Homeગુજરાતીદેશ-વિદેશદિલ્હીમાં વાયુ પ્રદૂષણ રોકવા સરકારનો નિર્ણય: 1 નવેમ્બરથી બાંધકામ પર પ્રતિબંધ

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ રોકવા સરકારનો નિર્ણય: 1 નવેમ્બરથી બાંધકામ પર પ્રતિબંધ

નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર 2026: રાજધાની દિલ્હીમાં શિયાળાની શરૂઆત સાથે જ વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે દિલ્હી સરકારે કડક પગલાં ભરવાની જાહેરાત કરી છે. પર્યાવરણ ભવન ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ સરકારે 1 નવેમ્બરથી બાંધકામ પ્રવૃત્તિઓ પર રોક, પાર્કિંગ ચાર્જમાં વધારો અને સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર સહિતના મહત્વના નિર્ણયો લીધા છે. આ બેઠકમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસા અને PWD મંત્રી પ્રવેશ વર્મા હાજર રહ્યા હતા.

સરકારે ધૂળ અને પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓ પર તબક્કાવાર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. 1 નવેમ્બર 2026 થી 31 જાન્યુઆરી 2027 સુધી બહાર થતા સિવિલ બાંધકામ અને ધૂળ ઉડાડતી તોડફોડની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત 10 ડિસેમ્બર 2026 થી 20 જાન્યુઆરી 2027 દરમિયાન તમામ પ્રકારના નિર્માણ અને તોડફોડના કામો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડવા માટે સરકારે 1 નવેમ્બર 2026 થી 28 ફેબ્રુઆરી 2027 સુધી અધિકૃત પાર્કિંગ સ્થળો પર પાર્કિંગ ફી બમણી કરવાનો નિર્ણય લીધો છે. જોકે, દિલ્હી મેટ્રોના પાર્કિંગ સ્થળોને આ વધારામાંથી મુક્તિ આપવામાં આવી છે.

  • ઓફિસોના સમયમાં ફેરફાર અને 50% ‘વર્ક ફ્રોમ હોમ’

ટ્રાફિક જામ અને પ્રદૂષણ ઘટાડવા માટે 1 નવેમ્બરથી 28 ફેબ્રુઆરી સુધી સરકારી ઓફિસોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એમસીડી ઓફિસો સવારે 8:30 થી સાંજે 5:00 વાગ્યા સુધી કાર્યરત રહેશે. તેમજ દિલ્હી સરકારની ઓફિસો સવારે 10:00 થી સાંજે 6:30 વાગ્યા સુધી ખુલશે. સરકારી અને સ્વાયત્ત કચેરીઓમાં 50 ટકા કર્મચારીઓ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ની વ્યવસ્થા ફરજિયાત કરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular