અમદાવાદ, 2 ફેબ્રુઆરી, 2026 – Jan Aakrosh Yatra ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર વિરુદ્ધ જનઆક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાનો આજે બીજી ફેબ્રુઆરીને સોમવારથી પ્રારંભ થયો હતો. ત્રીજા ચરણની આ યાત્રામાં દક્ષિણ ગુજરાતના જિલ્લા અને ગામોને આવરી લેવામાં આવશે.
જન આક્રોશ યાત્રા દરમિયાન કપરાડા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ રાજ્યની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતમાં હવે કમિશન વિના કોઈ કામ થતાં નથી.
શું કહ્યું અમિતભાઈ ચાવડાએ? (જુઓ વીડિયો)
ગુજરાત કોંગ્રેસ દ્વારા આ અગાઉ પ્રથમ ચરણમાં ઉત્તર ગુજરાત, દ્વિતીય ચરણમાં મધ્ય ગુજરાતના કુલ 14 જીલ્લા આવરીને 72 જાહેર સભા, 350 જેટલા સ્થાનિક સ્વાગત પોઈન્ટ, શહેરોમાં યુવા સાથીઓ સાથે બાઈક રેલી થકી કુલ 2700 કી.મી.ના પ્રવાસ બાદ ‘જન આક્રોશ યાત્રા – પરિવર્તનનો શંખનાદ’ના ત્રીજા ચરણની શરૂઆત કરવામાં આવી છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, ગુજરાત સંગઠન સહ પ્રભારી શ્રીનિવાસ બી.વી., રાષ્ટ્રીય આદિવાસી કોંગ્રેસના ચેરમેન ડો. વિક્રાંત ભુરીયા, ધારાસભ્ય અનંતભાઈ પટેલ, તથા વરિષ્ઠ આગેવાનો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘જન આક્રોશ યાત્રા’-પરિવર્તનનો શંખનાદ- દક્ષિણ ગુજરાતમાં વલસાડ – કપરાડાથી શરૂ કરવામાં આવી છે.
૧૧૦૦ કી.મી.ની ત્રીજા ચરણની યાત્રા દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લાઓના વિવિધ ગામો અને શહેરોને આવરી લેશે. સમગ્ર યાત્રા દરમિયાન વિવિધ જન સંવાદ કાર્યક્રમો, યુવા બાઈક રેલી, જાહેર સભાઓ અને સ્વાગત પોઇન્ટ દ્વારા દક્ષિણ ગુજરાતની જનતાના મુખ્ય પ્રશ્નો, મુશ્કેલીઓ અને આક્રોશને મજબૂત રીતે વાચા આપવામાં આવશે.
જનઆક્રોશ યાત્રા બીજા દિવસે ક્યાં ક્યાં પહોંચશે?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ દક્ષિણ ગુજરાતની જનતાના ગંભીર પ્રશ્નો ઉજાગર કરતા જણાવ્યું હતું કે આજે દક્ષિણ ગુજરાત અનેક મોરચે સંકટમાં ફસાયેલું છે. સુરત, ભરૂચ, વલસાડ અને તાપી જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ થવાના કારણે રોજગાર સંકટ ઘેરું બન્યું છે અને હજારો શ્રમિકો તથા યુવાનો બેરોજગાર બન્યા છે. ખાસ કરીને સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે કામદારોની છટણી, પગારમાં કપાત અને રોજગારની અનિશ્ચિતતાએ હજારો પરિવારોના જીવન પર સીધી અસર કરી છે.
વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે “આદિવાસી સમાજની જમીન અને જંગલ અધિકારના પ્રશ્નો હજુ પણ અધૂરા છે. ફોરેસ્ટ રાઈટ એક્ટ હેઠળના હક્કો ન મળવા, જમીન કબજા અને પુનર્વસન તથા વળતર સંબંધિત પ્રશ્નો અંગે સરકાર મૌન છે. આદિવાસી વિસ્તારમાં રહેતા સમાજના અસલ નિવાસીઓને પણ પ્રમાણપત્રો મેળવવામાં અડચણ થઇ રહી છે. ભરૂચ અને અંકલેશ્વર જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં વધતા હવા અને પાણીના પ્રદૂષણથી લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે અને કેન્સર તથા શ્વાસરોગ જેવા રોગોમાં વધારો થઈ રહ્યો છે.”

