નવી દિલ્હી, 4 માર્ચ, 2026 – Holi – Dhuleti હોળી શબ્દ સાથે સ્વાભાવિક રીતે ભારત જોડાયેલું છે. એક સમયનું હિન્દુ રાષ્ટ્ર નેપાળ પણ હોળી શબ્દ સાથે યાદ આવે. પરંતુ બે વર્ષ પહેલાં થયેલા એક ઑનલાઈન સર્વેએ માત્ર ભારત અને ભારતીયોને જ નહીં, આખી દુનિયાને ચોંકાવી દીધી છે. હોળીની ઉજવણી સૌથી વધુ ક્યાં-ક્યાં થાય છે એ વિશે થયેલા આ સર્વેમાં મુસ્લિમ દેશ કતરનું નામ પહેલું આવ્યું હતું. અને સૌના આઘાતાશ્ચર્ય વચ્ચે ભારતનો ક્રમ છેક આઠમો હતો.
એ સાચું કે, આજે દેશ સહિત સમગ્ર વિશ્વમાં હોળીની ધૂમ છે. ઠેર-ઠેરથી હોળીની ઉજવણીની તસવીરો આવી રહી છે. હોળી રંગોનો તહેવાર હોવાથી તેનું નામ આવતાની સાથે જ મનમાં રંગોની છોળો અને બાળકો-મોટેરાઓના ખીલખિલાટ ચહેરા તરી આવે છે. પરંતુ સાથે એ પણ હકીકત છે કે, રંગોનો આ તહેવાર વિશ્વના ઘણા ભાગોમાં ઉજવવામાં આવે છે, જેમાં અમેરિકા, બ્રિટન, જર્મની, સંયુક્ત આરબ અમીરાત (UAE), મોરેશિયસ, નેપાળ અને ઈરાનનો પણ સમાવેશ થાય છે.
ભારત નહીં, પણ આ દેશ છે હોળી માટે સૌથી વધુ પાગલ
તમને કોઈ પૂછે કે હોળીનો સૌથી વધુ ક્રેઝ ક્યાં છે, તો તમે સરળતાથી જવાબ આપશો – ભારત. તમે કહેશો કે આ તહેવારનો જન્મ ભારતની ભૂમિ પર થયો છે, તેથી અહીં હોળીની દીવાનગી સૌથી વધુ છે. પરંતુ તાજેતરનો અહેવાલ કંઈક અલગ જ કહી રહ્યો છે. ‘ઈન્ડિયા સમ-ડે’ ના અભ્યાસ અને સર્ચ એન્જિન ડેટાએ સૌને ચોંકાવી દીધા છે.
ડિજિટલ સર્ચ અને વસ્તીના પ્રમાણના આધારે કતર વિશ્વનો સૌથી ‘હોલી ઓબ્સેસ્ડ’ (હોળી માટે ઘેલો) દેશ બનીને ઉભર્યો છે. અભ્યાસ અનુસાર, 2024 માં ‘વર્લ્ડ મોસ્ટ હોલી ઓબ્સેસ્ડ કન્ટ્રીઝ’ ના આંકડા આવ્યા હતા. ગૂગલ પર ‘Holi Festival’, ‘Holi Celebration’ અને ‘Holi Date’ જેવા કીવર્ડ્સની સર્ચ ડેન્સિટીના મામલે ખાડી દેશો અને નાના ટાપુ રાષ્ટ્રોએ ભારતને પાછળ છોડી દીધું છે.
આ પણ વાંચોઃ ભારત સરકાર દ્વારા ભારતીયો માટે કંટ્રોલ રૂમ તૈયાર, હેલ્પલાઇન નંબરો જાહેર
દર 1,00,000 રહેવાસીઓ મુજબ આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું, ત્યારે હોળી પ્રત્યેની વૈશ્વિક દીવાનગી સામે આવી હતી. હોળી પ્રત્યેની દીવાનગીમાં ટોચના 10 દેશો:
1 કતર
2 સિંગાપોર
3 મોરેશિયસ
4 સંયુક્ત આરબ અમીરાત (UAE)
5 ન્યુઝીલેન્ડ
6 બહેરીન
7 બ્રિટન
8 ભારત
9 જર્મની
10 સ્વિટ્ઝર્લેન્ડ
કતરમાં હોળીની દીવાનગીનું સૌથી મોટું કારણ ત્યાંના ભવ્ય જાહેર આયોજનો અને બીચ પાર્ટીઓ છે, જ્યાં ભારતીય પ્રવાસીઓની સાથે અન્ય દેશોના લોકો પણ આ તહેવારની ઉજવણી કરે છે.
વિશ્વના અન્ય દેશોમાં હોળીની ઝલક
નેપાળમાં ‘ફાગુ પૂર્ણિમા’: નેપાળમાં હોળીને ફાગુ પૂર્ણિમા કહેવામાં આવે છે. તે મુખ્ય તહેવારના એક અઠવાડિયા પહેલા જ શરૂ થઈ જાય છે. પહાડી અને તરાઈ વિસ્તારોમાં તેને ઉજવવાની રીતો અલગ-અલગ છે.
મોરેશિયસ અને ફિજી: આ ટાપુ દેશોમાં હોળી 2 દિવસ સુધી ચાલે છે. અહીંનો ભારતીય સમુદાય પોતાની જડો સાથે જોડાયેલા રહેવા માટે મોટા પાયે આયોજન કરે છે.
અમેરિકા અને ઓસ્ટ્રેલિયા: પશ્ચિમી દેશોમાં હોળી હવે માત્ર ભારતીયોનો તહેવાર રહ્યો નથી, પરંતુ સ્થાનિક લોકો પણ તેમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
ઈરાનનો ‘તિરગાન’: ઈરાન, જે હાલમાં ઈઝરાયેલ અને અમેરિકા સાથે સંઘર્ષની સ્થિતિમાં છે, ત્યાંનો એક પ્રાચીન તહેવાર ‘તિરગાન’ ચર્ચામાં છે. તે ભારતીય હોળી જેવો જ એક બિન-અબ્રાહમિક તહેવાર છે. તિરગાનમાં લોકો એકબીજા પર પાણી ફેંકે છે અને હવે ધીમે-ધીમે તેમાં રંગોનો સમાવેશ પણ થવા લાગ્યો છે. તેમાં ‘હોમા અમૃત’ (દૂધ, દાડમનો રસ અને એફેડ્રાનું મિશ્રણ) અર્પણ કરવાની મુખ્ય ધાર્મિક વિધિ છે.

