લખનૌ, 28 સપ્ટેમ્બર 2026: ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદે ત્રાહિમામ મચાવી દીધો છે. શુક્રવારથી સતત વરસી રહેલા ભારે વરસાદ અને તેને કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં રાજ્યભરમાં 56 લોકોનાં મોત થયા છે. આ ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને એક હજારથી વધુ મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
ભારે વરસાદ અને જાનહાનિની સૌથી વધુ ઘટનાઓ સીતાપુર જિલ્લામાં નોંધાઈ છે, જ્યાં તંત્ર દ્વારા રાહત કામગીરી ચાલી રહી છે. રાજ્યમાંથી પસાર થતી ઘાઘરા, રાપ્તી, મંદાકિની અને ગંડક નદીઓના જળસ્તરમાં ભયજનક વધારો થયો છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ગંભીર ખતરો ઊભો થયો છે. યુપીના આઠ જેટલા જિલ્લાઓમાં પાણી ભરાવાથી અને નદીઓના પૂરના પાણી ફરી વળવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ખરાબ હવામાન, સતત વરસાદ અને રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અનેક જિલ્લાઓમાં શાળા અને કોલેજો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યમાં સર્જાયેલી આ કુદરતી આપત્તિને પગલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ઝડપી બનાવવા તેમજ પૂર કે વરસાદથી અસરગ્રસ્ત થયેલા પરિવારોને ત્વરિત આર્થિક સહાય અને ખાધ્ય સામગ્રી પહોંચાડવાના કડક નિર્દેશ આપ્યા છે.


