નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધોનો પુનરોચ્ચાર કરતા જણાવ્યું છે કે, ભારત ઇઝરાયેલ સાથેના પોતાના અતૂટ સંબંધોને ખૂબ જ મહત્વ આપે છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, આ ભાગીદારી પરસ્પર વિશ્વાસ, ઇનોવેશન તેમજ શાંતિ અને પ્રગતિ માટેની સહિયારી પ્રતિબદ્ધતા પર ટકેલી છે.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટના પ્રતિસાદમાં વડાપ્રધાન મોદીએ આ નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ ઉમેર્યું કે, તેઓ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધોની વિવિધતા અને ઊંડાણ સાથે સંપૂર્ણ સહમત છે. આ સાથે જ તેમણે સંકેત આપ્યો હતો કે, તેઓ ઇઝરાયેલની પોતાની આગામી મુલાકાત દરમિયાન બંને પક્ષો વચ્ચે થનારી ઉચ્ચ સ્તરીય વિચાર-વિમર્શ માટે ખૂબ જ આતુર છે.
આ અગાઉ, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધોની પ્રશંસા કરતા તેને ‘બે વૈશ્વિક નેતાઓનું શક્તિશાળી ગઠબંધન’ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે બંને દેશો સુરક્ષા, નવાચાર અને સહિયારા વ્યૂહાત્મક અભિગમમાં મહત્વના ભાગીદાર છે. નેતન્યાહુએ વધુમાં જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લઈને પ્રાદેશિક સહયોગ સુધીના તમામ ક્ષેત્રોમાં બંને દેશોની ભાગીદારી સતત મજબૂત બની રહી છે.
આ પણ વાંચોઃ દિલ્હીઃ લશ્કરના મોડ્યુલની તપાસમાં ચોંકાવનારો ખુલાસો, બાંગ્લાદેશમાં બેઠો હતો આકા

