Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં 7 મે મતદાનના દિવસે જાહેર રજા રહેશે, સરકારનો પરિપત્ર

Social Share

અમદાવાદઃ દેશમાં લોકસભા 2024ની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પહેલા ચરણનું મતદાન 19 એપ્રિલના દિવસે થવાનું છે. આ વખતે પણ લોકસભા 2024ની ચૂંટણીનું સાત તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાતમાં ગુજરાતની 26 લોકસભા બેઠક અને વિધાનસભાની 5 બેઠક પર પેટાચૂંટણીનું મતદાન 7 મેએ ત્રીજા તબક્કામાં રોજ એક જ દિવસે થશે. ગુજરાત સરકારે 7 મેના લોકસભા 2024ની ચૂંટણી મતદાનને લઈને રજા જાહેર કરી છે. આ રજા પેઇડ રજા રહેશે. લોકપ્રતિનિધિ અધિનિયમ, 1951ની 135(B)(1)ના આદેશથી સરકારે પરિપત્ર જાહેર કર્યો છે.

રાજ્યની અંદર આવેલી ફેક્ટરીઓ, કોમર્શિયલ સેક્ટર, બેન્કિંગ અને અન્ય ઘણાં ક્ષેત્રોમાં કામ કરતા લોકોને પેઇડ હોલીડે લાગુ પડશે. નોટિફિકેશન મુજબ, પેઇડ હોલીડેનો લાભ લોકસભા મતવિસ્તારમાં નોંધાયેલા મતદારોને મળશે, પછી ભલે તેઓ લોકસભા મતવિસ્તારની બહાર કામ કરતા હોય. લોકસભાની 26 બેઠક ઉપરાંત ગુજરાત વિધાનસભાની 26-વિજાપુર, 108-ખંભાત, 136-વાઘોડિયા, 85-માણાવદર અને 83-પોરબંદર એમ પાંચ વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીનું મતદાન પણ 7 મેના રોજ છે. આ દિવસે સરકારે પેઇડ હોલીડે જાહેર કર્યો છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની બેઠકો ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી રહ્યાં છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી કરી લેવામાં આવી છે, તેમજ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપાએ રાજ્યની તમામ 26 બેઠકો ઉપર જીતનો દાવો કર્યો છે.