Homeગુજરાતીદેશ-વિદેશસગીર પત્ની સાથેના શારીરિક સંબંધમાં મુસ્લિમ પર્સનલ લોની છૂટછાટ નહીં મળે: દિલ્હી...

સગીર પત્ની સાથેના શારીરિક સંબંધમાં મુસ્લિમ પર્સનલ લોની છૂટછાટ નહીં મળે: દિલ્હી હાઈકોર્ટ

નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર 2026: દિલ્હી હાઈકોર્ટે સગીર પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાના એક ચર્ચિત કેસમાં મુસ્લિમ પર્સનલ લો (Muslim Personal Law) હેઠળ કોઈ પણ પ્રકારની રાહત આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે, ગુનાહિત કાયદાઓ હેઠળ પોતાની ફોજદારી જવાબદારીમાંથી બચવા માટે મુસ્લિમ પર્સનલ લોનો આશ્રય લઈ શકાય નહીં.

જસ્ટિસ સંજીવ નરુલાએ 23 સપ્ટેમ્બરના રોજ આપેલા ચુકાદામાં નોંધ્યું હતું કે, જો કોઈ પુખ્ત વયના પુરુષને પર્સનલ લો હેઠળ માન્યતા પ્રાપ્ત લગ્નનું મેરેજ સર્ટિફિકેટ બતાવીને 18 વર્ષથી ઓછી વયની સગીરા સાથે જોડાયેલા કેસમાં કાનૂની જવાબદારીમાંથી છૂટ આપવામાં આવે, તો તેનાથી પોક્સો એક્ટ લાવવાનો મૂળ હેતુ જ નિષ્ફળ થઈ જશે. તેથી, સગીરા સાથેના આવા કિસ્સાઓમાં પોક્સો એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહીમાંથી કોઈ છૂટછાટ મળશે નહીં અને ગુનો નોંધવામાં આવશે.

હાઈકોર્ટે આ ટિપ્પણીઓ ત્યારે કરી જ્યારે તેણે પોતાની સગીર પત્નીના યૌન ઉત્પીડનના આરોપી યુવક સામે દાખલ કરવામાં આવેલા ગુનાહિત કેસને રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. લગ્ન સમયે સગીરાની ઉંમર માત્ર 16 વર્ષ અને 3 મહિના હતી, જ્યારે આરોપી યુવકની ઉંમર 28 વર્ષ હતી. લગ્ન બાદ તેઓ સાથે રહેતા હતા અને સગીરા ગર્ભવતી બની હતી. ગર્ભાવસ્થા દરમિયાન સરકારી હોસ્પિટલમાં સારવાર માટે જતાં તેની વાસ્તવિક ઉંમર પ્રકાશમાં આવી હતી.

  • પરિવારે સહમતી દર્શાવી હોવા છતાં કાનૂની કાર્યવાહી

હોસ્પિટલ પ્રશાસન દ્વારા પોલીસને જાણ કરાયા બાદ યુવક સામે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, પોલીસે નોંધેલા નિવેદનમાં સગીરાએ જણાવ્યું હતું કે, આ લગ્ન બંને પરિવારની સંમતિથી થયા હતા અને તેના પર કોઈ દબાણ નહોતું. તેણે પતિની જામીન અરજીનું પણ સમર્થન કર્યું હતું.

અરજીમાં દંપતીએ દલીલ કરી હતી કે, મુસ્લિમ પર્સનલ લો મુજબ મુસ્લિમ છોકરી વયસ્ક થતાં જ લગ્ન માટે યોગ્ય ગણાય છે. તેથી આ લગ્ન કાયદેસર હોવાથી તેના પછી બાંધેલા શારીરિક સંબંધોથી કોઈ ગુનાહિત જવાબદારી બનતી નથી. પરંતુ, હાઈકોર્ટે આ દલીલને ફગાવતા સ્પષ્ટ કર્યું કે પર્સનલ લો હેઠળ થયેલા લગ્ન પછીના શારીરિક સંબંધો આપમેળે ગુનાની શ્રેણીમાંથી બહાર થઈ જતા નથી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular