Site icon Revoi.in

હોર્મુઝ સ્ટ્રેટ મામલે ભારતના વલણને ઈઝરાયેલે આવકાર્યું, લેબનોન પર હુમલા યથાવત

Social Share

નવી દિલ્હી, 9 એપ્રિલ 2026: મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામ (સીઝફાયર)ની જાહેરાત છતાં સ્થિતિ હજુ પણ વિસ્ફોટક બનેલી છે. આ દરમિયાન ભારત સ્થિત ઈઝરાયેલના રાજદૂત રૂવેન અઝારે આ શાંતિ પ્રક્રિયામાં પાકિસ્તાનની મધ્યસ્થી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ઈઝરાયેલ પાકિસ્તાનને એક ‘વિશ્વાસપાત્ર ખેલાડી’ તરીકે જોતું નથી. તેમજ તેમણે હોર્મુઝ સ્ટ્રેટ મામલે ભારતના વલણને આવકાર્યું છે. બીજી તરફ ઈઝરાયલ દ્વારા લેબનાન ઉપર હુમલા ચાલુ જ રાખવામાં આવ્યાં છે.

અઝારે જણાવ્યું હતું કે, “અમે પાકિસ્તાનને ભરોસાપાત્ર પક્ષ માનતા નથી. જોકે, અમેરિકાએ કયા કારણોસર પાકિસ્તાનની મધ્યસ્થી પસંદ કરી છે તે તેમના પોતાના કારણો હોઈ શકે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે અગાઉ પણ અમેરિકાએ કતાર અને તુર્કી જેવા ‘સમસ્યાગ્રસ્ત દેશો’ સાથે મળીને કામ કર્યું છે. ઈઝરાયેલ માટે સૌથી મહત્વની વાત એ છે કે પરિણામ જે પણ આવે તે ઈઝરાયેલના હિતમાં હોવું જોઈએ.

હોર્મુઝ સ્ટ્રેટ માં જહાજોની અવરજવર પર ઈરાન દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધો અંગે ભારતે લીધેલા કડક વલણની અઝારે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, “ભારત સરકારનું નિવેદન પ્રોત્સાહક છે. કોઈપણ દેશ ઈરાનની બેતુકી શરતો આગળ ઝૂકશે નહીં. દરિયાઈ માર્ગો પર અવરજવર અવિરત રહેવી જોઈએ, તે જ ભારત અને વિશ્વના હિતમાં છે.” ઈઝરાયેલના રાજદૂતે સ્પષ્ટ કર્યું કે આ વાટાઘાટો દ્વારા ઈઝરાયેલ બે મુખ્ય જોખમોનો અંત જોવા માંગે છે. પ્રથમ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અને બીજો ઈરાનની બેલેસ્ટિક મિસાઈલ ઉત્પાદન ક્ષમતા. તેમણે ચેતવણી આપી હતી કે જો ઈરાન આ બાબતે ગંભીર નહીં થાય, તો ઈઝરાયેલ ફરીથી સૈન્ય કાર્યવાહી કરતા ખચકાશે નહીં.

બીજી તરફ, લેબનોન પર ઈઝરાયેલના હુમલા યથાવત છે, જેના કારણે ઈરાને આક્ષેપ કર્યો છે કે ઈઝરાયેલ સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જોકે, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે સ્પષ્ટતા કરી છે કે યુદ્ધવિરામ માત્ર અમેરિકા-ઈરાન વચ્ચે છે, તેમાં લેબનોનનો સમાવેશ થતો નથી. ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુ બંનેનું વલણ છે કે લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ યુદ્ધના પગલે ઈરાનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર ખતરો

Exit mobile version