Site icon Revoi.in

સશક્ત ભાજપ… અશક્ત કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છ કોર્પોરેશનની ચૂંટણીના આજે પરિણામ જાહેર થયાં હતા. જેમાં ફરી એકવાર ભાજપે સત્તા હાંસલ કરી છે. 500 બેઠકોના લક્ષ્યાંક સામે ભાજપની 485 જેટલી બેઠકો ઉપર જીત થઈ હોવાનું જાણવા મળે છે. જ્યારે કોંગ્રેસની 44 જેટલી બેઠકો ઉપર જીત થઈ હતી. જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટીના 27, જામનગરમાં બીએસપીના 3 અને અમદાવાદમાં AIMIMના ચાર ઉમેદવારોની જીત થઈ છે. છ કોર્પોરેશનમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાતા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ખુશી ફેલાઈ છે. તેમજ ઠેર-ઠેર ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં 120 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની 93 અને આમ આદમી પાર્ટીની 37 બેઠકો ઉપર જીત થઈ હતી. જ્યારે કોંગ્રેસ ખાલુ પણ ખોલાવી શકી ન હતી. અહીં વર્ષ 2015માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો 79 અને કોંગ્રેસનો 36 બેઠકો ઉપર વિજય થયો હતો. ત્યારે આ ચૂંટણીમાં સુરતના મતદારોએ કોંગ્રેસને જાકારો આપ્યો હોવાનું જાણવા મળે છે. આવી જ રીતે રાજકોટમાં 72 બેઠકોના પરિણામ જાહેર થયાં હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં ભાજપનો 68 બેઠકો ઉપર ભવ્ય વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસનો માત્ર ચાર બેઠકો ઉપર જીત થઈ હતી. આમ ગત ચુંટણીની સરખામણીમાં કોંગ્રેસે 30 બેઠકો ગુમાવી છે. વર્ષ 2015માં યોજાયેલી ચૂંટણીમાં રાજકોટમાં ભાજપે 38 અને કોંગ્રેસે 34 બેઠકો ઉપર જીત મેળવી હતી.

વડોદરામાં 76 બેઠકો પૈકી 69 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી. જ્યારે કોંગ્રેસ ડબલ ડિજીટમાં પણ પહોંચી શકી ન હતી. કોંગ્રેસનો માત્ર 7 બેઠકો ઉપર વિજય થયો હતો. વર્ષ 2015માં યોજાયેલી ચૂંટણીમાં વડોદરામાં ભાજપે 57, કોંગ્રેસે 14 અને અન્યએ 4 બેઠકો ઉપર જીત મેળવી હતી. આમ આ ચૂંટણીમાં ભાજપને ફાયદો થયો હતો. જ્યારે કોંગ્રેસ મતદારોને ફરીથી આકર્ષવામાં નિષ્ફળ રહી હતી. જામનગરમાં 64 બેઠકો પૈકી 50 ઉપર ભાજપનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસ 11 બેઠકો ઉપર જીતી હતી. જ્યારે બહુજન સમાજ પાર્ટીના 3 ઉમેદવારોની જીત થઈ હતી. વર્ષ 2015માં જામનગરમાં ભાજપનો 38, કોંગ્રેસનો 24 અને અન્યનો 2 બેઠકો ઉપર વિજય થયો હતો. આવી જ રીતે ભાવનગરમાં પણ 52 બેઠકો પૈકી 44 બેઠકો ઉપર ભાજપનું કમળ ખીલ્યું હતું. જ્યારે કોંગ્રેસનો 8 બેઠકો ઉપર વિજય થયો હતો. વર્ષ 2015માં યોજાયેલી ચૂંટણીમાં ભાવનગરમાં ભાજપના 34 અને કોંગ્રેસના 18 ઉમેદવારોનો વિજય થયો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી એકવાર ભાજપનો ભગલો લહેરાયો હતો. 48 વોર્ડની 192 બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો 161 બેઠકો ઉપર ભાજપનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસનો 14 અને અન્યનો 9 બેઠકો ઉપર વિજય થયો હતો. આ ચૂંટણીમાં AIMIMએ મુસ્લિમ બહુમતી ધરાવતા જમાલપુરમાં બેઠકો ઉપર જીત મેળવી હોવાનું જાણવા મળે છે. જો વર્ષ 2015ની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ભાજપનો 142 બેઠકો ઉપર વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસનો 49 અને અન્યનો એક બેઠક ઉપર વિજય થયો હતો. આમ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. જ્યારે કોંગ્રેસને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે.