માનવ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપનાર વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિન કહ્યું હતું કે માણસ એક સામાજિક પ્રાણી છે. તે પૃથ્વી પરના બીજા સજીવ કરતાં અલગ પડે છે. મનુષ્યને કુદરત તરફથી એવી અનોખી ભેટ મળેલી છે કે તે સ્વતંત્ર રીતે વિચાર કરી શકે, લાગણીઓ વ્યક્ત કરી શકે અને પરિસ્થિતિ અનુસાર પ્રતિક્રિયા આપી શકે છે. આજ માનવલક્ષી ક્ષમતાઓ મનુષ્યને પૃથ્વી પરના અન્ય સજીવો કરતાં ખૂબ જ વિશિષ્ટ બનાવે છે.
માનવ જીવનનું મુખ્ય લક્ષણ એટલે સામાજિક આંતરક્રિયા. માણસ સતત અન્ય માનવો સાથે સંપર્કમાં રહેતો હોય છે. જેમ જેમ માનવ મગજની સમજણ અને બુદ્ધિ વિકસતી ગઈ, તેમ તેણે સંચાર માટેના માધ્યમોમાં પણ નોંધપાત્ર પરિવર્તન આવતું ગયું. પ્રાચીન સમયમાં સંદેશા આપ-લે કરવા માટેનું માધ્યમ લોકો દ્વારા મૌખિક રીતે પહોંચાડતા, પ્રાણીઓ–પક્ષીઓ (જેમ કે કબૂતર)ની મદદ લેવામાં આવી. પછી ટપાલ વ્યવસ્થા, ટેલીફોન, ટેલિગ્રાફ જેવી પદ્ધતિઓ વિકસતી ગઈ. આજના આધુનિક યુગમાં સ્માર્ટ ટેકનોલોજી, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાર અતિ સહેલો અને ઝડપી બની રહ્યો છે. ટૂંકમાં કહીએ તો, સમય અને જરૂરિયાત અનુસાર મનુષ્ય સંચારનાં સાધનોમાં સતત બદલાવ લાવ્યો છે.
આ પણ વાંચોઃ AI ઇમ્પેક્ટ સમિટના બીજા દિવસે પીએમ મોદીએ લોકોના હિત માટે ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો
આજના સ્માર્ટ ટેકનોલોજીના યુગમાં મનુષ્ય એટલો આગળ વધી ગયો છે કે તેની દૈનિક જીવનની મોટાભાગની પ્રવૃત્તિઓ ટેકનોલોજી પર આધારિત બની ગઈ છે. શૈક્ષણિક કાર્ય, વ્યવસાય, ખરીદી, મનોરંજન, સામાજિક સંપર્ક હવે બધું જ હવે એક સ્ક્રીન સુધી સીમિત થતું જાય છે. આ યુગમાં એવું કહી શકાય કે કોઈપણ વ્યક્તિ ટેકનોલોજીથી સંપૂર્ણપણે દૂર રહી શકતી નથી. ટેકનોલોજીના વિકાસે વિશ્વને પરસ્પર સાંકડું બનાવી દીધું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ માહિતી મેળવી શકે છે અને તેનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે.
જ્યાં એક તરફ ટેકનોલોજીએ જીવન સરળ બનાવ્યું છે, તો બીજી તરફ તેની ડીપેન્ડેસી માનવજીવન માટે જોખમી સાબિત થઈ રહી છે. એવું કહી શકીએ કે કોઈપણ વયની વ્યક્તિ આમાંથી બાકાત રહી નથી.
બાળકોમાં મોબાઈલ ગેમ્સ રમવાની આદત, રીલ્સને જોઈને જમવું જેવી આદતો વધી રહી છે. યુવાનોની અંદર જોઈએ તો સ્વ-વિકાસ અને વ્યક્તિત્વ ઘડતર કરતાં વધુ સમય ડિજિટલ મનોરંજનમાં વ્યતિત કરી રહ્યા છે. સમાજમાં વાસ્તવિક રીતે સામાજિક સંપર્ક ઘટતો જઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ ભારતીય વિચારમંચ દ્વારા ભારતની વૈશ્વિક ભૂમિકા વિશે રાષ્ટ્રીય સંમેલન યોજાયું
જ્યારે વ્યક્તિ એકલતા અનુભવે છે ત્યારે તે પોતાની અંદર રહેલી ક્ષમતાઓ વિકસાવવાની જગ્યાએ સ્ક્રીન પર આધારિત પ્રવૃત્તિઓ જેવી કે વેબસિરીઝ, ગેમ્સ અને સોશિયલ મીડિયા સાથે પોતાનો સમય પસાર કરી રહ્યો છે. શરૂઆતમાં આ એક ઉપાય લાગે છે, પરંતુ આગળ જતા તે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ જેમ કે એકલતા, ડિપ્રેશન, ચિંતા અને વ્યસનનું કારણ બની શકે છે.
તાજેતરમાં ગાજિયાબાદમાં ત્રણ સગી બહેનોએ એક સાથે કરેલી આત્મહત્યાની ઘટનાએ દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ઘટનાના પાછળ ઓનલાઇન કોરિયન ગેમ્સનું અતિશય વ્યસન એક મહત્ત્વપૂર્ણ કારણ હતું. આ ઘટના ટેકનોલોજીના બિનજરૂરી અને ગેરસમજભર્યા ઉપયોગ સામે એક ‘રેડ ફ્લેગ’ નિર્દેશ કરી રહ્યું છે.
ટેકનોલોજીની મદદથી ભલે આપણે વિશ્વના કોઈપણ ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે વીડિયો કૉલ દ્વારા વાત કરી શકીએ, પરંતુ સાથે સાથે સાયબર સિક્યુરિટી, પ્રાઇવસી, ડેટા મિસયુઝ જેવી સમસ્યાઓ પણ વધી રહી છે. આ બધાં પરિબળો મળીને માનવ જીવનની અંદર મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ વધારી રહી છે. ન્યુઝપેપરમાં ઑનલાઈન વિડીયો કોલિંગના માધ્યમથી બ્લેકમેઈલિંગના ઘણા કિસ્સા સામે આવતા હોય છે. આ ઘટનાઓનો ભોગ બનતા વ્યક્તિઓ ઉદાસીનતામાં આવી જતાં હોય છે અને ક્યારેક કોઈ અન્ય ઉકેલ ન મળતાં તેઓ આત્મહત્યા કરવા મજબૂર બનતા હોય છે.
વર્તમાન સમયમાં માનસિક સમસ્યાઓ વધવાની પાછળનું એક મુખ્ય કારણ છે ટેકનોલોજી પર અતિશય આધાર છે. ટેકનોલોજી માનવજીવનને જરૂરી રહે તે માટેનું મદદરૂપ સાધન હોવું જોઈએ. જો તેનો ઉપયોગ સમજદારીપૂર્વક અને સંતુલિત રીતે કરવામાં આવે તો તે વિકાસનું સાધન બની શકે છે, નહીં તો વિનાશનું કારણ પણ બની શકે છે.
મન:મર્મ: આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, ટેકનોલોજી દ્વારા નિયંત્રિત થવું જોઈએ નહીં.

