Site icon Revoi.in

સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણીમાંથી સરદાર પટેલ ગાયબ, કોંગ્રેસે ઉઠાવ્યા પ્રશ્નો

Sardar Patel missing from Somnath Amrit Mahotsav celebrations, Congress raises questions

Sardar Patel missing from Somnath Amrit Mahotsav celebrations, Congress raises questions

Social Share

અમદાવાદ, 12 મે, 2026 – સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણીમાંથી સરદાર પટેલની તસવીરો ગાયબ હોવા અંગે વિપક્ષ કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા છે અને ભાજપ સરકારના આ વલણને વખોડી કાઢ્યું છે. આ અંગે આજે રાજીવ ગાંધી ભવન ખાતે સંયુક્ત પ્રેસવાર્તાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સિનિયર પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ, મીડિયા કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસના મુદ્દે સંબોધન કર્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી હિમાંશુભાઈ પટેલે જણાવ્યું હતું “સોમનાથ એ અડગ આસ્થા, સામૂહિક ચેતના અને બલિદાનની જીવનગાથા છે.” દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સોમનાથ આવીને ગયા, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ ઉજવણીમાં લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ખરેખર યાદ કરવામાં આવ્યા છે?

આ પણ વાંચોઃ ICMR એ ત્રણ સ્વદેશી મેડિકલ ટેકનોલોજી ઉદ્યોગ જગતને સોંપી

સામાન્ય જાહેરાતમાં ક્યાંય સરદાર પટેલ નથી. સોમનાથમાં અમૃત મહોત્સવ થતો હોય અને એમાં સરદાર પટેલનો ફોટો ના હોય? ભાજપના રાજકીય આગેવાનો કે ત્યાંના સ્થાનિક આગેવાનોના ફોટા ના મૂકે એ એમની આંતરિક બાબત છે, પણ આખો દેશ જેને પ્રેમ કરતો હોય, જેને આ સોમનાથ મંદિરની બહાર ઊભા રહી જીર્ણોદ્ધારની પ્રતિજ્ઞા લીધી હોય અને તે મંદિરના આજે ૭૫ વર્ષના મહોત્સવમાં સરદાર સાહેબનો ફોટો ના મુકાય ત્યારે તે વાત મીડિયા સમક્ષ મૂકવાનું ખૂબ જરૂરી લાગ્યું છે.

સરદાર પટેલ કોઈ પ્રતિમાના કે ફોટાના મોહતાજ નહોતા. સરદાર સાહેબની પ્રતિભા જ વિશાળ હતી અને રહેશે. આજે એ જ સરદાર પટેલ સાહેબ પોસ્ટરોમાં પણ જોવા નથી મળી રહ્યા તે ખૂબ દુખદ અને ગુજરાત તેમજ દેશ માટે શરમજનક.

જે લોકોએ સરદારના નામે રાજકારણ કર્યું, એ જ લોકોએ અમદાવાદના સરદાર પટેલના સ્ટેડિયમનું નામ પણ બદલી ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરી નાખ્યું છે. 14 પાટીદારોને ગોળીઓ મારી, નોકરી આપવાનું વચન આપ્યું હતું હજી આપી નહીં, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ જ ભાજપવાળાઓએ કાળા વાવટા ફરકાવી સરદારના નામકરણનો વિરોધ કર્યો હતો. શું તે સરદાર સાહેબનું સન્માન કહેવાય?

આ પણ વાંચોઃ ગુજરાતભરમાં અંગારા વરસાવતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા

સરદાર સંકુલ જે ગાંધીનગર વિધાનસભા કહેવાય એની ફરતો એરિયા, એને ‘સ્વર્ણિમ સંકુલ’ કરી નાખ્યું,  શું તે સરદાર સાહેબનું સન્માન કહેવાય? શાહીબાગનું સરદાર પટેલનું રાષ્ટ્રીય સ્મારક છે તે સ્મારકની ગ્રાન્ટ બંધ કરી દીધી,  અને મેન્ટેનન્સ પણ બંધ કરી દીધું એને શું સરદાર સાહેબનું સન્માન આપ્યું કહેવાય? ચૂંટણીઓમાં સતત રાજકીય લાભ ખાંટવા સરદાર પટેલ સાહેબનું નામ લેનારાને કહેવું છે અમને સરદાર પટેલ સાહેબનું ગૌરવ છે.

કોંગ્રેસ પક્ષના ૨૫ વર્ષ સુધી પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ કરનારા સરદાર પટેલ સાહેબ હતા. અમારા પૂર્વજ હતા, અમારા વડીલ હતા, અમારો ઇતિહાસ હતા. ઇરાદાપૂર્વક ભારત દેશના સરદાર પટેલ કે બીજા મહાન નેતાઓને ઇતિહાસમાંથી ગાયબ કરવાની વર્તમાન શાસકોની એક મેલી મુરાદ હોય એવું આમાં સ્પષ્ટ દેખાય છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર શ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું કે સોમનાથના જીર્ણોદ્ધારથી લઈને સોમનાથના મંદિરની જે આગવી પ્રતિભા અત્યારે છે, એના માટે થઈને આઝાદી પછી ઘણા બધાના યોગદાનો છે. સરદાર વલ્લભભાઈ પટેલથી લઈને અમે તો ભારતીય જનતા પાર્ટીના કેશુભાઈ પટેલને પણ એ જ મહત્વ આપીએ છીએ. પરંતુ આ બધાને ભૂલીને માત્ર પોતાનો ચહેરો… કદાચ આ બધાના ફોટા ના મૂક્યા હોત, પોતાનો ફોટો ના મૂક્યો હોત અને દેવાધિદેવ મહાદેવ શંકર ભગવાનનું શિવલિંગના દર્શન ન્યુઝપેપરની જાહેરાતોમાં કરવામાં આવ્યા હોત, તો ઘેર બેઠા લોકોને પણ એના દર્શન થાત.

આ પણ વાંચોઃ ગુજરાતમાં નાગરિકો 17મીથી સ્વ-ગણતરી દ્વારા જનગણનામાં ભાગ લઈ શકશે

‘સોમનાથનો ઇતિહાસ અને પુરાણ’, એલિયટ ટોડનનું ‘હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એઝ ટોલ્ડ બાય ઈટ્સ ઓન હિસ્ટોરિયન્સ’ જેવા ગ્રંથોની અંદર લખેલું છે કે હજારો બ્રાહ્મણો એ શિવલિંગની આજુબાજુ વીંટળાઈ ગયા હતા અને એમને જ્યારે મારી નાખવામાં આવ્યા હતા ત્યારે એમની જનોઈનો ઢગલો છે એ મણ જેટલો જનોઈનો ઢગલો થયો હતો. આ બધા જ યોગદાનને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ જાહેરાતોમાં પણ ભૂલી ગઈ છે અને વડાપ્રધાન શ્રી જે છે એ આ દરેકે દરેક યોગદાનને પોતાના ભાષણમાં પણ ભૂલી ગયા છે. આગળના દિવસોની અંદર વડાપ્રધાનશ્રી માત્ર પોતાના ફોટા સાથે ગુણગાન ગાવાના બદલે સમગ્ર સમાજનું ગુણગાન ગાય, તો જ સોમનાથ દાદાની સાચી ભક્તિ થયેલી કહેવાશે.”

વિરાસતના બલિદાનોને, વિરાસતના યોગદાનોને તમે ભૂલી જશો તો કોઈપણ સંજોગોમાં સાંખી નહીં લઈએ. આ ગુજરાતની સંસ્કૃતિનું અપમાન છે, કાઠિયાવાડની સંસ્કૃતિનું અપમાન છે, સોરઠની ભૂમિનું અપમાન છે અને સૌરાષ્ટ્રની ખમીરવંતી જનતાનું અપમાન છે. જેને સુરાપુરા દાદા કહી શકાય તેવા મહાનુભાવો, આધ્ય પુરુષો, મહાપુરુષો, બલિદાની લોકોને પ્રસિદ્ધિ ભૂખ્યા નેતાઓ ભૂલી ગયા છે, પોસ્ટરમાં પોતાની પ્રસિદ્ધિ લેવા માટે સત્તા લાલચુ લોકો દ્વારા બલિદાનોને અને યોગદાનોને ભુલાવાનાં કૃત્યો થયા છે, તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ.

Exit mobile version