નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2026: ભારતમાં મહિલાઓની સુરક્ષા, કરિયર ગ્રોથ અને રહેવાની આઝાદીના મામલે કયા શહેરો શ્રેષ્ઠ છે, તેને લઈને એક નવો રિપોર્ટ ‘ટોપ સિટીઝ ફોર વુમન ઇન ઇન્ડિયા’ (TCWI) જાહેર થયો છે. વર્કપ્લેસ કલ્ચર કન્સલ્ટિંગ ફર્મ ‘અવતાર ગ્રુપ’ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ચોથા એડિશન મુજબ, દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોને પાછળ છોડીને દક્ષિણ ભારતના શહેરોએ બાજી મારી છે. આ લિસ્ટમાં બેંગલુરુ મહિલાઓ માટે ભારતનું સૌથી સુરક્ષિત અને સાનુકૂળ શહેર સાબિત થયું છે.
રિપોર્ટ અનુસાર, બેંગલુરુ 53.29 ના ‘સિટી ઇન્ક્લુઝન સ્કોર’ સાથે પ્રથમ ક્રમે છે. અહીં મહિલાઓને માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ કરિયરની ઉત્તમ તકો અને વર્ક-લાઇફ બેલેન્સ પણ મળી રહે છે. બીજા ક્રમે રહેલા ચેન્નાઈએ પબ્લિક ટ્રાન્સપોર્ટ, હેલ્થ અને એજ્યુકેશન જેવા સામાજિક માપદંડો પર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
- ટોપ-5 શહેરોની યાદી
બેંગલુરુ: કરિયર અને સુરક્ષામાં સર્વોપરી.
ચેન્નાઈ: જાહેર સેવાઓ અને સુરક્ષિત વાતાવરણ.
પુણે: રોજગાર અને રહેવા માટેની સુવિધા.
હૈદરાબાદ: વર્કપ્લેસ રિપ્રેઝન્ટેશનમાં શ્રેષ્ઠ.
મુંબઈ: આર્થિક તકો ઘણી છે, પરંતુ મોંઘા જીવનધોરણને લીધે પાંચમા ક્રમે.
- અમદાવાદ અને ગુરુગ્રામનો પણ સમાવેશ
નેશનલ કેપિટલ રીજન (NCR) માંથી માત્ર ગુરુગ્રામ ટોપ-10 માં સ્થાન મેળવી શક્યું છે, જે છઠ્ઠા ક્રમે છે. આશ્ચર્યજનક રીતે દેશની રાજધાની દિલ્હી ટોપ પોઝિશન મેળવવામાં નિષ્ફળ રહી છે. બીજી તરફ, ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ આ લિસ્ટમાં આઠમા ક્રમે રહ્યું છે. અમદાવાદમાં મહિલાઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ અને ઇન્ડસ્ટ્રિયલ સપોર્ટ મજબૂત હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. આ સિવાય કોલકાતા સાતમા અને કોયંબતૂર દસમા સ્થાને છે.
આ રિપોર્ટમાં ભારતના 125 શહેરોનો સર્વે કરવામાં આવ્યો હતો. રેન્કિંગ માટે બે મુખ્ય પાસાં ધ્યાને લેવાય છે. સોશિયલ ઇન્ક્લુઝન સ્કોર એટલે કે સુરક્ષા, રહેવાની સુગમતા, સ્વાસ્થ્ય અને મહિલા સશક્તિકરણ તથા ઇન્ડસ્ટ્રિયલ ઇન્ક્લુઝન સ્કોર એટલે કે મહિલાઓ માટે નોકરીની તકો, મહિલા-અનુકૂળ કંપનીઓ અને કરિયર સપોર્ટ. કોયંબતૂર જેવા શહેરોમાં ‘સ્ટ્રીટ લાઈટ ઓડિટ’ જેવા પગલાં લેવાયા છે, જેથી મોડી રાત્રે કામ કરતી મહિલાઓ સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે.

