નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: ભારતમાં ઉત્પાદન વધારવા અને રોજગારીની નવી નવી તકો ઉભી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી યોજના હેઠળ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યાં છે. દરમિયાન મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ ભારતમાં મોબાઈલ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થયો છે. એટલું જ નહીં ભારતમાં બનેલા મોબાઈલ ફોન દુનિયાના વિવિધ દેશોમાં વેચાણ થઈ રહ્યાં છે. દરમિયાન દેશમાં 10 વર્ષના સમયગાળામાં મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં નોંધપા6 વધારો થયો છે. જેના પરિણામ સ્વરૂપે વર્ષ 2025માં રૂ. 5.45 લાખ કરોડના મોબાઈલ ફોનનું ઉત્પાદન થયું છે.
સંસદમાં આજે આર્થિક સર્વેક્ષણ 2025-26 રજૂ કર્યો હતો. જેમાં ભારતમાં ઉત્પાદન ક્ષમતામાં થયેલા નોંધપાત્ર વધારાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનની સફળતા મોબાઈલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સ્પષ્ટ દેખાય છે. વર્ષ 2015 માં મોબાઈલ ફોનનું ઉત્પાદન મૂલ્ય માત્ર રૂ. 18,000 કરોડ હતું. જ્યારે વર્ષ 2025 સુધીમાં આ મૂલ્ય વધીને રૂ. 5.45 લાખ કરોડ થઈ ગયું છે. માત્ર 10 વર્ષમાં ઉત્પાદનમાં 30 ગણો વધારો એ ભારતની વધતી મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનું પ્રતીક છે.
આ આર્થિક સર્વે આગામી બજેટ માટે પાયાનું કામ કરશે. તે માત્ર વર્તમાન આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન નથી કરતું, પરંતુ સરકારની ભાવિ નીતિઓ અને નાણાકીય વ્યવસ્થાપનની દિશા પણ નક્કી કરે છે. સરકારનું ધ્યાન હવે માળખાગત સુવિધાઓ અને આત્મનિર્ભરતા પર વધુ કેન્દ્રિત જણાય છે.
આ પણ વાંચોઃ રાજસ્થાનના ભરતપુરમાં ધુમ્મસને કારણે માર્ગ અકસ્માત, 4 લોકોના મોત

