લખનૌ, 6 ઓગસ્ટ 2026: પ્રયાગરાજથી ઝાંસી જઈ રહેલા અતિક અહેમદના નાના પુત્ર આબાન અહેમદની કારને અકસ્માત નડ્યો હતો. આબાન અહેમદની કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ દૂર્ઘટનામાં આબાન સહિત બે વ્યક્તિના મોત થયાં હતા. જ્યારે 3 વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આબાન જેલમાં બંધ ભાઈને મળવા માટે જઈ રહ્યો હતો ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. વહેલી સવારે કારના ચાલકને ઝોડુ આવી જતા વાહન ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાયું હતું.
કુખ્યાત માફિયા અતીક અહેમદના પરિવાર પર વધુ એક મોટો આઘાત આવ્યો છે. અતીક અહેમદના નાના પુત્ર આબાન અહેમદનું એક માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આબાન અહેમદ પોતાના જેલમાં બંધ ભાઈને મળવા માટે પ્રયાગરાજથી ઝાંસી જઈ રહ્યો હતો, તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. ઝાંસીના પૂંછ પોલીસ સ્ટેશન વિસ્તારના હાઈવે પર આબાનની કાર બેકાબૂ થઈને રોડ ડિવાઈડર સાથે અથકાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે કારના આગળના ભાગને ભારે નુકશાન થયું હતું. આ અકસ્માતમાં આબાન અહેમદ સહિત બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં વહેલી સવારે ગાડી ચલાવતી વખતે ડ્રાઇવરને ઝોકું આવી જવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. કારમાં સવાર તમામ લોકો પ્રયાગરાજથી ઝાંસી સેન્ટ્રલ જેલમાં બંધ અતીક અહેમદના બીજા પુત્ર અલી અહેમદને મળવા માટે નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અલી અહેમદને ગત વર્ષે ઓક્ટોબર 2025માં નૈની સેન્ટ્રલ જેલમાંથી ઝાંસી જેલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. માફિયા અતીક અહેમદ અને શાઈસ્તા પરવીનને કુલ પાંચ પુત્રો હતા. એક સમય ઉત્તર પ્રદેશમાં આખા પરિવારનો મોટો દબદબો હતો, પરંતુ હવે આખો પરિવાર વેરવિખેર થઈ ચૂક્યો છે. અતીક અને તેના પરિવારના મોટાભાગના સભ્યો જેલના સળિયા પાછળ છે અથવા પોલીસ કાર્યવાહીમાં માર્યા ગયા છે. આ દુર્ઘટના બાદ અતીક પરિવારની મુસીબતોમાં વધુ એક કાળો અધ્યાય ઉમેરાયો છે.

