા તેજપાલને નિર્દોષ છોડી મુકાયા બાદ ગોવા સરકારે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે ગયા અઠવાડિયે સોલિસિટર જનરલ તુષાર મહેતા અને તેજપાલના વકીલ વરિષ્ઠ એડવોકેટ આબાદ પોંડાની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.
તરૂણ તેજપાલે કોર્ટમાં શું કહ્યું?
અદાલતના નિર્ણય પર તરૂણ તેજપાલે કહ્યું, “હું 62 વર્ષનો છું અને મારું માનવું છે કે હું પીડિત છું. મારી પત્ની છે અને આ સિવાય મારી પાસે કહેવા માટે કંઈ ખાસ નથી. હું બસ એટલું જ કહી શકું છું કે અમે અપીલ કરી શકીએ છીએ. કૃપા કરીને મારા પ્રત્યે નરમાશ દાખવો. બાકીના તમામ તથ્યો રેકોર્ડ પર રાખવામાં આવ્યા છે.”
સોલિસિટર જનરલ અને બચાવ પક્ષની દલીલો
તુષાર મહેતાએ રાજ્ય સરકાર વતી પક્ષ રજૂ કર્યો. મહેતાએ દલીલ કરી કે સત્ર અદાલતે જાતીય સતામણી પીડિતાના વર્તનને લઈને અગાઉથી બાંધેલી ધારણાઓના આધારે ફરિયાદકર્તાના આચરણનું આકલન કરીને ગંભીર ભૂલ કરી હતી. સોલિસિટર જનરલે કહ્યું હતું કે કોઈ જાતીય સતામણી પીડિતાની પ્રતિક્રિયા અંગે કોઈ સાર્વત્રિક ધોરણ હોઈ શકે નહીં, કારણ કે તે વ્યક્તિના શિક્ષણ, વ્યક્તિત્વ, સામાજિક પૃષ્ઠભૂમિ અને સંજોગોના આધારે અલગ-અલગ હોઈ શકે છે. નીચલી અદાલતે ફરિયાદકર્તાના નિવેદનોમાં સામાન્ય વિરોધાભાસોને જરૂર કરતાં વધુ મહત્ત્વ આપ્યું, જ્યારે એ ચકાસવું જોઈતું હતું કે તેના મુખ્ય આક્ષેપોમાં સાતત્ય જળવાઈ રહ્યું હતું કે નહીં.
બચાવ પક્ષની દલીલો
બીજી તરફ બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે પ્રોસિક્યુશને તેજપાલના માફીવાળા ઈમેલને શારીરિક સંબંધોની સ્વીકારોક્તિ તરીકે ખોટી રીતે રજૂ કર્યો. તેમણે ફરિયાદકર્તાની વિશ્વસનીયતા પર પણ સવાલો ઉઠાવતા કહ્યું કે કથિત ઘટના પહેલાં અને પછીનું તેનું વર્તન, ઈમેલ, વોટ્સએપ મેસેજ અને દસ્તાવેજી રેકોર્ડ પ્રોસિક્યુશનના કેસથી વિપરીત છે. બચાવ પક્ષે એવી પણ દલીલ કરી હતી કે ચાલુ લિફ્ટમાં ફરિયાદકર્તાને બંધક બનાવી રાખવાના તેના નિવેદન સાથે નિષ્ણાતોના પુરાવા અને સીસીટીવી ફૂટેજ મેળ ખાતા નથી.


