ન્યૂ યોર્ક, 28 સપ્ટેમ્બર 2026: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની બેઠક દરમિયાન પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ પોતાની એક અત્યંત વિવાદાસ્પદ અને શરમજનક હરકતને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ટીકાઓનો સામનો કરી રહ્યા છે. ન્યૂ યોર્કમાં એક અફઘાન મહિલા પત્રકાર દ્વારા તાલિબાનની નીતિઓ અને મહિલાઓની સ્થિતિ અંગે પૂછાયેલા ગંભીર સવાલનો જવાબ આપતી વખતે પાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ અત્યંત વાંધાજનક ઈશારો કર્યો હતો.
અફઘાન મહિલા પત્રકારે જ્યારે તાલિબાનના શાસનમાં અફઘાન મહિલાઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધો અંગે સવાલ પૂછ્યો, ત્યારે ખ્વાજા આસિફે પહેલા મહિલાના કપડાં તરફ આંગળી ચિંધી અને ત્યારબાદ પોતાના ગળા પર હાથ ફેરવતાં કહ્યું, “એવા કપડાં પહેરીને ત્યાં (અફઘાનિસ્તાન) ન જશો.” તેમના આ ઈશારાનો સીધો અર્થ એ કાઢવામાં આવી રહ્યો છે કે જો મહિલા પત્રકાર આવા પોશાકમાં અફઘાનિસ્તાન જશે તો તાલિબાન દ્વારા તેનું શિરચ્છેદ (ગળું કાપી) કરવામાં આવશે.
પત્રકારના સવાલનો જવાબ આપતાં ખ્વાજા આસિફે એ વાતનો સ્વીકાર પણ કર્યો હતો કે તાલિબાનને સમર્થન આપવું અને તેમની સાથે મિત્રતા કરવી એ પાકિસ્તાનની બહુ મોટી ઐતિહાસિક ભૂલ હતી, જેની કિંમત આજે આખું પાકિસ્તાન ચૂકવી રહ્યું છે. જોકે, આટલા ગંભીર વિષય અને તાલિબાની હિંસા પર વાત કરતી વખતે તેમના અને તેમની આસપાસ ઉપસ્થિત લોકોના હસવાના અને મજાક ઉડાવવાના વલણ સામે સોશિયલ મીડિયા પર તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે.
-
સોશિયલ મીડિયા પર ભારે ફિટકાર, યુઝર્સે વ્યક્ત કર્યો રોષ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (ટ્વિટર) પર આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ અને માનવાધિકાર કાર્યકરોએ આ વર્તનને ગેરજવાબદાર અને મહિલા વિરોધી ગણાવ્યું છે. એક યુઝરે ટીકા કરતાં લખ્યું કે, “એક ગંભીર સવાલ પૂછનાર મહિલાને કોઈ વરિષ્ઠ સરકારી મંત્રી દ્વારા આ રીતે મોતના ઈશારાથી ધમકાવવી એ મજાક નથી કે ન તો કોઈ રાજદ્વારી સમજદારી છે. અફઘાન મહિલાઓની તકલીફોની મજાક ઉડાવવાને બદલે તેમને ગંભીર જવાબ મળવો જોઈતો હતો. વિશ્વભરમાં અફઘાન મહિલાઓ સન્માન, સુરક્ષા અને કોઈપણ ડર વગર પોતાની વાત રજૂ કરવાની આઝાદીની હકદાર છે.”


