નવી દિલ્હી, 4 માર્ચ 2026 : સીમા પારથી આતંકવાદી ગતિવિધિઓ વધારવાના પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને ભારતીય સેનાએ ફરી એકવાર ધૂળ ચટાડી છે. મંગળવારે વહેલી સવારે રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર ઘૂસણખોરી કરી રહેલા શંકાસ્પદ આતંકીઓ પર સેનાએ આકરો પ્રહાર કરી તેમને ભગાડી મૂક્યા હતા. હાલ સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સત્તાવાર માહિતી મુજબ, રાજૌરીના તુરકંડી ફોરવર્ડ એરિયામાં મંગળવારે વહેલી સવારે આશરે 4:15 વાગ્યે સરહદ પારથી કેટલાક શંકાસ્પદ શખ્સો ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા હોવાનું જવાનોના ધ્યાને આવ્યું હતું. સતર્ક જવાનોએ તુરંત જ મોરચો સંભાળીને આતંકીઓ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. ભારતીય સેનાના પ્રહારથી ગભરાઈને આતંકીઓ પાછા ભાગી ગયા હોવાની શક્યતા છે.
ઘટના બાદ તુરંત જ વિસ્તારમાં વધારાની સેનાની ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે. જંગલ વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં કોઈ આતંકી છુપાયેલો ન હોય તે સુનિશ્ચિત કરવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન જારી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ 19-20 ફેબ્રુઆરીના રોજ પણ સુંદરબની સેક્ટરમાં આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેને સેનાએ નિષ્ફળ બનાવી હથિયારોનો જથ્થો જપ્ત કર્યો હતો. ગુપ્તચર એજન્સીઓના અહેવાલ મુજબ, જૈશ-એ-મોહમ્મદના બે જૂથો જમ્મુ ડિવિઝનમાં ઘૂસવા માટે ફિરાકમાં છે, જેના પગલે કઠુઆ, પુંછ અને રાજૌરી સેક્ટરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ડ્રોન દ્વારા પણ પાયા વિહોણા પ્રયાસો: પુંછના દિગવાર વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ડ્રોન ઘુસાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય સૈનિકોએ ગોળીબાર કરીને ડ્રોનને પાછું ખદેડી દીધું હતું.

