રાજકોટ, 29 સપ્ટેમ્બર, 2026 : Congress holds protest with posters against Chief Election Commissioner દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કૂમાર દ્વારા SIRની કામગીરીમાં 13 કરોડ મતદારોના નામ કપાતા અને સહ કમિશનરોના વિરોધને પણ અવગણતા તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા દેશભરમાં 28 સપ્ટેમ્બરને સોમવારે વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. રાજકોટમાં શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રસના કાર્યકરોએ જ્ઞાનેશ કૂમારનું માસ્ક પહેરીને અનોખો વિરોધ કર્યો હતો. અને જ્ઞાનેશ કૂમારના રાજીનામાંની માગ કરી હતી. પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, સમગ્ર દેશની અંદર જે SIRની કામગીરી ચૂંટણી કમિશનર દ્વારા કરવામાં આવી, જેમાં ભારતમાં 13 કરોડ નામ દૂર કરવામાં આવ્યા અને ભૂતિયા નામ ચડાવવામાં આવ્યા. જ્યારે આ SIRની કામગીરી થતી હતી, ત્યારે કોંગ્રેસે આનો પણ વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ વિરોધ કર્યો હતો, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની સાથેના બે ચૂંટણી કમિશનરે સ્વીકાર્યું કે અમે 14 વખત જ્ઞાનેશ કુમારને લેખિત ફરિયાદ કરી કે, અમને વિશ્વાસમાં લીધા વિના આ 13 કરોડ નામ કાઢવાનું કામ ચૂંટણી પંચના મુખ્ય અધિકારીએ કરેલું છે. આ વાત જ્યારે બહાર આવી ત્યારે લોકશાહી અને બંધારણમાં જે મુખ્ય મતાધિકાર સમગ્ર ભારત દેશમાં વસતા નાગરિકોને આપેલો છે એ મતાધિકાર ઉપર તરાપ મારવાનું કામ કરાયુ છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, કોંગ્રેસની સ્પષ્ટ માગ છે કે તાત્કાલિક ધોરણે જ્ઞાનેશ કુમારનું રાજીનામું લેવામાં આવે અને જે SIR પ્રક્રિયા થઈ હતી એ ફરીથી ચકાસવામાં આવે. શહેરમાં સરદાર પટેલની પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી પગપાળા પહોંચી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.


