Site icon Revoi.in

આ જીત ભાજપની કામગીરી અને પક્ષના ટીમવર્કનું પરિણામ છેઃ ભૂપેન્દ્રભાઈ પટેલ

his victory is the result of BJP's work and party's teamwork: Bhupendrabhai Patel
Social Share

ગાંધીનગર, 28 એપ્રિલ, 2026 – આ જીત ભાજપ સરકારની કામગીરી અને પક્ષના ટીમવર્કનું પરિણામ છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અહીં કહ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષની જીત બાદ સાંજે શ્રીકમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રીએ પ્રજાનો આભાર માન્યો હતો. આ પત્રકાર પરિષદને મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ભાજપના રાજ્યના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત હતા.

મુખ્યમંત્રીએ પક્ષની આ જીત અંગે આનંદ વ્યક્ત કરતા તેને રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરી ઉપરાંત પક્ષના ટીમવર્કને શ્રેય આપ્યો હતો. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની વિકાસની રાજનીતિને ગુજરાતમાં પણ આગળ વધારવામાં આવી રહી છે. તેને પરિણામે સમાજના દરેક વર્ગને લાભ થાય છે અને નાગરિકો નિરંતર ભાજપ ઉપર વિશ્વાસ મૂકે છે.

પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈએ પણ રાજ્ય સરકારની કામગીરી તેમજ પક્ષના કાર્યકરોની મહેનતને શ્રેય આપ્યું હતું. તેમણે પણ રાજ્યના નાગરિકોનો આભાર માનતા ઉમેર્યું હતું કે, પક્ષ પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ કરવા સતત કાર્યશીલ રહેશે.

અમિતભાઈ શાહે આભાર માન્યો

દરમિયાન, ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે સમગ્ર ગુજરાત અને ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાને મળેલા ભવ્ય વિજય બદલ રાજ્યના તેમજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સર્વે નાગરિકોનો હદયથી આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ અમદાવાદ મહાનગરપાલિકા ઉપરાંત કલોલ, સાણંદ અને બાવળા તાલુકા પંચાયત, કલોલ નગરપાલિકા તેમજ અમદાવાદ અને ગાંધીનગર જીલ્લા પંચાયત તમામમાં ભાજપાની પ્રચંડ જીત થઈ છે. તે બદલ શ્રી શાહે વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવી સહુ કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમ ને પણ બિરદાવ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં અમદાવાદ સહિત 15 મહાનગરપાલિકામાં ભાજપનો વિજય, કોંગ્રેસના સુપડાં સાફ

શ્રી શાહે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત સમગ્ર ભાજપા સંગઠનના હોદેદારો, દેવ દુર્લભ કાર્યકર્તાઓને અભિનંદન આપતા કહ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની “દેશ પ્રથમ” ના ભાવ અને વિકાસની રાજનીતિની આ જીત છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકારની શાંત, સુરક્ષિત અને સમૃદ્ધ ગુજરાતની વિભાવના અને જનકલ્યાણકારી નીતિને મળેલ મજબૂત જનસમર્થન છે. તેઓએ આ વિજયનો શ્રેય તમામ શ્રેણીના કાર્યકર્તાઓને આપતા કહ્યું કે કાર્યકરોએ આકરા તાપમાં કરેલ અથાગ મહેનત અને પ્રચંડ પુરુષાર્થનું આ પરિણામ છે.

શ્રી શાહે વિજયી બનેલા ભાજપના સૌ ઉમેદવારોને અભિનંદન પાઠવતા ઉમેર્યું કે જીતની સાથે સૌની જવાબદારી પણ વધી છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાગરિકોના કલ્યાણ અને સુખાકારી માટે આદરેલા આ યજ્ઞમાં હંમેશા નાગરિકો પ્રત્યે પ્રતિબદ્ધતા અને જવાબદેહી સાથે સેવારત રહેવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજેતા થયેલા ભાજપા ઉમેદવારોને હિમાયત પણ કરી હતી.

Exit mobile version