HomeAgency Newsગૃહમંત્રી અમિત શાહે કયા આધારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પશ્ચિમ બંગાળમાં ભાજપ...

ગૃહમંત્રી અમિત શાહે કયા આધારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવશે?

કોલકાતા, 24 એપ્રિલ, 2026 – ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપ આ વખતે નિશ્ચિતરૂપે સરકાર બનાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી આજે શુક્રવારે કોલકાતામાં પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. રાજ્યમાં ગઈકાલે ગુરુવારે યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનને આધારે આ દાવો કરી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ અમિત શાહનો મોટો દાવો

પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કામાં થયેલા ભારે મતદાન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટો દાવો કર્યો છે. શુક્રવારે કોલકાતામાં આયોજિત પત્રકાર પરિષદમાં અમિત શાહે કહ્યું કે, “પ્રથમ તબક્કાના મતદાનનો અમારી પાસે જે પ્રતિસાદ આવ્યો છે, તેનાથી સ્પષ્ટ છે કે દીદી જવાના છે અને ભાજપની જીત નિશ્ચિત છે. બંગાળની જનતાએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે” તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રથમ તબક્કાની 152 માંથી 110 બેઠકો ભાજપ જીતવા જઈ રહી છે

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, “બંગાળની જનતાએ પહેલા તબક્કામાં જ પોતાનું ભવિષ્ય નક્કી કરી લીધું છે. કવિગુરુ ટાગોર, મહાન સુભાષ ચંદ્ર બોઝ અને ખુદીરામ બોઝની ભૂમિએ વિકાસને પસંદ કર્યો છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જે વિકાસ યાત્રા ચાલી રહી છે તેમાં બંગાળ પણ જોડાવાનું છે, તે મતદારોએ સ્પષ્ટ કરી દીધું છે. દીદી જવાના છે, ભાજપ આવવાનો છે. ભય જવાનો છે, ભરોસો આવવાનો છે… 152 માંથી 110 થી વધુ બેઠકો ભાજપ જીતવા જઈ રહી છે, જેનો અર્થ છે કે બીજા તબક્કાની ચૂંટણી પછી અમે પ્રચંડ બહુમતી સાથે સ્પષ્ટ રીતે ભાજપ સરકાર બનાવવાના છીએ.”

આ પણ વાંચોઃ વિધાનસભા ચૂંટણીઃ પશ્ચિમ બંગાળમાં 90 ટકા અને તમિલનાડુમાં 84 ટકાથી વધુ જંગી મતદાન

હિંસામુક્ત ચૂંટણી માટે અમિત શાહે પંચને અભિનંદન આપ્યા

પત્રકાર પરિષદના પ્રારંભે જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે બંગાળની શાંતિપૂર્ણ અને હિંસામુક્ત ચૂંટણી માટે ચૂંટણી પંચ, મતદાન કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું, “પશ્ચિમ બંગાળની જનતાએ અભૂતપૂર્વ ઉત્સાહ અને જોશ સાથે પરિવર્તન માટે મતદાન કર્યું છે. હું ચૂંટણી પંચ, CAPF અને બંગાળ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું કારણ કે ઘણા લાંબા સમય પછી બંગાળની ચૂંટણીમાં હિંસાને કારણે એક પણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી એવી ચૂંટણી થઈ છે.”

બંગાળ ચૂંટણી હિંસાના આંકડા પણ ગણાવ્યા

હિંસામુક્ત ચૂંટણી અંગે અમિત શાહે આંકડા રજૂ કરતા કહ્યું કે, “2016ની ચૂંટણીમાં 1278 લોકો ઘાયલ થયા હતા, 2021માં 1681, 2023ની પંચાયત ચૂંટણીમાં 664 અને 2024ની સામાન્ય ચૂંટણીમાં 761 નાગરિકો હિંસામાં ઘવાયા હતા. તેની સરખામણીમાં ગઈકાલે 30થી ઓછા લોકો ઘાયલ થયા છે. આ દર્શાવે છે કે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ અને મૃત્યુનો આંકડો એક પણ નથી. આ જે મતદાન વધ્યું છે તે ભાજપ સરકાર બનાવવાનો અને પરિવર્તનનો સંકેત છે.”

‘બંગાળના આગામી CM બંગાળી જ હશે’

અમિત શાહે આગળ કહ્યું, “બંગાળના વર્તમાન મુખ્યમંત્રી એવી અફવા ફેલાવી રહ્યા છે કે જો બંગાળમાં ભાજપ આવશે તો બહારના લોકો શાસન કરશે, હું દીદીને કહેવા માંગુ છું કે બંગાળના આગામી મુખ્યમંત્રી બંગાળમાં જન્મેલા, બંગાળી માધ્યમમાં ભણેલા અને બંગાળી ભાષી જ હશે. તે તમારો ભત્રીજો નહીં પણ ભાજપનો કાર્યકર્તા હશે.”

કોલકાતામાં આજે યોજાયેલી કેન્દ્રીય ગૃહમંત્રીની સમગ્ર પત્રકાર પરિષદનો વીડિયો જુઓ અહીં…

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular