Homeગુજરાતીદેશ-વિદેશNEET પેપર લીક વિવાદ બાદ NTA નો નિર્ણય: નવી ઓફિસમાં CISF ના...

NEET પેપર લીક વિવાદ બાદ NTA નો નિર્ણય: નવી ઓફિસમાં CISF ના જવાનો તૈનાત કરાશે

નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર 2026: રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા (નીટ)માં પેપર લીક અને ગંભીર વહીવટી ખામીઓને લઈને સર્જાયેલા ભારે વિવાદ બાદ ‘નેશનલ ટેસ્ટિંગ એજન્સી’ (એનટીએ)એ મોટું કદમ ઉઠાવ્યું છે. હવે એનટીએની નવી ઓફિસનું કામકાજ શરૂ થતાં જ તેની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સીઆઈએસએફના જવાનોને સોંપવામાં આવશે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “મિંટો રોડ સ્થિત ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા પ્રેસ’ની બિલ્ડિંગમાં 55,000 સ્ક્વેર ફીટથી વધુ જગ્યામાં એક ખાસ ઓફિસ કોમ્પ્લેક્સ આવેલું છે. એનટીએને આ બિલ્ડિંગનો સંપૂર્ણ પાંચમો માળ તેમજ ચોથા અને છઠ્ઠા માળનો કેટલોક હિસ્સો ફાળવવામાં આવ્યો છે. છેલ્લા એક મહિના દરમિયાન તમામ ગોપનીય અને સંવેદનશીલ કામગીરીને આ નવી બિલ્ડિંગમાં શિફ્ટ કરી દેવામાં આવી છે.”

નવી જગ્યા પર સુરક્ષા અને મોનિટરિંગ આયોજન અંગે અધિકારીએ ઉમેર્યું હતું કે, “બિલ્ડિંગની અંદર વિશેષ ગોપનીય ઝોન નિર્ધારિત કરવામાં આવ્યા છે. જ્યાં પૂર્ણપણે સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે અવરજવર અને કામકાજ પર કડક નજર રાખવામાં આવશે. ગૃહ મંત્રાલયે આ કોમ્પ્લેક્સ માટે સીઆઈએસએફની ચુસ્ત સુરક્ષા મંજૂર કરી દીધી છે.” આ વર્ષની શરૂઆતમાં નીટ-યુજી પરીક્ષાનું પેપર લીક થવાના કારણે દેશભરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ તત્કાલીન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના બીજા જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પદ્ધતિમાં સુધારાના સુઝાવ આપવા માટે ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નિલેકણીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. આ કમિટીએ હજુ સુધી પોતાનો આખરી રિપોર્ટ સોંપ્યો નથી.

  • 3 વિષય નિષ્ણાતો જ નીકળ્યા પેપર લીકના માસ્ટરમાઇન્ડ

નીટ પેપર લીક કેસમાં સીબીઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં ખુલાસો થયો હતો કે ૩ સબ્જેક્ટ એક્સપર્ટ્સ (વિષય નિષ્ણાતો) જ આ લીકના મુખ્ય માસ્ટરમાઇન્ડ હતા. ચાર્જશીટ મુજબ, આ એક્સપર્ટ્સ જ્યારે એનટીએના ગોપનીય વિભાગમાં આવતા-જતા હતા ત્યારે તેમની કોઈ યોગ્ય તપાસ કરવામાં આવતી નહોતી. આ જ ખામીનો ગેરલાભ ઉઠાવીને તેઓ પરીક્ષાના પેપરમાંથી પ્રશ્નો નાની કાપલીઓ પર લખીને બહાર લઈ જવામાં સફળ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં નિષ્પક્ષ, પારદર્શી અને સ્ટાન્ડર્ડાઈઝ્ડ પરીક્ષાઓ આયોજિત કરવાના હેતુથી વર્ષ 2017માં સ્થાપવામાં આવેલી એનટીએ એજન્સી અગાઉ દિલ્હીના ઓખલા સ્થિત પોતાની ઓફિસથી કામ કરતી હતી, જેને હવે પૂર્ણ સુરક્ષા સાથે મિંટો રોડ ખાતે શિફ્ટ કરવામાં આવી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular