Site icon Revoi.in

ભારતકૂલ-2: સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફ અને શિક્ષણ થકી રાષ્ટ્રનિર્માણ વિષયો પર જ્ઞાનવર્ધક સત્ર યોજાયાં

Bharatkool -2
Social Share

(અલકેશ પટેલ) અમદાવાદ, 14 ડિસેમ્બર, 2025 Bharatcool-2 ભારતકૂલ અધ્યાય-2ના દિવસે અર્થાત 13 ડિસેમ્બરને શનિવારે સમગ્ર કાર્યક્રમના બે સૌથી મહત્ત્વના વિષય ઉપર સત્ર યોજાયાં હતાં. આ વિષય હતા- સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફ અને શિક્ષણ થકી રાષ્ટ્રનિર્માણ. સ્વાધીનતા વિષય ઉપર ભાનુભાઈ ચૌહાણે તથા શિક્ષણ અને રાષ્ટ્રનિર્માણના વિષય ઉપર સર્વશ્રી પ્રદીપ મલ્લિક, શિરીષ કાશીકર તથા સોનલબેન પંડ્યાએ વિચારો રજૂ કર્યા હતા.

સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફ વિષય ઉપર બોલતાં સાધના સામયિકના તંત્રી ભાનુભાઈ ચૌહાણે ત્રણ બાબતોનો મહિમા સમજાવ્યો હતો- સ્વધર્મ, સ્વરાજ અને સ્વદેશી. ધર્મના મર્મને વિસ્તારથી સમજાવતાં શ્રી ભાનુભાઈએ રિલિજિયન અને સંપ્રદાય જેવા શબ્દો કરતાં ધર્મ શબ્દ કેવી રીતે અને શા માટે અલગ તે બાબત ઉદાહરણો સાથે સમજાવી હતી.

સ્વરાજની વિભાવના તો આપણે ત્યાં પ્રાચીન કાળથી છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે, અર્થશાસ્ત્ર અને કરવેરા વિશે પણ આપણા ઋષિમૂનીઓ વિસ્તારથી વર્ણન કરી ચૂકેલા છે. આ બધું જ આપણી પાસે હોવા છતાં ગુલામીના કાળ પછી 1947 બાદ પણ 70 વર્ષ સુધી સાચા સ્વરાજની દિશામાં ન તો કોઈએ વિચાર્યું કે ન તો કોઈ કામ થયું.

અંગ્રેજોએ શરૂ કરેલી દંડસંહિતા છેક હજુ હમણાં ન્યાયસંહિતા બની તેમ જણાવી તેમણે કહ્યું હતું કે, સ્વધર્મ, સ્વરાજ અને સ્વદેશીની દિશામાં આગળ વધવું હોય તો સૌથી પહેલાં ભાષાની એકસૂત્રતા હોવી જોઈએ. આ બાબતે ઈઝરાયેલનું ઉદાહરણ આપી તેમણે કહ્યું હતું કે, 1948માં પોતાનો દેશ પરત મળ્યા પછી યહૂદીઓએ સૌથી પહેલું કામ તેમની હિબ્રુ ભાષાને જીવંત કરવાનું કર્યું હતું.

ત્યારપછી યોજાયેલા “શિક્ષણ થકી રાષ્ટ્રનિર્માણ” સત્રમાં પત્રકારત્વ ક્ષેત્રના ત્રણ દિગ્ગજ – ડૉ. પ્રદીપ મલ્લિક, ડૉ. શિરીષ કાશીકર તથા ડૉ. સોનલ પંડ્યાએ રાષ્ટ્રનિર્માણમાં શિક્ષણ અને શિક્ષક કેવી રીતે ફાળો આપી શકે તેની વિશદ ચર્ચા કરી હતી.

સત્રના મોડરેટર તરીકે PDEUના પત્રકારત્વ વિભાગના વ્યાખ્યાતા શ્રી પ્રદીપ મલ્લિકે પૂર્વભૂમિકા બાંધી હતી. તેમણે કહ્યું હતું કે, શિક્ષણ જ વાસ્તવમાં દેશનો વિકાસ સુનિશ્ચિત કરે છે. શિક્ષણમાં એક વર્ષનું રોકાણ કરવામાં આવે તો સરેરાશ 8થી 9 ટકા વળતર મળતું હોય છે તેમ તેમણે શિક્ષણ અને રાષ્ટ્રનિર્માણના મહત્ત્વને સમજાવતા કહ્યું હતું. જોકે તેમણે ઉમેર્યું કે, શિક્ષણ વ્યવસ્થા ઉપરાંત સમાજની પોતાની પણ રાષ્ટ્રનિર્માણમાં એટલી જ જવાબદારી છે. માત્ર સરકાર કે તંત્ર બધે પહોંચી વળી ન શકે અને તેથી સમાજે પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ. ડૉ. મલ્લિકે જણાવ્યું કે શિક્ષણનું સ્તર વધે તો તેનો સર્વગ્રાહી લાભ દેશના અર્થતંત્રને પણ થાય છે. આ સંદર્ભમાં તેમણે સ્વતંત્રતા સમયે શિક્ષણની ટકાવારી અને હાલની ટકાવારીના તફાવત અને તેની સાથે જીડીપીમાં થયેલી વૃદ્ધિને ઉદાહરણ તરીકે ટાંકી હતી.

ચર્ચામાં ભાગ લેતા પત્રકારત્વની કૉલેજ NIMCJના નિયામક શ્રી શિરીષ કાશીકરે કહ્યું હતું કે, પ્રાચીનકાળમાં આપણી પાસે જે કંઈ હતું તે સદીઓની ગુલામી દરમિયાન દબાયેલું રહ્યું. આપણી જ્ઞાન પરંપરાનો એક લાંબો ઇતિહાસ હતો જે જળવાઈ રહ્યો હોત તો આપણી ગણના હાલ વિકાસશીલ દેશોને બદલે વિકસિત દેશોમાં થતી હોત.

તો ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા સોનલબેન પંડ્યાએ પણ શિક્ષણ અને રાષ્ટ્રનિર્માણના સંદર્ભમાં ઘણી મહત્ત્વની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, દેશનું અસ્તિત્વ હોય છે પરંતુ રાષ્ટ્રનું નિર્માણ કરવું પડતું હોય છે. વિકાસની આજુબાજુ માણસ એકત્રિત થાય તેને બદલે માણસ હોય ત્યાં વિકાસ થાય એ જરૂરી છે તેમ જણાવી તેમણે શહેરીકરણને બદલે ગ્રામ્ય જનજીવન સુધી સુખ-સુવિધાઓ પહોંચે તેવી હિમાયત કરી હતી.

બનાસકાંઠામાં સુખનું વાવેતર થઈ રહ્યું છેઃ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા પ્રેરણાદાયક સંવાદ

Exit mobile version