- TMC એટલે T= તુષ્ટિકરણની રાજનીતિ, M= માફિયા તેમજ ગુંડારાજ અને C= ક્રાઈમ કલ્ચરઃ જગદીશભાઈ વિશ્વકર્મા
ગાંધીનગર, 17 જાન્યુઆરી, 2026ઃ ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પશ્ચિમ બંગાળ અને પંજાબની હિંસક ઘટનાઓને વખોડી કાઢતા બંને રાજ્ય સરકારની નીતિ ઉપર આકરા પ્રહાર કર્યા હતા.
ભાજપા કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, મીડિયાનો પ્રત્યેક કર્મચારી રાત-દિવસ પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ અને ચિંતાઓને ઉજાગર કરવા કાર્ય કરતો હોય છે. સરકારની સારી બાબતોને પ્રજાસમક્ષ મૂકવાની સાથે સાથે સરકારની નબળી બાબતોને પણ મીડિયા પ્રજા સમક્ષ રજૂ કરે છે. મીડિયા એ સરકાર અને પ્રજા વચ્ચેનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. સરકાર અને જનતા વચ્ચેનો વિશ્વાસનો સેતુબંધ એટલે મીડિયાનાં મિત્રો. મીડિયા સમાજનું દર્પણ છે. તેઓ પંજાબમાં મીડિયા ઉપર થયેલા દમનના સંદર્ભમાં બોલી રહ્યા હતા.
પંજાબમાં શું થયું?
જગદીશભાઈએ જણાવ્યું હતું કે, કેજરીવાલની કઠપુતળી સમાન ભગવંત માન સરકાર દ્વારા પંજાબમાં જે રીતે મીડિયા પર દમનકારી કાર્યવાહી કરવામાં આવી રહી છે તે લોકશાહી માટે અત્યંત ચિંતાજનક છે. કેજરીવાલના ઈશારે પંજાબમાં ભગવંત માન સરકાર દ્વારા મીડિયા પર સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જે લોકતંત્રના ચોથા સ્તંભ પર ખુલ્લેઆમ આઘાત સમાન છે. જે પણ મીડિયા સંસ્થાઓ સાચા અને નિષ્પક્ષ સમાચાર પ્રકાશિત કરે છે, તેમના પર રેડ, ફરિયાદો અને દબાણની રાજનીતિ કરવામાં આવી રહી છે.
તાજેતરમાં પંજાબ કેસરી ગ્રુપની ભટિંડા સ્થિત પ્રિન્ટિંગ પ્રેસમાં કોઈ નોટિસ વિના, કોઈ અધિકૃત આદેશ વિના પંજાબ પોલીસે રેડ પાડી હતી. આ દરમિયાન પત્રકારો તથા અખબારના કર્મચારીઓ સાથે મારમારી કરવામાં આવી, અનેક કર્મચારીઓને ઇજા પહોંચાડવામાં આવી અને અખબારની ઓફિસનું તાળું તોડી નાખવામાં આવ્યું. ગેરકાયદે રીતે કર્મચારીઓની અટકાયત કરવામાં આવી અને ઇજાગ્રસ્ત કર્મચારીઓને ભટિંડા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આ ઘટના લોકતંત્ર પર સીધો હુમલો છે, જેને ગુજરાત ભાજપા કડક શબ્દોમાં વખોડે છે.
પશ્ચિમ બંગાળની સરકાર અંગે શું કહ્યું?
ગુજરાત ભાજપા અધ્યક્ષે પશ્ચિમ બંગાળ સરકારની પણ આકરી ટીકા કરી હતી. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસી (TMC)ના શાસન હેઠળ ચાલી રહેલા ભય, દબાણ અને રાજકીય હિંસાના ગંભીર મુદ્દે પ્રતિક્રિયા આપતા જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળની ધરતી, જે એક સમયે તેની લોકશાહી ચેતના અને બૌદ્ધિક પરંપરા માટે જાણીતી હતી, આજે ટીએમસીના શાસન હેઠળ ભય, બળજબરી અને રાજકીય હિંસાની પ્રયોગશાળા બની ગઈ છે. આજે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ફરજ બજાવવી હવે કોઈના જીવન માટે જોખમ બની ગઈ છે?
શા માટે કરી મમતા બેનરજી સરકારની ટીકા?
તાજેતરમાં જાદવપુર વિધાનસભા મતવિસ્તારના બૂથ નંબર ૧૧૦ના બૂથ લેવલ ઓફિસર (BLO) અશોક દાસ પર વોર્ડ નંબર ૧૦૯ના ટીએમસી નેતાઓ અનન્યા બેનર્જી અને રાજુ બિશ્વાસ દ્વારા મતદાર યાદીમાંથી કોઈ પણ ગેરકાયદેસર મતદારોને દૂર ન કરવા સતત દબાણ અને ધમકીઓ આપવામાં આવી હતી. તેમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો તેઓ મતદાર યાદીમાંથી કોઈ પણ ગેરકાયદેસર મતદારોને દૂર કરશે, તો તેમને મારી નાખવામાં આવશે અને તેમની પત્ની તથા નાના બાળકને પણ નુકસાન પહોંચાડવામાં આવશે. સતત માનસિક દબાણ, ભય અને અસલામતીએ અશોક દાસને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી દીધા.
TMC એટલે શું?
જગદીશભાઈ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે, જ્યારે કોઈ સરકારી કર્મચારીને એવું કહેવામાં આવે કે કાયદો તેનું રક્ષણ નહીં કરે, પોલીસ સરકારના ઈશારે કામ કરશે અને સત્યની કિંમત જીવનથી ચૂકવવી પડશે, ત્યારે તે ફક્ત એક વ્યક્તિની દુર્ઘટના નથી રહેતી, પરંતુ તે લોકશાહીની હત્યા બની જાય છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, શું આ માત્ર આત્મહત્યા છે કે પછી શાસક પક્ષના દબાણથી દબાયેલા એક પ્રામાણિક અધિકારીનો મૌન ચીસો ભર્યો અવાજ છે? આ ઘટનાના પરિપ્રેક્ષ્યમાં તેમણે કહ્યું કે, આજે પશ્ચિમ બંગાળમાં TMCની એક નવી વ્યાખ્યા ઉભરી આવી છે.
T- તુષ્ટિકરણની રાજનીતિ, M– માફિયા અને ગુંડારાજ અને C– ક્રાઈમ કલ્ચર. તેઓએ મમતા બેનર્જી પર સવાલ કરતા કહ્યું કે, પોતાની જાતને લોકશાહીના રક્ષક કહેનારા આજે ચૂપ કેમ છે? શું બંગાળમાં ઘૂસણખોરોને બચાવવાનું રાજકારણ એટલું મહત્વનું બની ગયું છે કે નાગરિકો, ચૂંટણી અધિકારીઓ અને તેમના પરિવારોના જીવનનું કોઈ મૂલ્ય જ રહ્યું નથી?
ગુજરાત ભાજપા અધ્યક્ષે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ઘણા વર્ષોથી મતદાર યાદીમાં લાખો ગેરકાયદે નામો હોવાના આરોપો છે. અનેક રિપોર્ટ્સ દર્શાવે છે કે 2011 થી 2019 દરમિયાન રાજ્યમાં વસ્તી રચનામાં અસ્વાભાવિક ફેરફાર થયો છે. ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલી વિશેષ મતદારયાદી સુધારણા(SIR) મમતા દીદી અને તેમની પાર્ટીને આંખમાં કણાની જેમ ખુચે છે. કેન્દ્ર સરકાર દ્વારા બાંગ્લાદેશ સીમા પર વાડ બાંધવા માટે જમીન માંગવામાં આવી હતી, પરંતુ TMC સરકારે સહકાર આપવાનો ઇનકાર કર્યો. 72 સંવેદનશીલ વિસ્તારોમાં બોર્ડર ફેન્સિંગ માટે જમીન ન આપવાનો નિર્ણય દેશની સુરક્ષા સાથે સીધો ખિલવાડ છે.
TMC નેતાઓ સામે કાર્યવાહી થશે કે તેમને પુરસ્કાર મળશે?
આજે સમગ્ર દેશ મમતા બેનર્જી પાસેથી જવાબ માંગે છે કે, શું અશોક દાસની પત્ની અને અનાથ બાળકને ન્યાય મળશે? શું જવાબદાર TMC નેતાઓ સામે કાર્યવાહી થશે કે તેમને પુરસ્કાર મળશે? એવો સવાલ ઉઠાવીને ગુજરાત ભાજપના નેતાએ કહ્યું કે, શું પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની સ્વતંત્ર પ્રક્રિયાનું પાલન કરવું હવે મૃત્યુદંડ સમાન બની ગયું છે? આ લડાઈ કોઈ પક્ષ સામે નથી, પરંતુ ભય, દમન અને ચૂંટણીમાં છેતરપિંડીના રાજકારણ સામે છે. ભાજપ આ દમનકારી શાસન સામે ચૂપ નહીં રહે અને અશોક દાસને ન્યાય મળે ત્યાં સુધી તથા પશ્ચિમ બંગાળ ભયમુક્ત ન થાય ત્યાં સુધી આ સંઘર્ષ ચાલુ રાખશે.

