નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર 2026: સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) દ્વારા હાથ ધરાયેલી નિયમિત મોનિટરિંગ કામગીરી દરમિયાન ઓગસ્ટ 2026માં મોટો ખુલાસો થયો છે. દેશભરમાંથી લેવામાં આવેલા સેમ્પલ્સમાંથી 220 દવાની ગુણવત્તા નક્કી કરેલા ગુણવત્તાના માપદંડો પર ખરી ઉતરી નથી. આ ઉપરાંત દિલ્હીમાંથી દવાનું એક સેમ્પલ સંપૂર્ણપણે નકલી મળી આવ્યું છે. CDSCO દ્વારા આ તમામ 221 સેમ્પલને ‘નોટ સ્ટાન્ડર્ડ ક્વોલિટી’ (NSQ) જાહેર કરવામાં આવ્યા છે. મળેલી માહિતી અનુસાર, સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીઝમાં તપાસવામાં આવેલા 29 સેમ્પલ અને રાજ્ય સ્તરની ડ્રગ્સ ટેસ્ટિંગ લેબોરેટરીઝમાં તપાસાયેલા 191 સેમ્પલ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ સાબિત થયા છે.
દિલ્હીમાંથી ઝડપાયેલા નકલી દવાના સેમ્પલ અંગે માહિતી આપતા CDSCOએ જણાવ્યું હતું કે, બિનઅધિકૃત ઉત્પાદકો દ્વારા અન્ય જાણીતી કંપનીના બ્રાન્ડ નેમનો ગેરકાયદે ઉપયોગ કરીને આ દવા બનાવવામાં આવી હતી. હાલ આ સમગ્ર મામલો ગંભીર તપાસ હેઠળ છે અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. CDSCO અને રાજ્યના ડ્રગ રેગ્યુલેટર્સ મળીને આવી નકલી અને નબળી ગુણવત્તાવાળી દવાઓની ઓળખ કરીને તેમને બજારમાંથી તાત્કાલિક અસરથી હટાવવાની કામગીરી કરી રહ્યા છે.
સંસ્થાએ સ્પષ્ટતા કરી છે કે આ પરિણામો માત્ર એ ખાસ બેચ માટે જ લાગુ પડે છે જેનું લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેથી બજારમાં ઉપલબ્ધ અન્ય દવાઓ અંગે નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. આવી દવાઓ બજારમાં વેચાય નહીં અને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે સુનિશ્ચિત કરવા માટે ડ્રગ્સ વિભાગ દ્વારા આ પ્રકારનું ચેકિંગ નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે.


